Editorial

રાજકીય પક્ષો પોતાની મર્યાદા સમજશે ત્યારે જ રેવડીની જાહેરાતો પર અંકુશ આવશે

અરવિંદ કેજરીવાલે દિલ્હીની ચૂંટણી સહિત પોતાનો પક્ષ જ્યાં ચૂંટણી લડતો હતો ત્યાં લોકોને ફ્રીમાં વસ્તુઓ આપવાની જાહેરાતો કરી અને રાજકીય આરોપ-પ્રત્યારોપ શરૂ થઈ ગયા. જેને ભાજપ દ્વારા રેવડી તરીકે ઓળખાવવામાં આવી તેવી આપની મતદારોને લલચાવવાની જાહેરાતો એ ભારતના રાજકારણમાં પહેલી જાહેરાતો નથી. ભૂતકાળમાં મોટાભાગની ચૂંટણીઓમાં ભાજપ, કોંગ્રેસ સહિતના પ્રાદેશિક પક્ષો દ્વારા આ રેવડીઓની જાહેરાત કરવામાં આવી જ છે અને તેને કારણે જે તે રાજકીય પક્ષને ચૂંટણીમાં ફાયદો થયો જ છે. જોકે, આપ દ્વારા દિલ્હી અને પંજાબમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ કોંગ્રેસ અને ખાસ કરીને ભાજપે રેવડીના મામલે કેજરીવાલ પર પસ્તાળ પાડવાનું શરૂ કર્યુ અને રેવડી રાજકારણના કેન્દ્રમાં આવી ગઈ. હવે દરેક ચૂંટણીઓમાં રાજકીય પક્ષો દ્વારા રેવડીઓની જાહેરાત કરવામાં આવે છે અને મતદારોને ખેંચવાના પ્રયાસો થાય છે. રેવડીની જાહેરાતોમાંથી કોઈપણ પક્ષ બાકાત નથી અને આપના પ્રયોગો પછી તેમાં ભારે વેગ આવી ગયો છે.

રેવડીની જાહેરાતો વધી જતાં સુપ્રીમ કોર્ટમાં એક જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. રેવડીની અરજી પર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની આગેવાનીમાં જસ્ટિસ જેકે મહેશ્વરી અને જસ્ટિસ હેમા કોહલી સહિત ત્રણ સભ્યોની બેંચ દ્વારા સુનાવણી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી સુપ્રીમ કોર્ટમાં જે સુનાવણીઓ થઈ તેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, રેવડીના મુદ્દા પર નિર્ણય લેવા માટે એક સમિતિની રચના કરવી જોઈએ. એમાં કેન્દ્ર, રાજ્ય સરકારો, નીતિ આયોગ, નાણાપંચ, ચૂંટણીપંચ, આરબીઆઈ, કેગ અને રાજકીય પક્ષોનો સમાવેશ થવો જોઈએ.

ગરીબોનું પેટ ભરવાની જરૂર છે, પરંતુ લોકોના કલ્યાણને સંતુલિત કરવાની જરૂર છે, કારણ કે રેવડીના કારણે અર્થતંત્ર નાણાં ગુમાવી રહ્યું છે. રાજકીય પક્ષોને મતદારોને વચનો આપવાથી રોકી શકાય નહીં. શું બધા માટે આરોગ્ય સંભાળ, પીવાનું પાણી… મનરેગા જેવી યોજનાઓ, જે જીવનને વધુ સારું બનાવે છે એને રેવડી ગણી શકાય?’ કોર્ટે આ મામલામાં તમામ પક્ષકારોને તેમનાં મંતવ્યો આપવા જણાવ્યું હતું. ચૂંટણી પંચએ પોતાનો એવો અભિપ્રાય આપ્યો હતો કે, કઈ રેવડી છે અને કઈ નથી તે તેઓ નક્કી કરી શકે નહીં. રાજકીય પક્ષો દ્વારા જ આ નક્કી કરવામાં આવે છે. કેન્દ્ર સરકારે એવું કહ્યું કે , રેવડીને કારણે દેશ ભવિષ્યમાં આર્થિક આપત્તિ તરફ દોરાઈ જશે. સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલે હવે રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરકારની સાથે કેન્દ્ર સરકારને નોટિસો ફટકારવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં આગામી દિવસોમાં આ મામલે સુનાવણીને આદેશ જારી કરવામાં આવશે પરંતુ તે પહેલા સૌથી મોટો સવાલ એ છે કે કઈ રીતે નક્કી કરવું કે રાજકીય પક્ષો દ્વારા જે જાહેરાત કરવામાં આવે છે તે રેવડી છે કે નહીં! સુપ્રીમ કોર્ટ કે પછી અન્ય કોઈપણ ઓથોરિટી માટે રેવડીની વ્યાખ્યા નક્કી કરવી અઘરી છે. ખરેખર તો રાજકીય પક્ષો દ્વારા જ રેવડી માટેની મર્યાદા નક્કી કરવી જોઈએ. રાજકીય પક્ષો દ્વારા જો મર્યાદા રાખવામાં આવે તો સુપ્રીમ કોર્ટએ આ મામલામાં પડવાની જરૂરત જ નહીં પડે. સુપ્રીમ કોર્ટ દ્વારા હાલમાં તો નોટિસો ફટકારવામાં આવી છે અને આગામી દિવસોમાં રેવડીના મામલે આદેશ કે માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવે પરંતુ એ સત્ય છે કે જ્યાં સુધી રાજકીય પક્ષો સમજશે નહીં ત્યાં સુધી રેવડીની જાહેરાતો પર અંકુશ લાવવો અઘરો જ છે તે નક્કી છે.

Most Popular

To Top