ભરૂચ: ઔદ્યોગિક નગરી દહેજમાં આવેલ RGPP નામની કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે આગ લાગતા કામદારોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ચપેટમાં કંપની બહાર ઉભેલું એક વાહન પણ આવી જતાં એ વાહન પણ ભડકે બળ્યું હતું. આગની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો દોડી આવીને તેના પર કાબુમાં લાગી ગયા હતા.
- કંપની બહાર ઊભેલું વાહન પણ આગની ચપેટમાં આવી ગયું
- દહેજ GIDC ફાયર બંબાઓના સાયરનથી ગૂંજી ઉઠી
ભરૂચના દહેજ ઔદ્યોગિક વસાહતમાં અનેક મોટી કંપનીઓ આવેલી છે. જેમાં અનેક વખતે કોઈને કોઈ અકસ્માત થતા રહે છે. ત્યારે રવિવારે રાત્રે દહેજ GIDC માં આવેલી RGPP નામની કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે ભયંકર આગ ફાટી નીકળી છે. આગ એટલી પ્રચંડ હતી કે, આગની ચપેટમાં કંપનીની બહાર ઉભેલા એક વાહનમાં પણ આગ લાગી હતી.
આગનો મેજર કોલ મળતાં જ ફાયર બંબાઓના સાયરનથી દહેજ GIDC ગૂંજી ઉઠ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવવાની જહેમતમાં લાગ્યા હતા. આગના પગલે અંદર કામ કરતા કામદારોમાં દોડધામ મચી ગઇ હતી.આ ધડાકો એટલો ભયંકર હતો કે, આસપાસના વિસ્તારના લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. આ આગ ક્યા કારણે લાગી તેમજ તેમાં કોઈ જાનહાનિ થઇ છે કે નહીં એ હાલ હજુ જાણી શકાયું નથી.