જૂન મહિનામાં છૂટક ફુગાવો ઘટીને 2.10% પર આવી ગયો છે. આ 77 મહિનાનું સૌથી નીચું સ્તર છે. અગાઉ જાન્યુઆરી 2019માં તે 2.05% હતું. મે 2025માં તે 2.82% હતો અને એપ્રિલ 2025માં છૂટક ફુગાવો 3.16% હતો. ખાદ્ય વસ્તુઓના ભાવમાં સતત નરમાઈને કારણે છૂટક ફુગાવો ઘટ્યો છે. છૂટક ફુગાવાના આંકડા આજે એટલે કે 14 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યા છે. ફેબ્રુઆરીથી છૂટક ફુગાવો RBIના 4%ના લક્ષ્યાંકથી નીચે રહ્યો છે.
જૂનમાં છૂટક ફુગાવો 2.10% ના છ વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો. આ સંબંધિત ડેટા સોમવારે સરકારે શેર કર્યો હતો. ડેટા અનુસાર છૂટક ફુગાવો જૂનમાં 2.1 ટકાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. મુખ્ય કારણ શાકભાજી, કઠોળ, માંસ અને દૂધ સહિત ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો છે. ગ્રાહક ભાવ સૂચકાંક આધારિત ફુગાવો મે મહિનામાં 2.82 ટકા અને જૂન 2024માં 5.08 ટકા હતો.
રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જૂન 2025 માટે CPI પર આધારિત વાર્ષિક ફુગાવાનો દર જૂન 2024 ની તુલનામાં 2.1 ટકા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મે 2025 ની તુલનામાં જૂન 2025 માટે હેડલાઇન ફુગાવામાં 72 બેસિસ પોઇન્ટનો ઘટાડો થયો છે. જાન્યુઆરી 2019 પછી આ સૌથી નીચો વાર્ષિક ફુગાવો છે. અગાઉ જાન્યુઆરી 2019 માં 1.97 ટકાનો લઘુત્તમ દર નોંધવામાં આવ્યો હતો.
ખાદ્ય વસ્તુઓ ફુગાવાના બાસ્કેટમાં લગભગ 50% ફાળો આપે છે. તેનો મહિના-દર-મહિનો ફુગાવો 0.99% થી ઘટીને માઈનસ 1.06% થયો છે. જૂન મહિનામાં ગ્રામીણ ફુગાવાનો દર 2.59% થી ઘટીને 1.72% થયો છે. જ્યારે શહેરી ફુગાવો 3.12% થી ઘટીને 2.56% થયો છે.