Sports

હાશ, આ પનોતી એમ્પાયરથી ટીમ ઈન્ડિયાને મળ્યો છુટકારો, હવે ફાઈનલમાં જીતશે?

નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ 2024 ની ફાઇનલ મેચ આજે 29 જૂનને શનિવારે રમાવા જઈ રહી છે. ભારતમાં રાત્રિના 8 વાગ્યાથી આ મેચ શરૂ થશે. સેમીફાઈનલની જેમ ફાઈનલ મેચ પર પણ વરસાદના વાદળોનું સંકટ ઘેરાઈ રહ્યું છે. જોકે, તેમ છતાં ભારતીય ક્રિકેટ ટીમ હાશ અનુભવી રહી છે. કારણ કે એક બહુ મોટી પનોતી ટીમ ઈન્ડિયાના માથેથી દૂર થઈ છે.

ક્રિકેટ પ્રેમીઓ ટી-20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફાઈનલ મેચ આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાવાની છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આ ફાઈનલ મેચ માટે અમ્પાયરોના નામ જાહેર કર્યા છે. જે બાદ ભારતીય ક્રિકેટ ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે. જેમાં ફિલ્ડ અમ્પાયર તરીકે રિચર્ડ કેટલબોરોનું નામ નથી.

આઈસીસીએ જાહેર કરેલા લિસ્ટમાં ફાઈનલ મેચના રેફરી રિચી રિચર્ડસનનું નામ છે, જ્યારે ક્રિસ ગફાની (ન્યૂઝીલેન્ડ) અને રિચર્ડ ઇલિંગવર્થ (ઇંગ્લેન્ડ) ફિલ્ડ અમ્પાયરની ભૂમિકા ભજવશે. રિચર્ડ કેટલબોરો (ઇંગ્લેન્ડ) ટીવી અમ્પાયરની ભૂમિકામાં જોવા મળશે. રોડ ટકર (ઓસ્ટ્રેલિયા) આ ફાઈનલ મેચના ચોથા અમ્પાયર હશે.

ભારતીય ક્રિકેટ ચાહકો માટે રાહતની વાત છે કે રિચર્ડ કેટલબોરો ટી-20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચમાં ફિલ્ડ અમ્પાયર નથી. કારણ કે કેટલબરોની હાજરીમાં ભારતને ઘણી મહત્વપૂર્ણ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. ગયા વર્ષે વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં અને ટી-20 વર્લ્ડ કપ 2019ની સેમિફાઇનલમાં હાર્યા બાદ ભારતને 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં અને 2014 ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ દરેક મહત્ત્વપૂર્ણ મેચોમાં કેટલબોરો ફિલ્ડ એમ્પાયર હતા.

આજની ફાઈનલમાં કેટલબરો ફિલ્ડ એમ્પાયર નથી તેથી ભારતીય ક્રિકેટ ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે. ટી-20 વર્લ્ડકપની ફાઈનલ મેચ જીતી ભારત 10 વર્ષથી ચાલી રહેલાં આઈસીસી ટ્રોફીના દુકાળને દુર કરશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

Most Popular

To Top