Charchapatra

હિન્દુરાષ્ટ્ર કરતા પણ વઘુ જરૂર છે સર્વધર્મ સમભાવની

હિન્દુ ધર્મના કહેવાતા ઠેકેદારોએ પચ્ચીસમી ડિસેમ્બરે આપણા દેશના ચર્ચોમાં ભેગા થયેલ ખ્રિસ્તી સમુદાયના લોકોને ટારગેટ કરી તોડફોડ કરવાની ઘટના અને ચર્ચ આગળ જ હનુમાન ચાલીસા ગાવાની ઘટના બની. એ કોઇ આકસ્મિક બનાવ ન હોઇ શકે પરંતુ ચોક્કસ સંગઠનો અને ટોચની નેતાગીરીના ટેકા સાથે હેતુપૂર્વક આચરવામાં આવેલ બનાવ જ હોઇ શકે. આપણા દેશનો સત્તાઘારી પક્ષ પણ આ બાબતે મૌન સાધી બેઠો છે પરંતુ દુનિયા આખીમાં એના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

અમેરિકાનું પ્રતિષ્ઠીત અખબાર ન્યુયોર્ક ટાઇમ્સએ છાપાના પ્રથમ પાના પર આપણા દેશના પ્રઘાનમંત્રીના ફોટા સાથે પ્રગટ થયેલ લાંબા લેખમાં ભારતમાં ચાલતી ગતિવિધીઓ અંગે વિગતો છાપી છે એની ધેરી અસર અન્ય દેશોમાં પણ પડવાની પૂરેપૂરી શક્યતા છે. ભારતમાં ખ્રિસ્તીઓ કુલ વસ્તીના લગભગ ત્રણથી ચાર ટકા જેટલા જ છે પરંતુ આખી દુનિયામાં સૌથી વઘુ વસ્તી ખ્રિસ્તીઓની છે. ભારતમાં નાતાલને દિવસે ખ્રીસ્તીઓ સાથે જે બન્યુ એનો ભોગ વિદેશમાં વસતા ભારતીયો પર પડવાની શક્યતાને નકારી ન શકાય.

ભારતમાં હિન્દુ કટ્ટરવાદીઓ દ્વારા આચરાયેલ કૃત્યને કારણે યુરોપ અને અમેરિકામાં પણ ભારતીયો વિરૂઘ્ઘ ચળવળ શરૂ થવાની શક્યતાને નકારી ન શકાય. પશ્ચિમી દેશોના વેપાર પર પણ આની અસર પડવાની શક્યતાને અને ભવિષ્યમાં એન.આર.આઇઓની સંખ્યામાં ઘટાડો થવા માંડે તો એમની મારફત આંતરરાષ્ટ્રીય વેપારની લેવડ–દેવડમાં સહાયક બનતું વિદેશી ચલણ દેશમાં આવે છે એમાં ઘટાડો થવાની પણ નકારી ન શકાય એથી આવી નકારાત્મક પ્રવૃત્તિ પર રોક લાગે એ સમગ્ર દેશ અને સૌ દેશવાસીઓના લાંબાગાળાના હિતમાં જરૂરી જ નહીં પરંતુ આવશ્યક છે.
પાલ, સુરત        –  હિતેન્દ્ર ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top