ભારતીય ઉદ્યોગજગતમાં એક નવો કન્સેપ્ટ જોવા મળ્યો છે અને એ છે રિવર્સ મેન્ટોરશિપ. સામાન્ય રીતે એવું બનતું હોય છે કે ઑર્ગેનાઇઝેશનમાં લીડર જ નિર્ણાયક ભૂમિકા ભજવતો હોય છે. જેમાં કંપનીની પોલિસીથી માંડીને યુવાનોને માર્ગદર્શન સુધીનો સમાવેશ થાય છે પણ આ બધું જ એકતરફી છે. લીડર તરફથી જ નીચેની તરફનો પ્રવાહ વહે છે. આજના આધુનિક યુગમાં યુવાનોની ભૂમિકા અત્યંત મહત્ત્વની બની છે ત્યારે ઘણી વાર એવું બન્યું છે કે લીડર તરફથી જે માર્ગદર્શન મળે છે તે આજના સમય અને મુશ્કેલીઓને કોઈ પણ રીતે અનુરૂપ હોતું નથી. બીજી તરફ ઑર્ગેનાઇઝેશનના યુવાન કર્મચારીઓ પાસે સમય અને મુશ્કેલીઓને અનુરૂપ આગળ વધવાની ટિપ્સ હોય છે. પડકારોને પહોંચી વળવા માટેના આધુનિક સમયના નુસખાઓ યુવાનો આપીને ઓર્ગેનાઇઝેશનને મદદરૂપ થઈ શકે છે. આને આપણે કહી શકીએ કે બે જુદી જુદી જનરેશન વચ્ચેના ગેપના કારણે યુવાન આધેડ વયના લીડર કરતાં આધુનિક સમય અને વર્તમાન પડકારો વિશે સારા માર્ગદર્શકની ભૂમિકા ભજવી શકે છે.
દેશમાં યુવાનોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે. પરંપરાગત લીડરશિપ કે મેન્ટોરશિપનો સિદ્ધાંત આમાં ધાર્યું પરિણામ લાવી શકે તેમ નથી. આપણી વસ્તી યુવાન બની રહી છે ત્યારે ઑર્ગેનાઇઝેશનમાં પણ નવા યુવાનની ભરતીની જરૂરિયાત છે તેની તૈયારી હોવી જોઈએ. નવા પરિવર્તનના પવન અનુસાર યુવાઓ ઑર્ગેનાઇઝેશનમાં અનુભવી કર્મચારીઓને માર્ગદર્શન પૂરું પાડે છે. આધુનિક વિચારોનું સિંચન કરે છે અને પરિવર્તન લાવવા પ્રયાસ કરે છે, તેને આપણે રિવર્સ મેન્ટોરશિપ કહીશું. હાલમાં ભારતની જાણીતી ટેલિકોમ કંપની ભારતી એરટેલે સંજય કપૂરના માર્ગદર્શન હેઠળ રિવર્સ મેન્ટોરશિપના આધુનિક ખ્યાલનો અમલ કરીને બે જનરેશનના મિલનથી મુશ્કેલ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવાનો પ્રયાસ કર્યો છે. તેનું ઉદાહરણ અહીં જોઈએ.
એરટેલે રિવર્સ મેન્ટોરશિપનો સિદ્ધાંત 2008માં અપનાવ્યો. અમેરિકાની પ્રખ્યાત વોરટન બિઝનેસ સ્કૂલમાંથી આવેલા યુવાન CEO સંજય કપૂરે તેનો અમલ શરૂ કરી દીધો. તેમણે એરટેલ મૅનેજમૅન્ટ બોર્ડ તથા આખા દેશમાં પથરાયેલા જુદા જુદા વિભાગોના વડાઓને રિવર્સ મેન્ટોરશિપ પ્રોગ્રામ હેઠળ લાવવા પ્રયત્ન કર્યો. દેશની B-સ્કૂલોમાંથી આવેલા યુવાન મેન્ટોર્સ કે જેઓ સંસ્થામાં જોડાયાને 2-3 વર્ષ જ થયા હતા તેમણે તેમના અનુભવી સાથીઓને બ્રાન્ડ ઍક્ટિવેશન ઑપોર્ચ્યુનિટી, ફૅશન ટ્રેન્ડ્ઝ, લેટેસ્ટ ગેઝેટ્સ અને યુવાનો ફુરસદના સમયે શી પ્રવૃત્તિ કરે છે તેનો વિસ્તૃત ખ્યાલ આપ્યો. આ મીટિંગોમાં બિઝનેસની સ્ટ્રેટેજી પણ ચર્ચવામાં આવી.
