National

નવેમ્બરમાં છૂટક ફુગાવો ઘટીને 5.88 ટકા થયો: 11 મહિનામાં પ્રથમ વખત કમ્ફર્ટ ઝોનની અંદર

નવી દિલ્હી : નવેમ્બર (November) મહિનામાં છૂટક ફુગાવો (Retail inflation) પ.૮૮ ટકાન ૧૧ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો છે જે મુખ્યત્વે ખોરાકી ચીજવસ્તુઓની હળવી થતી કિંમતોને આધારે છે એમ આજે સત્તાવાર આંકડાઓ જણાવતા હતા. આ ૧૧ મહિનામાં પ્રથમ વખત થયું છે કે જ્યારે છૂટક ફુગાવો આરબીઆઇના (RBI) કમ્ફર્ટ ઝોનની અંદર ગયો છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને સરકારે ૪ ટકા પર રાખવાનું કામ સોંપ્યું છે જેમાં ઉપર અને નીચે બંને બાજુએ બે ટકાનો માર્જીન છે એટલે કે છ ટકાની નીચેનો ફુગાવો સહ્ય સ્તરની અંદર ગણાય છે. ગ્રાહક ભાવસૂચક આંક(સીપીઆઇ) આધારિત ફુગાવો કે જે છૂટક ફુગાવાના દર તરીકે પણ ઓળખાય છે તે નવેમ્બરમાં પ.૮૮ ટકા થયો છે જે ઓકટોબરમાં ૬.૭૭ ટકા હતો અને ગયા વર્ષના નવેમ્બરમાં ૪.૯૧ ટકા હતો. નેશનલ સ્ટેટેસ્ટિકલ ઓફિસ(એનએસઓ) દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓ મુજબ નવેમ્બરમાં ફૂડ બાસ્કેટમાં ફુગાવો ૪.૭૭ ટકા હતો, જેની સામે તેની અગાઉના મહિનામાં તે ૭.૦૧ ટકા હતો. આ છૂટક મોંઘવારીનો દર આ વર્ષના જાન્યુઆરી મહિનાથી આરબીઆઇના ઉપલા સહ્ય સ્તર એટલે કે ૬ ટકાની ઉપર રહ્યો હતો અને છેક ૧૧ મહિના પછી તે આ સ્તરની નીચે ગયો છે. ડીસેમ્બર, ૨૦૨૧માં આ છૂટક ફુગાવો પ.૬૬ ટકા હતો.

  • ખાદ્ય ચીજવસ્તુઓના ભાવોમાં થયેલા ઘટાડાને કારણે છૂટક ફુગાવાનો દર ઘટ્યો
  • જો કે હજી એક વર્ષ સુધી તે ૪ ટકાની ઉપર જ રહેવાનો અંદાજ, તેની હિલચાલ પર આરબીઆઇ બારીક નજર રાખે છે

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ગયા સપ્તાહે જણાવ્યું હતું કે સૌથી ખરાબ ફુગાવો હવે પાછળ રહી ગયો છે, પરંતુ ભાવવધારા સામેની લડાઇમાં ગાફેલ રહેવું પાલવે તેમ નથી. દેશની આ મધ્યસ્થ બેન્કે એમ પણ કહ્યું હતું કે તે ફુગાવાની હિલચાલ પર અર્જુનની નજર રાખશે, તેણે એવો પણ અંદાજ મૂક્યો હતો કે આગામી ૧૨ મહિનામાં ફુગાવો ૪ ટકાની ઉપર રહેશે. આરબીઆઇની દર નક્કી કરતી સમિતિએ ફુગાવાને અંકુશમાં રાખવા માટે છેલ્લા કેટલાક સમયમાં તેના દરોમાં અનેક વખત વધારો કર્યો છે. ગયા સપ્તાહે જ તેણે તેનો બેન્ચમાર્ક રેપો રેટ ૩૫ બેઝિસ પોઇન્ટથી વધારીને ૬.૨૫ ટકા કર્યો હતો. મે ૨૦૨૨થી તેણે આ દરમાં કુલ ૨.૨૫ ટકાનો વધારો બજારમાં તરલતા ઓછી કરવા માટે કર્યો છે.

Most Popular

To Top