બાનુ મુશ્તાક અને એમની વાર્તાના અનુવાદક દીપા ભશ્તીને ૨૦૨૫નું આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝ મળ્યું. ભારત માટે આ ગૌરવની ઘડી છે. આ સાથે પહેલી વાર ટૂંકી વાર્તાના સંગ્રહને બુકર પ્રાઈઝ મળ્યું અને પહેલી વાર ભારતની પ્રાંતીય ભાષામાં (કન્નડ) લખાયેલા સાહિત્યને આ સન્માન મળ્યું. ૭૭ વર્ષનાં બાનુ બુકર જીતનારાં સૌથી વયસ્ક લેખિકા છે. બાનુ જ્યારે આઠ વર્ષનાં હતાં ત્યારે તેમના પિતાજી તેમને મિશનરી સ્કૂલમાં દાખલ કરાવવા લઇ ગયા.
ઘરમાં ઉર્દૂનો પ્રયોગ થતો હોઈ તેઓ સરખું કન્નડ બોલી શકતાં ન હતાં. સ્કૂલ પ્રશાસને શરૂઆતમાં તો પ્રવેશ આપવાની ના પાડી પણ ખૂબ આજીજી કર્યા પછી તેમને એ શરતે પ્રવેશ મળ્યો કે છ મહિનામાં એમણે કન્નડ લખતાં અને વાંચતાં શીખી જવું પડશે, નહીંતર તેમનો પ્રવેશ રદ થશે. સૌ કોઈના આશ્ચર્ય વચ્ચે બાનુએ થોડા દિવસમાં જ કન્નડ વાંચતાં લખતાં શીખી લીધું. બાળપણમાં શિક્ષણનાં બીજ તેમના પિતાએ રોપ્યાં અને તેમની લખવાની વૃત્તિને પ્રોત્સાહન આપ્યું. લગ્ન પછી પતિએ પૂરો સાથ નિભાવ્યો અને આજે તેઓ એ મુકામ પર છે જ્યાં કન્નડ સાહિત્યના તેમના યોગદાન માટે વિશ્વ કક્ષાએ તેમની નોંધ લેવાઈ છે!
બાનુ મુશ્તાકના ઘડતરની શરૂઆત થઇ હતી ૧૯૭૦ અને ૧૯૮૦ ના દાયકાથી જ્યારે કન્નડ સાહિત્યમાં ‘બન્દાયા’એટલે કે વિરોધના સાહિત્યની ચળવળ શરૂ થઇ. બાનુ એની સાથે જોડાયાં. આશરે બે દાયકા જેટલી ચાલેલી આ ચળવળ ખૂબ રસપ્રદ છે. ‘૭૦ના દાયકાની શરૂઆતમાં કન્નડ સાહિત્ય પર ઉચ્ચ જ્ઞાતિ અને પુરુષોના વર્ચસ્વને પડકારી વૈકલ્પિક સાહિત્યની રચના શરૂ થઇ. સામાજિક પ્રશ્નો સાથે નિસ્બત ધરાવતા સાહિત્યને પ્રોત્સાહન આપવાનું શરૂ થયું.
અન્યાયની સામે અવાજ ઉઠાવવા કવિતાને એક સાધન બનાવ્યું. તેમનું મુખ્ય સૂત્ર હતું કે જો તમે લેખક છો તો તમે એક યોધ્ધા છો. આ ચળવળમાં સર્જાયેલું સાહિત્ય રાજ્ય અને સમાજના શક્તિશાળી વર્ગો પર સવાલ ઉઠાવતું રહ્યું અને જન-સામાન્યમાં લોકશાહીની આકાંક્ષા જગાવતું રહ્યું. ઘણાં મહિલા, દલિત તેમજ લઘુમતી સમુદાયનાં લેખકો માટે આ થકી નવી દિશા ખૂલી. આ ચળવળ કર્ણાટકી સમાજમાં ઘણા સામાજિક સુધારા માટે નિમિત્ત બની હોવાનું કહેવાય છે.
બાનુ મુશ્તાકે આ જ સમય દરમ્યાન લખવાનું શરૂ કર્યું. બન્દાયા વર્તુળોમાં તેઓ ઘણાં સક્રિય હતાં જ્યાં તેમની લેખનશૈલી ઘડાઈ. આ સાથે તેઓ રાજ્ય રૈથા સંઘ, દલિત સંઘર્ષ સમિતિ, પ્રગતિશીલ નાટ્યપ્રવૃત્તિ અને ફેમીનીસ્ટ મુવમેન્ટ સાથે પણ સંકળાયેલાં રહ્યાં અને ધર્મ, જ્ઞાતિ, વર્ગ કે લિંગના આધારે વિભાજીત કરતાં પરિબળોનો વિરોધ કરતાં રહ્યાં. પહેલાં પત્રકાર અને પછી વકીલ તરીકેના વ્યવસાયને કારણે લોકોનાં પ્રશ્નો અને પીડા તેમણે પ્રત્યક્ષ જોયાં. બન્દાયાની સક્રિયતા અને વ્યાવસાયિક અનુભવોને કારણે પ્રશ્નોની સમજમાં ઊંડાણ ઉમેરાયું.