આજે આખા દેશમાં સંજય કપૂરે 20 જેટલા યુવાન મેન્ટોર્સ, રિવર્સ મેન્ટોરશિપ પ્રોગ્રામ હેઠળ અનુભવી કર્મચારીઓને માર્ગદર્શન આપી રહ્યા છે. રિવર્સ મેન્ટોરશિપ પ્રોગ્રામના કારણે ઍરટેલને બિઝનેસમાં નવા વિચારો, નુસખાઓ અને નવી ટૅક્નૉલૉજી બજારમાં મૂકવા માટે નવી દિશા મળી. એટલું જ નહીં, નવા ટ્રેન્ડના લીધે કંપનીમાં કામના સ્થળે બે જનરેશન વચ્ચેના સંબંધોને નવો આયામ મળ્યો છે અને સંબંધોમાં મજબૂતી આવી છે. આજે એરટેલમાં જુનિયર લીડર કે માર્ગદર્શક સીનિયર મૅનેજમૅન્ટને સમજાવી શકે છે કે યુવા કર્મચારીઓને કઈ રીતે મોટિવેટ કરવા અથવા તેમને કંપનીમાં કઈ રીતે જાળવી રાખવા.
અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે એરટેલની સર્વિસ મેન્ટોરશિપની પહેલના કારણે આજે એવું બન્યું છે કે મોટા ભાગનો બિઝનેસ યુવાન મેન્ટોર્સ સંભાળી રહ્યા છે. યુવાનોએ સોશ્યલ નેટવર્કિંગનો ભરપૂર ઉપયોગ કર્યો જેથી કંપનીની વિચારવાની આખી દિશા બદલાઈ ગઈ. કંપનીના વિચારોની આપ-લે ઉંમર, હોદ્દો કે આંતરિક વર્તુળો પૂરતી મર્યાદિત રહી નથી. કંપનીના કર્મચારીઓ વચ્ચેના વ્યક્તિગત સંબંધોમાં ઘણો ફેરફાર જોવા મળ્યો છે.
આ એક નવો ખ્યાલ છે. આમ તો 90ના દાયકામાં જ GE ઇલેક્ટ્રિકના CEO જેક વેલ્ચે તેનો ખ્યાલ આપ્યો. તેમણે કંપનીના 500 ટોચના ઍક્ઝિક્યુટિવને નવા જમાનાની આધુનિકતા, જરૂરિયાતનો યુવાનો પાસેથી ખ્યાલ મેળવવાનો હતો. આની સામે GEના યંગ ઍક્ઝિક્યુટિવે આખા પરિવર્તનને નવા એંગલ તથા પરિમાણથી મૂલવ્યું અને તેને આવકાર્યું પણ GEના અનુભવમાંથી વિશ્વની કંપનીઓએ તેનો અમલ કર્યો છે. જેમાં ભારતની કંપનીનો પણ સમાવેશ થાય છે.
સંજય કપૂરના વિચારો પ્રમાણે રિવર્સ મેન્ટરશીપથી આનાથી યુવાન માર્ગદર્શક-લીડરને પોતાની શક્તિઓને ખીલવવાની તક સાંપડશે. તેઓ અનુભવી કર્મચારીઓના અનુભવનું જ્ઞાન પણ સાથોસાથ મેળવી શકશે. આજના જમાનામાં જ્ઞાનની સાથે જૂના અનુભવીઓ સાથેનો તેમનો અનુભવ તેમના જ્ઞાનમાં અભિવૃદ્ધિ તો કરશે અને બિઝનેસ સમજવામાં સહયોગી રહેશે. ઑર્ગેનાઇઝેશનના અનુભવી કર્મચારીઓને ચોક્કસ સેગ્મેન્ટના લાઇક્સ અને ડિસલાઇક્સનો ખ્યાલ આવશે. આવા કર્મચારીઓ તેમની યુવા ટીમને સારી રીતે ઓળખી શકશે. ટૅક્નૉલૉજી, સોશ્યલ મીડિયા અને ટ્રેન્ડ્ઝથી પરિચિત યુવાનો ઑર્ગેનાઇઝેશનમાં રિવર્સ મેન્ટોરશિપનો વ્યાપ કેવી રીતે વધારવો તે અંગે સંજય કપૂર જોડેથી શીખવા જેવી ટિપ્સ
1. સંસ્થાના વિકાસ માટે નવા વિચારો, આઇડિયાને વધુ પ્રોત્સાહન આપવું.
2. જ્યારે નવા બિઝનેસની વાત આવે ત્યારે ઉત્સાહી અને યંગ લીડરને તક આપવી જોઈએ.
3. વર્ષોથી અને એક જ ઘરેડથી કામ કરતા લીડરે આજના યુવાન અને સાહસિક વૃત્તિવાળા કર્મચારીને તક આપવી.
4. નવયુવાનોના વિચારોને સાંભળવા. જો તેમના મનમાં સંસ્થાના વિકાસમાં મદદરૂપ થઈ શકે તેવા નુસખા હોય તો તેના ઉપર વિચાર કરી અમલ કરવો.
5. યુવાનો રિવર્સ મેન્ટોરશિપ કરી શકે તે માટે તેમને તક આપવી તથા યોગ્ય સહકાર પણ આપવો.
ubhavesh@hotmail.com