ડાકોર: સ્પે.વોટરના નામે પ્રજા પાસેથી તોતીંગ ટેક્ષ વસુલતું ડાકોર નગરપાલિકાનું ભ્રષ્ટ અને નઘરોળ તંત્ર છેલ્લાં ઘણાં દિવસોથી પ્રજાને ગટર મિશ્રીત ગંદુ પાણી પહોંચાડી રહ્યું છે. આવું દૂષિત પાણી પીવાથી વોર્ડ નં 1, 2, 3, 5 અને 6 ના અનેક રહીશો બિમારીમાં સપડાયાં છે અને ગામમાં રોગચાળો ફેલાવાની દહેશત ઉભી થઈ છે. તેમછતાં પાલિકાતંત્રના પેટનું પાણી હલતું ન હોવાથી પ્રજામાં ભારે રોષ ફેલાયો છે. ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં કુલ સાત વોર્ડ આવેલાં છે. આ સાતેય વોર્ડમાં આવેલ મિલ્કતોમાં પાલિકાતંત્ર દ્વારા લાઈન મારફતે પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ પાણીના બદલામાં પાલિકાતંત્ર દ્વારા સ્પે.વોટરના નામે તોતીંગ ટેક્ષ પણ વસુલવામાં આવે છે.
નગરની પ્રજા પોતાની જવાબદારી સમજીને હોંશે હોંશે આ ટેક્ષ નિયમીતપણે ભરે પણ છે. પરંતુ, પાલિકાના ભ્રષ્ટ અને નઘરોળ તંત્રના અણઘડ વહીવટને કારણે પ્રજાને ક્યારેક પાણી જ નથી મળતું, તો વળી ક્યારેક ગંદુ પાણી મળી રહ્યું છે. હાલ, નગરના વોર્ડ નં 1, 2, 3, 5 અને 6 માં પણ આવી જ પરિસ્થીતી જોવા મળી રહી છે. આ પાંચેય વોર્ડમાં આવેલ મકાનો, દુકાનો, ઓફિસો તેમજ હોટલો સહિતની મિલ્કતોમાં પાલિકા દ્વારા નાંખવામાં આવેલ પીવાના પાણીના નળમાં છેલ્લાં કેટલાક દિવસોથી ગટર મિશ્રીત ગંદુ પાણી આવી રહ્યું છે. આ મામલે જાગૃત નાગરીકો દ્વારા અનેકોવાર પાલિકાતંત્ર સમક્ષ રજુઆતો કરવામાં આવી છે. પરંતુ, પાલિકાનું ભ્રષ્ટ અને નઘરોળ તંત્ર આ રજુઆતો ધ્યાને લેતું નથી. જેથી આ પાંચેય વોર્ડમાં વસતાં નગરના 70 ટકા જેટલાં રહીશો ઉપરાંત ડાકોરમાં આવતાં હજારો યાત્રાળુઓ સીધી અથવા તો આડકતરી રીતે ગટર મિશ્રીત ગંદુ પાણી પીવા મજબુર બન્યાં છે. જેને પગલે ગામમાં ઝાડા-ઉલ્ટી સહિતની બિમારીના કેસોમાં સતત વધારો નોંધાયો છે.