SURAT

રાજલક્ષ્મી ગ્રુપના પાપે શિવ રેસીડેન્સીની દિવાલ તૂટી, બે ટાવર ખાલી કરાયા, 300 પરિવાર ઠંડીમાં ઠૂઠવાયા

શહેરના અલથાણ વિસ્તારમાં આવેલી શિવ રેસીડેન્સની પ્રોટેક્શન વોલ મંગળવારે રાત્રે અચાનક તૂટી પડી. આ દિવાલ તૂટવા પાછળ બાજુના પ્લોટમાં બિલ્ડર દ્વારા બેફામ ખાડો ખોદવાનું કારણ જવાબદાર માનવામાં આવે છે. શિવ રેસીડેન્સીના રહીશોનો આક્ષેપ છે કે આડેધડ ખોદકામ કરાયું તેના લીધે તેમના એપાર્ટમેન્ટની દિવાલ તૂટી ગઈ છે.

  • સુરતના અલથાણ વિસ્તારમાં આવેલ શિવ રેસીડેન્સીમાં મોટી દુર્ઘટના સર્જાઈ
  • સોસાયટીની બાજુમાં ચાલી રહેલા બાંધકામ માટે ખોદવામાં આવેલા આશરે 40 ફૂટ ઊંડા ખાડા કારણે સોસાયટીની દીવાલ અચાનક ધરાશાયી થઈ
  • દિવાલ પડવાના કારણે લોકોએ શિવ રેસીડેન્સીના બે ટાવર ખાલી કર્યા
  • અલથાણ પોલીસ તેમજ ભીમરાડ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી
  • આ ઘટના બાદ સ્થાનિક રહીશો દ્વારા બાંધકામની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. પ્રશાસન દ્વારા મામલે તપાસ હાથ ધરવામાં આવી છે

શિવ રેસીડેન્સીની બાજુના પ્લોટમાં રાજલક્ષ્મી ગ્રુપ દ્વારા પ્રોજેક્ટનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. આ પ્લોટમાં બિલ્ડર દ્વારા 40 ફૂટ ઊંડું ખોદકામ કરાયું છે. તેના લીધે શિવ રેસીડેન્સી સોસાયટીના પાર્કિંગ પતરાંનો આખોડ શેડ અને બિલ્ડર દ્વારા બનાવાયેલી પ્રોટેક્શન વોલ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ છે. આ સમગ્ર ઘટના રહીશોએ મોબાઈલ કેમેરામાં કેદ કરી છે.

બપોરથી દિવાલ નમી હતી છતાં બિલ્ડરે ધ્યાન ન આપ્યું
રાજલક્ષ્મી ગ્રુપ દ્વારા ખાડો ખોદવાના લીધે શિવ રેસીડેન્સની દિવાલ ગઈકાલે મંગળવારે બપોરથી જ નમવા લાગી હતી, છતાં રાજલક્ષ્મી ગ્રુપના બિલ્ડરે તે તરફ ધ્યાન આપ્યું નહોતું. આખરે રાત્રિના સમયે શેડ સાથે દિવાલ તુટી પડી હતી. શિવ રેસીડેન્સીના રહીશોનો આક્ષેપ છે કે જમીનમાંથી પાણી કાઢવા 20 પાઈપ મુકાય હતી તેના લીધે જમીન પોચી થઈ ગઈ હતી. રાત્રે લગભગ 11 વાગ્યા આસપાસ જોખમ વધતું દેખાતા રહીશોએ ગાડીઓ ખસેડી દીધી હતી. છતાં અંદાજે 15 કાર અડફેટે ચઢી હતી.

શિવ રેસીડેન્સીના બે ટાવર ખાલી કરાવાયા
રાત્રિના સમય દરમિયાન પ્રોટેક્શન વોલ તુટી ગયા બાદથી શિવ રેસીડેન્સીના રહીશોના જીવ ઉચાટે ચઢ્યા છે. ભયના ઓથાર હેઠળ રહીશોએ રાત્રિ જેમ જેમ વીતાવી છે. તંત્રએ શિવ રેસીડેન્સીના બે ટાવર ખાલી કરી દેવાયા હતા જેના પગલે 300 પરિવારોને રાત્રિની ઠંડીમાં રસ્તા પર ઠુઠવાનો વારો આવ્યો હતો. રાજલક્ષ્મી ગ્રુપની લાપરવાહીના પગલે આજે શિવ રેસિડેન્સીના રહીશોને છતે ઘરે બેઘરોની જેમ દિવસ કાઢવાનો વારો આવ્યો છે.

નુકસાનીનું વળતર આપવા રાજલક્ષ્મી ગ્રુપની જાહેરાત
રાજલક્ષ્મી ગ્રુપે નુકસાનીની વળતર આપવા જાહેરાત કરી છે. પ્રોટેક્શન વોલ અને શેડ બિલ્ડર દ્વારા બનાવી આપવાની બાંયધરી અપાઈ છે.

જોકે, અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે બિલ્ડરો દ્વારા નવા પ્રોજેક્ટના નિર્માણ દરમિયાન આડેધડ ખાડા ખોદવાની પરમીશન કોણ આપે છે. આસપાસના મકાનોની સલામતી નહીં જાળવનારા બિલ્ડરો સામે કોઈ કાનૂની પગલાં ભરશે કે કેમ?

રજાચિઠ્ઠી રદ કરવા હિલચાલ
રાજલક્ષ્મી ગ્રુપની લાપરવાહીના લીધે શિવ રેસીડેન્સીની દિવાલ તુટી હોય ગ્રુપના બાંધકામની રજા ચિઠ્ઠી રદ કરવાની હિલચાલ શરૂ થઈ છે. તંત્ર દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. કસૂરવારો સામે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે. ઘટના અંગે જાણ થતાં જ આજે સવારથી જ અઠવા ઝોન સહિત મધ્યસ્થ શહેરી વિકાસ વિભાગનાં અધિકારીઓ દુર્ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ભીમરાડ ખાતે આવેલ ફાઈનલ પ્લોટ નં. 60 માં રેસીડેન્સીયલ કમ કોર્મશિયલ બિલ્ડીંગ માટે મધ્યસ્થ શહેરી વિકાસ વિભાગ દ્વારા ડેલવપર્સને રજાચિઠ્ઠી આપવામાં આવી હતી.

જો કે, અચાનક સર્જાયેલી આ દુર્ઘટનાને પગલે અધિકારીઓ દ્વારા ડેવલપર્સ વિરૂદ્ધ સખ્ત કાર્યવાહીની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. હાલનાં તબક્કે મનપા દ્વારા પ્રોજેક્ટની રજાચિઠ્ઠી રદ કરવાની સાથે સાથે ડેવલપર્સ અને આર્કિટેક્ટનાં લાયસન્સ સસ્પેન્ડ કરવા અંગેની પણ તૈયારીઓ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top