SURAT

‘શિવ રેસીડેન્સી જેવું થયું તો..’, હવે અલથાણની યોગી હાઈટ્સના રહીશોનો કેલીકુંજ વેદિકાના પ્રોજેક્ટ સામે હોબાળો

શહેરનાં અઠવા ઝોન વિસ્તારમાં આવેલ અલથાણમાં વધુ એક વખત બિલ્ડર વિરૂદ્ધ સ્થાનિક રહેવાસીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, કેલીકુંજ વેદિકા પ્રોજેક્ટનાં બિલ્ડરે મહાનગર પાલિકાની મંજુરી વગર જ પ્રોજેક્ટ માટે ખાડો ખોદી નાખ્યો છે. જેને પગલે આ પ્રોજેક્ટની પાસે આવેલ યોગી હાઈટ્સનાં રહેવાસીઓનો જીવ તાળવે ચોંટ્યો છે.

  • અલથાણમાં વધુ એક બિલ્ડર દ્વારા બેઝમેન્ટનું ખોદાણ શરૂ કરાતા બાજુના એપાર્ટમેન્ટ યોગી હાઈટ્સના 200 પરિવારોના જીવ ઊંચાનીચા થયા, વિરોધ પ્રદર્શન કર્યું

થોડા સમય પહેલાં જ બ્રાઈટ સ્ટોન પ્રોજેક્ટનાં બિલ્ડર દ્વારા ત્રણ બેઝમેન્ટનો ખાડો ખોદવાને કારણે બાજુમાં આવેલ શિવ રેસિડેન્સીની પાર્કિંગની દિવાલ સહિત પતરાનો શેડ ધરાશાયી થયો હતો, તે ઘટનાને પગલે ભારે હોબાળો મચી ગયો હતો. ત્યારે વધુ એક વખત અલથાણમાં જ બિલ્ડર દ્વારા બેઝમેન્ટનું ખોદકામ કરતાં આજે લોકોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો.

અલથાણ – ભીમરાડ રોડ પર રાજલક્ષ્મી બિલ્ડર્સનાં બ્રાઈટ સ્ટોન પ્રોજેક્ટમાં ત્રણ બેઝમેન્ટનું ખોદાણ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન ગઈ તા. 17મી ડિસેમ્બરનાં રોજ મોડી રાત્રે પ્રોજેક્ટની બાજુમાં જ આવેલી શિવ રેસિડેન્સીની પાર્કિગની દિવાલ સહિત પતરાનો શેડ ધડાકાભેર જમીનદોસ્ત થઈ ગયો હતો.

આ ઘટનાને પગલે શિવ રેસિડેન્સીનાં રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ ઘટનાને પગલે શિવ રેસિડેન્સીનાં બે ટાવર ખાલી કરાવી દેવામાં આવ્યા હતા અને રહેવાસીઓને હોટલમાં રહેવાની ફરજ પડી હતી. આ ગંભીર દુર્ઘટનામાં પાલિકા દ્વારા પ્રોજેક્ટની રજા ચિઠ્ઠી રદ્દ કરવાની સાથે સાથે મહાનગર પાલિકાનાં ત્રણ કર્મચારીઓને નોટિસ પણ ફટકારવામાં આવી હતી.

હવે આ પ્રકારની જ વધુ એક ઘટનાની આશંકાને પગલે અલથાણમાં આવેલી યોગી હાઈટ્સનાં રહેવાસીઓ દ્વારા સવારથી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રહેવાસીઓએ બાજુમાં નિર્માણાધીન પ્રોજેક્ટ્સનાં બિલ્ડર દ્વારા પાલિકાની મંજુરી વિના જ બેઝમેન્ટમાં ખાડા ખોદવાનું શરૂ કરી દેવાયો હોવાનો આક્ષેપ કરાયો છે. આ સાથે જ 200થી વધુ પરિવારજનોનાં માથે જોખમ ઉભું થયું હોવાની બૂમ ઉઠી છે.

રસ્તા પર ઉતરેલાં યોગી હાઈટ્સનાં રહેવાસીઓએ ભારે વિરોધ સાથે જણાવ્યું હતું કે, ભવિષ્યમાં અમારી સાથે પણ શિવ રેસિડેન્સી જેવી ઘટનાનું પુનરાવર્તન થઈ શકે છે. નિર્માણાધીન કેલીકુંજ વેદિકાની આસપાસ મોટી હાઈરાઈઝ બિલ્ડીંગ આવેલી છે અને તેમાં 200થી વધુ પરિવારજનો વસવાટ કરી રહ્યા છે. અલબત્ત, જો પાલિકા દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો સ્થાનિકો દ્વારા કલેકટર સમક્ષ રજુઆત કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

મંજુરી વિના જ બેઝમેન્ટનું કામ શરૂ કર્યું હોવાનો આક્ષેપ
યોગી હાઈટ્સમાં વસવાટ કરતાં 200થી વધુ પરિવારજનો આજે રસ્તા પર ઉતર્યા હતા અને બાજુમાં નિર્માણાધીન કેલીકુંજ વેદિકા હાઈટ્સ પ્રોજેક્ટ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટનાં બિલ્ડર દર્શન સરાકડીયા દ્વારા પાલિકા પાસેથી કોઈપણ પ્રકારની મંજુરી લેવામાં આવી નથી અને તેમ છતાં બેઝમેન્ટમાં ખોદાણની કામગીરી શરૂ કરી છે.

સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે, આ અંગે પાલિકા દ્વારા બિલ્ડરને નોટિસ પણ ફટકારવામાં આવી છે. જો કે, બિલ્ડર પાલિકાની નોટિસને પણ ઘોળીને પી ગયો હોવાનો રોષ સ્થાનિકોએ વ્યક્ત કર્યો હતો. આ સ્થિતિમાં ભવિષ્યમાં કોઈ હોનારત સર્જાય તો જવાબદારી કોની તેવો સવાલ પણ સ્થાનિકોએ ઉઠાવ્યો હતો.

Most Popular

To Top