‘સાલ’ હોસ્પિટલના ICCUમાંથી રજા આપતી વખતે મને બે-ત્રણ દિવસના રેસ્ટ@હોમની સ્ટ્રીક્ટ સલાહ આપી હતી. બે વરસના કોરોના કર્ફ્યૂ પછી પરદેશથી દેશમાં આવતા પ્રવાસીઓ જેમ સાત દિવસનું ‘સેલ્ફ કોરનટાઇન’ કરે છે તેમ મેં પણ ત્રણ દિવસના લોકડાઉનને સાત દિવસ માટે સ્વયંભૂ રીતે સ્વીકારી લીધો. છાતીનો દુખાવો એક ટીઝરની જેમ પહેલે દિવસે ઝલક આપીને ગયો તે ફરી આવ્યો નહોતો પણ મારા દિલના ટુકડા જેવા સ્ટેન્ટસ કોઈ સ્ટંટ ના કરી બેસે તે કારણે હું 24 બાય 7 સમયખંડ માટે બેડરૂમમાં જ આરામ કરી રહ્યો હતો.
ફક્ત બ્રશ અને એકીબેકી માટે વોકી વોકી એટેચ્ડ બાથરૂમમાં જતો હતો. લગ્ન થયા ત્યારથી હું સવારની બેડ-ટી જાતે બનાવીને બેડ-સખી સાથે ડબલ બેડ ઉપર રોમેન્ટિક શેડવાળી ગુડ મોર્નિંગની ચુસ્કીઓ સાથે માણું જ છું. તેમાં હવે બેડ-નાસ્તો, બેડ-લંચ અને બેડ-ડીનર ઉમેરાયાં. આમ તો આવી રૂમ સર્વિસમાં મને હોટેલ કમ હોસ્પિટલ ફીલિંગ આવે પણ આશાનો ‘સર્વિંગ વીથ સ્માઈલ’ એટીટ્યુડ તેને એક હોમ ફીલિંગમાં ફેરવી દે છે. નજીકનાં સગાંઓ અને બાકી રહેલા અમારા M.M.U. ગ્રુપના મિત્રો ઘરે સાંજે સાંજે ખબર લેતા હોવાથી એક વીક તો કયાંય પસાર થઇ ગયું. ૪૩ વરસથી સતત દોડતી ક્લિનિકલ જિંદગીને એક જરૂરી ઈલ-ઇકલ બેક પણ મળ્યો.
ફરી એક વાર હું મારી જાત સાથે એક અઠવાડિયા માટે કેદ થયો. ચોવીસ કલાકમાંથી આઠ- દસ કલાક તો મારા મજાની ઊંઘમાં જશે. એકાદ કલાક ન્હાવા અને જમવા કરવામાં જશે. બાકીના બારથી ચૌદ કલાકનો સમય તો રોજ કઈ રીતે પસાર કરવો પડશે તે એક રસપ્રદ સવાલ થશે! મારા દોહિત્ર ‘સમય’ સાથે થોડો સમય જશે. તેના ઘરનાં કામકાજમાંથી ફ્રી થયા બાદ બેચાર કલાકનો સમય ‘આશા’મય રહેશે, ઘરે આવતાની સાથે જ મારો મોબાઈલ મારા ‘ગૃહ’પ્રધાને મને અકારણ ડિસ્ટર્બન્સ ના થાય તે દલીલ સાથે જપ્ત કરી લીધો હતો.
ચાલો થોડી શાંતિ રહેશે. ક્લિનિક અચાનક બંધ રહેલું હોવાથી તેંતાળીસ વરસની પ્રેકટીસના મારા કાયમી દર્દીઓના તેમની ખખડતી ખબરઅંતર માટે મારી સલાહ લેવા અને મારી સુધરતી ખબરઅંતર પૂછવા, શુભેચ્છાઓ આપવા માટે ફોન અને મેસેજ અવિરત આવતા હતા. આશા તે બધાંને શાંતિથી, મારી અચાનક આવેલી ઈમરજન્સીનું ગ્રાઉન્ડ રીપોર્ટીંગ સરળ ભાષામાં તેમના કાન ઉપર શબ્દોથી અને તેમની આંખો ઉપર મેસેજથી કરતી હતી. બહુ જ અંગત મિત્ર કે સંબંધી હોય અને જરૂરી મેસેજ હોય તો જ મને જણાવતી હતી.
હવે મારી એકલતાના બે સાથીઓ રહ્યા. એક તો વન વે બોલતું TV અને બીજું ખોળામાં ગોઠવાતું લેપટોપ. આજકાલના TV પણ સ્માર્ટ થઇ ગયા છે, તે જુદી જુદી ચેનલો સાથે જુદા જુદા OTT પ્લેટફોર્મ ઉપર મનોરંજનનો ખજાનો લઈને બ્રોડબેન્ડ અને વાઇફાઇના ટેકા સાથે સ્વાગતમાં એવરરેડી હાજર હોય છે. ઓવર ધ ટોપ એટલે કે OTT પ્લેટફોર્મ કોઈ ‘લેવીશ’ લગ્નના બુફે ડીનર જેવું હોય છે. ડીનરના ફાઈવ કોર્સની માફક વેબ સીરિઝો અને ફિલ્મો દરેક વયકાળ માટે રિમોટનું એક બટન દબાવતા તમારા નયનથાળમાં ગોઠવાઈ જાય છે. બોનસ તરીકે મુખવાસમાં અપશબ્દોનો શબ્દકોશ કેનવાસ કરે છે.
ડેઝર્ટ તરીકે સેન્સરમુક્ત વયસ્ક વસ્તુવિષયની સ્વીટ ડીશ પણ લાળ પડાવે છે. સતત સ્માર્ટ TV જોઇને બોર થાઉં તો મારા ખોળાના ખુંદનારા એવા લેપટોપ, ટેબલેટ અને આઈ-પેડ મદદે આવે છે. વિરામ બ્રેકમાં હું તે બધા ઉપર મેસેજ અને E-mail ચકાસી લઉં છું. નજીકનાં સગાંઓ અને દૂરના વ્હાલાઓ, નજીકના મિત્ર અને દૂરના પરિચિતોના શુભેચ્છાઓવાળા મેસેજીસ અને E-mails આંખો વડે મારા મન ઉપર સુકુન સાથે અંકિત કરું છું. ખુશ થઈને મારું મન પણ ચાર્જ્ડ થતા તેના જીગરી એવા મારા દિલ માટે વિશફૂલી લાઉડ થીંકીંગ કરતું રહે છે. . . “ઓ મેરે દિલકે ચેન, ચેન આયે મેરે દિલકો દુઆ કીજીએ”. મારા આયુકાળના સીત્તેરમાં વરસમાં, મારી જાત સાથે રહેવાનો મારો આ બીજો ‘માંદગી’ અવસર છે. મારા માટે આ આધ્યાત્મિક રીતે ધાર્મિક થવાનો સંયોગ છે કે ‘An idle mind is the devil’s workshop’નો જોગ છે તે આવનાર સમય જ કહેશે.( ક્રમશ:)