ચંડીગઢ: હરિયાણાના (Haryana) ધારાસભ્ય કુલદીપ બિશ્નોઈને કોંગ્રેસ દ્વારા જૂનની રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ (Cross Voting) કરવા બદલ તમામ પક્ષના હોદ્દા પરથી હાંકી કાઢવામાં આવ્યા હતા. બિશ્નોઈએ સત્તાધારી ભાજપમાં (BJP) જોડાવાના એક દિવસ પહેલા બુધવારે રાજ્યની વિધાનસભામાંથી રાજીનામું (Resignation) આપ્યું હતું. 53 વર્ષીય બિશ્નોઈએ અહીં સ્પીકર જ્ઞાનચંદ ગુપ્તાને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું અને સ્પીકરે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. જણાવી દઈએ કે આ દરમિયાન પૂર્વ ધારાસભ્ય રેણુકા બિશ્નોઈ, ડેપ્યુટી સ્પીકર રણબીર ગંગવા, ભાજપા ધારાસભ્ય દૂડારામ અને લક્ષ્મણ નાપા હાજર રહ્યા હતા. આથી હવે હિસાર જિલ્લાની આદમપુર બેઠક માટે પેટાચૂંટણી યોજવી પડશે. આ બેઠક પર હાલમાં કોંગ્રેસ તરફથી બિશ્નોઈ પ્રતિનિધિત્વ કરે છે.
હિસારથી 2019ની લોકસભાની ચૂંટણીમાં પરાજયનો સામનો કરનાર ધારાસભ્યના પુત્ર ભવ્ય બિશ્નોઈએ પણ કોંગ્રેસ છોડી દીધી છે. તાજેતરના અઠવાડિયામાં કુલદીપ બિશ્નોઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પક્ષના વડા જેપી નડ્ડા સહિત ભાજપના ટોચના નેતાઓ સાથે બેઠકો કરી હતી. તેમના વખાણ કર્યા હતા અને પૂરતા સંકેતો આપ્યા હતા કે તેઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. બિશ્નોઈએ કહ્યું હતું કે, ”હું એક સામાન્ય કાર્યકર તરીકે ભાજપમાં જોડાઈ રહ્યો છું અને હું આશા રાખું છું કે મારા તમામ સમર્થકો, પછી ભલે તેઓ હરિયાણા, રાજસ્થાન અથવા પંજાબના કેટલાક ભાગોના હોય, તેમને સંપૂર્ણ સન્માન આપવામાં આવશે.” બિશ્નોઈએ ઔપચારિક રીતે પોતાની અને સમર્થકોની ભાવનાઓને ધ્યાનમાં રાખતાં કોંગ્રેસ છોડી દીધી છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ તરત જ બિશ્નોઈએ કોંગ્રેસના નેતા ભૂપિન્દર સિંહ હુડ્ડાને આદમપુરથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો હતો.
કુલદીપ બિશ્નોઈએ રાજીનામા પછી કહ્યું હતું કે, કોંગ્રેસ હવે પોતાની વાહવાહી કરનારાઓની જ પાર્ટી રહી ગઈ છે. કોંગ્રેસના તમામ નિર્ણયો ખોટા પડી રહ્યા છે. કુલદીપે હુડ્ડાના જવાબ પર કટાક્ષ કરતા કહ્યું કે, જે શરીરમાં આત્મા હોય તેનો જ વિરોધ થાય છે મૃતદેહનો વિરોધ કોણ કરશે.