Columns

કુસંગનું પરિણામ

એક દિવસ એક ચિત્રકારના મનમાં આવ્યું કે તે એક એકદમ સુંદર નિર્મળ બાળકનું ચિત્ર નિર્માણ કરે… જેના મોઢા પર સૌમ્ય ભાવ હોય, જેની આંખોમાં ભોળપણ હોય, જેના સ્મિતમાં એક આકર્ષણ હોય અને એક મૃદુતાવાળો ચહેરો હોય. ચિત્રકારે બહુ ફરી ફરીને અનાથ આશ્રમમાંથી એક બાળક પસંદ કર્યો. એ બાળક જોતાં  વેંત ગમી જાય એવું હતું. તેની આંખોમાં ભોળપણ નીતરતું, તેનો ચહેરો  સૌમ્ય હતો, મુખ પર મૃદુતા હતી અને તેનું સ્મિત તો પરાણે વ્હાલું લાગે તેવું હતું. ચિત્રકારે તેને પોતાની સામે બેસાડ્યો અને કલાકો સુધી તેને નિહાળીને એક બહુ જ સુંદર ચિત્ર તૈયાર કર્યું. આ ચિત્ર આબેહૂબ પેલા બાળક જેવું જ હતું. બધા ભાવોથી સભર…આ ચિત્રનાં ઘણાં વખાણં થયાં. આ ચિત્ર લાખો રૂપિયામાં વેચાયું અને  આ ચિત્રની ઘણી પ્રતિકૃતિઓ બની અને ચિત્રકાર તો માલામાલ થઈ ગયો.

 તેણે અનાથ બાળકની થોડો સમય કાળજી લીધી. અનાથઆશ્રમમાં તેના માટે પૈસા આપ્યા અને ધીરે ધીરે તે પોતાના જીવનમાં આગળ વધી ગયો. ચિત્ર તેની સાથે હતું પણ પેલો બાળક ક્યાં ખોવાઈ ગયો. ચિત્રકારની નામના દિવસે દિવસે વધતી ગઈ, વર્ષો વીતી ગયાં. ચિત્રકારના મનમાં ફરી વિચાર આવ્યો  કે કોઈક ક્રૂરતા દુષ્ટતાથી ભરેલો, લુચ્ચાઈથી ઉભરતો કોઈ ચહેરો શોધી અને તેનું આબેહુબ ચિત્ર નિર્માણ કરું તો હું સાચો ચિત્રકાર.. તેને માટે ચિત્રકાર કારાવાસમાં ગયો. ખૂંખાર કેદીઓમાંથી કોઈક એવો ચહેરો ગોતવા લાગ્યો, જેના ચહેરા પર દુષ્ટતા, ક્રૂરતા અને લુચ્ચાઈના ભાવ છલકતા હોય.

ચિત્રકારે એક કેદીને પસંદ કર્યો અને કલાકો સુધી તેને નિહાળીને તેનું આબેહુબ ચિત્ર નિર્માણ કર્યું. એ ચિત્રનાં પણ બહુ વખાણ થયાં. ચિત્રકાર થોડા દિવસ પછી તે કેદી પાસે પાછો આવ્યો અને પોતાની જૂની વાતો કરતાં તેણે કહ્યું કે પહેલાં મેં એક બહુ જ સુંદર સૌમ્ય બાળકનું ચિત્ર દોર્યું હતું. તે લાખોમાં વેચાયું હતું ને આજે મેં તમારું ચિત્ર દોર્યું છે. મને લાગે છે કે હવે તે કરોડોમાં વેચાશે. આ સાંભળી કેદી ધ્રૂસકે રડવા લાગ્યો. ચિત્રકારને નવાઈ લાગી કે આ કેમ રડે છે?!

પેલા કેદીએ ચિત્રકારને કહ્યું, ‘‘ પેલા બાળકનું ચિત્ર જે તમે દોર્યું હતું હું તે જ બાળક છું!!’’ ચિત્રકાર પોતે આ વાક્ય સાંભળીને ડઘાઈ ગયા.કળ વળતાં તેમણે પૂછ્યું,  ‘‘અરે તારી આવી દશા?’’ કેદી એટલું બોલ્યો, ‘‘આ કુસંગનું પરિણામ છે. મારી દોસ્તી ખરાબ લોકો સાથે થઈ અને જીવન આખું ખરાબ રવાડે ચડી ગયું. હું ચોરી કરતાં શીખ્યો, ખિસ્સાકાતરુ બન્યો, મોટી ચોરી કરતાં કરતાં ખૂની બની ગયો અને અત્યારે આ કેદખાનામાં છું. મારી ઈચ્છા છે કે તમે તમારાં બંને ચિત્રો સાથે મારા જીવનની હકીકત બધાને જણાવો જેથી દુનિયા સમજી શકે કે જીવનમાં સાથી સંગી દોસ્તો બહુ વિચારીને પસંદ કરવા જરૂરી છે.’’ ચિત્રકારે આ વિચિત્ર સંયોગ વિષે દુનિયાને જણાવ્યું અને કેદીનો સંદેશ પણ બધાને સમજાવ્યો.

Most Popular

To Top