સુરત: એકતરફ વીજકંપની સ્માર્ટ મીટર ફીટ કરી વીજસેવા વધુ બહેતર બનાવવાના મોટા મોટા દાવા કરી રહ્યું છે, બીજી તરફ સ્માર્ટ સિટી સુરત શહેરમાં કેટલાંક વિસ્તારો એવા છે જયાં હજુ સુધી નિયમિત વીજ પુરવઠો મળતો નથી. વારંવારના પાવર કટથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યાં છે, ત્યારે સોમવારે રાત્રે યોગીચોકની એક સોસાયટીના રહીશોએ વીજ કંપનીની કચેરીમાં જ ધામા નાંખતા હોબાળો મચી ગયો હતો.
- વરાછા રોડ યોગી ચોકની ઘટના, પાવર કટથી કંટાળેલા લોકો યોગીચોક DGVCLની ઓફિસે પહોંચ્યા
- ગાદલા ગોદડા લઈને લોકો dgvcl ની યોગીચોક ખાતે આવેલી ઓફિસે પહોંચ્યા
- લોકોનો આક્ષેપ, દરરોજ પાવર કટ થાય છે અને કોઈ જવાબ આપતું નથી
- જીઈબીના અધિકારીઓનો ઉદ્ધત વર્તનથી કંટાળી લોકો ડીજીવીસીએલ ની ઓફિસમાં અડીંગો જમાવીને બેસી ગયા
શહેરના યોગીચોક વિસ્તારમાં આવેલી સમ્રાટ સોસાયટીના રહીશો સોમવારે મોડી રાત્રે ગાદલાં અને ઓશિકાં લઈ મોટી સંખ્યામાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરીમાં પહોંચ્યા હતા. આ લોકો વીજ કંપનીની કચેરીમાં જ ઉંઘવા માંગતા હતા. મોટી સંખ્યામાં લોકો કચેરી પર ધસી જતાં વીજ કંપનીના અધિકારીઓ દોડતાં થયા હતા.
સુરતમાં યોગીચોક વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સતત પાવર કાપથી કંટાળેલા લોકો મોડી રાત્રે ગાદલાં ગોદડા લઈને યોગીચોક ખાતે આવેલી દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ઓફિસમાં અડીંગો જમાવીને બેસી ગયા હતા. અહીંના અડીંગો જમાવીને બેઠેલા લોકોનો આક્ષેપ છે કે દરરોજ આ વિસ્તારમાં રાત્રિના નવ વાગ્યા પછી પાવર કટ થઈ જાય છે અને જ્યારે પણ વીજ કંપનીની ઓફિસમાં ફોન કરવામાં આવે તો કોઈ યોગ્ય જવાબ આપતા નથી. આથી કંટાળીને લોકો અત્યારે ગાદલા ગોદડા લઈને વીજકંપનીની ઓફિસે બેસી ગયા છે.