તેમની વાર્તાઓના કેન્દ્રમાં વંચિત સમાજની બહેનોના રોજિંદા જીવનનો સંઘર્ષ છે, જે કર્ણાટકના મુસ્લિમ પરિવારો, તેમની ધાર્મિકતા, પિતૃસત્તાક વ્યવસ્થા, એમાંથી જન્મતા લિંગભેદ અને હિંસાના વિષય પર વણાયેલી છે. સામાન્ય મહિલાઓની સામાન્ય જિંદગીને સંવેદના સાથે આલેખવી એ એમની વાર્તાઓની ખાસ વાત ગણાય છે. બુકર પારિતોષક જીતનાર પુસ્તક ‘હાર્ટ લેમ્પ’ બાર ટૂંકી વાર્તાનો સંગ્રહ છે. આ વાર્તાઓ ૧૯૯૦ થી ૨૦૨૩ દરમ્યાન લખાઈ છે, જે એમના છ વાર્તા સંગ્રહમાંથી પસંદ કરાઈ છે. વિવેચકોનું કહેવું છે કે આ વાર્તા માત્ર ભારતના જ નહિ પણ દુનિયાના દરેક ખૂણામાં પ્રવર્તતી પિતૃસત્તાક સંદર્ભે પણ એટલી જ પ્રસ્તુત છે. બુકર જજની પેનલે ટીપ્પણી પ્રમાણે બોલચાલની જીવંત ભાષામાં લખાયેલા એમના લખાણમાં વ્યંગ, ભાવુકતા અને તીવ્રતાનું અનોખું સંયોજન છે.
બાનુ કહેતાં હોય છે કે વ્યંગનો પ્રયોગ એ વિચારપૂર્વક પસંદ કરેલી શૈલી છે કારણ કે એ રીતે પિતૃસત્તા, ધર્મ અને રાજકારણથી ઊભા થતાં સત્તાના ઢાંચાને પડકારી શકે છે. જો ગંભીર શબ્દોમાં આ જ વાત કરવી હોય તો એના પ્રતિઘાત માટે તૈયાર રહેવું પડે. વર્ષ ૨૦૦૦માં તેઓ ફતવાનો સામનો કરી ચૂક્યાં છે. તેમણે કહ્યું હતું કે સ્ત્રીઓ માટે મસ્જીદમાં પ્રવેશ કરવાનો ઇસ્લામમાં નિષેધ નથી. આ પિતૃસત્તાક પ્રથા ગેરકાનૂની છે. તેમના આવા વિધાનથી ધર્મગુરુઓ નારાજ થયા અને તેમની પર સામાજિક પ્રતિબંધ મૂકવામાં આવ્યા. એ કાળ એમને માટે કપરો હતો પણ બાનુ અને અન્ય પ્રગતિશીલ લોકોએ ઉઠાવેલા પરિણામે આજે ઘણી મસ્જીદ મહિલાઓને પ્રવેશની મંજૂરી આપે છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વાર્તા પરિવર્તનનું સાધન બની શકે છે.
વાર્તા થકી લોકોને તેમના અધિકાર અંગે જાણ થાય, એ પ્રત્યે સભાનતા ઊભી થાય, લોકો ચુપ્પી તોડીને બોલવાનું શરૂ કરે અને હક માટે સંઘર્ષનો રસ્તો અપનાવી શકે. આ ધીમું પરિવર્તન વાર્તા કે કોઈ પણ કળા દ્વારા આવી શકે છે. એવૉર્ડ સ્વીકારતી વખતે તેમણે કહ્યું કે આ મારું વ્યક્તિગત સન્માન નથી પણ એ બધાં વંચિતોના અવાજનું સન્માન છે જે મારી વાર્તા થકી બોલે છે. એમણે એવૉર્ડ પોતાના મુલ્ક – ભારતને તેમજ દેશમાં શાંતિ અને અમન સ્થપાય એ ઉદ્દેશને સમર્પિત કર્યો છે. ધરાતલનાં લોકોના સંઘર્ષની પ્રગતિશીલ કલમે લખાયેલું સાહિત્ય બુકર સુધી પહોંચ્યું એ ઘણી મોટી વાત છે. નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.