શહેરમાં વસનારા લોકો ધૂમાડાના ઝેરી ગેસોથી વર્ષભર ત્રાસી જાય છે. ધૂમાડામાં કાર્બન ડાયોકસાઈડ તથા કાર્બન મોનોકસાઈડ તથા અન્ય ઝેરી ગેસો શ્વસનતંત્રને દૂષિત હવાને પરિણામે ડેમેજ કરે છે. આ માટે તમારે શુદ્ધિકરણ સારવાર લેવી આવશ્યક છે. ઝેરી ગેસોનું મારણ શુધ્ધ ઓક્સિજનયુક્ત હવામાં રહેલું છે. ઓક્સિજનયુક્ત હવા ત્યાં વધુ હોય, જ્યાં વૃક્ષો વધુ હોય!! ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષો ધરાવતા વિસ્તારોમાં ડાંગ જિલ્લો મોખરે છે.
ડાંગનું પ્રવેશદ્વાર એટલે વધઈ. હાલ ઈલેકશનના માહોલમાં ડાંગની પ્રજાને આકર્ષવા ગાયકવાડી નેરોગેજ રેલવેનું ભાડુ સરકારે ઘટાડીને માત્ર વીસ જ રૂપિયા કરેલ છે. વીસ રૂપિયામાં બીલીમોરાથી વધઈનો પ્રવાસ કરો એટલે ફરજિયાત હરિયાવૃક્ષોની હારમાળાઓ, ખેતરો, જંગલોમાંથી પસાર થવું જ પડે. જેથી શુદ્ધ ઓક્સિજનવાળી હવા મળે. ઓક્સિજનયુક્ત શુદ્ધ હવા રૂધિરમાં ભળી મગજના કોષોમાં પહોંચે. તન સાથે મન પણ શુદ્ધ થઈ જાય. ઈલેક્શન પછી આ દર વધે એ પહેલાં શહેરીજનો મધ્યવર્ગીય પરિવારો, આ ડિસ્કાઉન્ટનો મહત્તમ લાભ લે એ ઈચ્છનીય છે.
નેરોગેજ છૂકછૂક ગાડી મહારાણી સવારે 10:30 કલાકે બીલીમોરાથી ઉપડી બપોરે 1.45 થી 2.00 વાગ્યા સુધી વઘઈ પહોંચાડી દે છે. વઘઈથી ફરી એજ ગાડી 2:30 કલાકે ઉપડે છે. જો તમારામાં બેસવાની ધીરજ હોય તો આજ ગાડીમાં રીટર્ન આવી શકો છે. ચોમાસામાં આ ટ્રેનની યાત્રા પણ યાદગાર બની જાય. ઊનાળામાં વૃક્ષોના પાંદડા ખરી ગયા હોય દૂર દૂર જંગલમાં જોવાનો લ્હાવો મળે છે. ઉનાળામાં પણ અહીં હરીયાળી તો ખરી જ, પણ ચોમાસા જેવી ગીચતા નહીં. તો શું વિચાર છે આપનો?
નવસારી – સાજીદા એમ. છીપકાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે