સુરત: (Surat) અડાજણ બાપુનગરમાં રિક્ષા ચાલકે પત્ની અને તેના આશિક દ્વારા મિલકત બાબતે સતત ટોર્ચરિંગને કારણે શનિવારે સાંજે ગળેફાંસો (Suicide) ખાઇ લીધો હતો. તે સમયે મૃતકની પત્નીએ તેના ભરૂચ સેગવામાં રહેતા જેઠને ફોન કરી તેના ભાઈનું હાર્ટએટેકથી મોત થયાનું જુઠાણું ચાલવ્યું હતું. મોટાભાઈએ ભાભીને ભાઈની લાશ લઈને સેગવા દફનવિધિ માટે બોલાવ્યા હતા. જેથી ભાઈની લાશ કબ્રસ્તાનમાં લઈ ગયા હતા ત્યાં લાશ પર નીશાન જોઈને મોટાભાઈને શંકા જતાં ફરી લાશને સુરત નવી સિવિલમાં લાવવાની ફરજ પડી હતી. આખરે આ મામલો રાંદેર પોલીસ મથકે પહોંચ્યો હતો. પુત્રી અને મૃતકના ભાઈએ પોલીસ સમક્ષ પિતાનું મોત શંકાસ્પદ હોવાનું દર્શાવ્યું હતું. જેથી પોલીસે મૃતકની પત્ની (Wife) અને તેના પ્રેમી સામે ગુનો દાખલ કર્યો હતો.
બંને હોસ્પિટલમાં દાઉદને મૃત જાહેર કર્યો
પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ભરૂચ જિલ્લાના સેગવાના વતની અને હાલ અડાજણ પાટીયા બાપુનગરમાં રહેતો 44 વર્ષિય મહંમદ દાઉદ વાસ્તા હાલ રિક્ષા ચલાવી બે પુત્રો, એક પુત્રી અને પત્ની સાથે જીવન ગુજારી રહ્યો હતો. દાઉદે મિલકતના ઝઘડામાં શનિવારે સાંજે ઘરમાં નાયલોનની દોરી વડે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પરિવારને જાણ થતા તેઓ દાઉદને નીચે ઉતારી અલગ અલગ બે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં બંને હોસ્પિટલમાં દાઉદને મૃત જાહેર કર્યા હતા.
પુત્રીએ પિતાનું શંકાસ્પદ હોવાનું જણાવ્યું
પરિવારે પોલીસને જાણ કર્યા વગર દાઉદના મૃતદેહને ભરૂચના સેગવા લઇ ગયા હતા. જ્યાં કબ્રસ્તાનમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા પોલીસના કાગળીયાની માંગણી કરી હતી. જેથી પરિવાર લાશને લઇને નવી સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જ્યાં પુત્રીએ પિતાનું શંકાસ્પદ મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું. દરમિયાન તબીબોએ રાંદેર પોલીસને જાણ કરી મૃતદેહનું પીએમ કરતા લાશના ગળાના ભાગે નિશાન હોવાનું બહાર આવતા પોલીસને જાણ કરી હતી.
સ્યુસાઇડ નોટમાં પત્ની સાથે ઝઘડો થતો હોવાનો ઉલ્લેખ
પોલીસે ઘરની તલાશી લેતા સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં પત્ની સાથે મિલક્તને લઇને ઝઘડો થતો હોવાનો ઉલ્લેખ કરાયો છે. રાંદેર પોલીસે હાલ અકસ્માત મોતની નોંધ લઇ સ્યુસાઇડ નોટના આધારે આગળની તપાસ શરૂ કરી છે. આ આખી ઘટના પાછળ મૃતકની અને તેનો પ્રેમી હોવાનું કારણ બહાર આવ્યું છે. જેથી મૃતકની પત્નીએ મૃતકને ભાઈને પણ તેના મોત અંગે જુઠી સ્ટોરી બનાવી સંભળાવી હતી. આખરે આખી ઘટનાનો ભાંડો ફૂટી જતાં પોલીસે મતૃકની પત્ની અને તેના પ્રેમી સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.