વડોદરા: વડોદરાના વાસણા રોડ ઉપર આવેલા એક કોમ્પ્લેક્ષના પાર્કિંગની જગ્યા બારોબાર વેચી મારી હોવાની વિગતો સપાટી ઉપર આવી છે. કો.ઓ.હા.સો. લી. ના પ્રમુખ દ્વારા ખોટા દસ્તાવેજો ઉભા કરી પાર્કિંગની જગ્યાનો સોદો બોલાવી દેવાયો હોવાનું રહીશોના ધ્યાન ઉપર આવતા તેઓએ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવવાની તૈયારી હાથ ધરી હોવાનું અરજદાર ઉજ્જવલ પટેલે જણાવ્યું હતું.
આ અંગે કરાયેલી વિવિધ રજૂઆતોમાં અરજદાર ઉજ્જવલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, વડોદરાના વાસણા રોડ ઉપર આવેલ શિખર એન્કલેવ, નીલ ટેરેસ કો.ઓ. હા. સો. લી આવેલ છે. આ સોસાયટીમાં મૂળભૂત નકશામાં 180 મીટર જેટલી જગ્યા પાર્કિંગ માટે ફાળવવામાં આવ્યો છે. પરંતુ આ કો.ઓ. હા. સો. લી ના પ્રમુખ હર્ષિત પટેલ દ્વારા પાર્કિંગની જગ્યા બરોબર એક ભરવાડને વેચી મારવામાં આવી છે. હર્ષિત પટેલ દ્વારા સીટી સર્વે નંબર 1525, રેવન્યુ સર્વે નંબર 388/1 ટીપી નંબર 94, એ.એફ.પી. નંબર 16 જેની રજા ચિઠ્ઠી નંબર 414/97/98 છે.
જે 11.12.1997 ના રોજ મંજુર કરવામાં આવી છે. આ મકાનોની બાંધકામ મંજૂરી 3 માળમાં 65 રેસીડેન્સીયલ ફ્લેટ અને દુકાનો છે. આ નકશામાં 180 ચોરસ મીટર પાર્કિંગની જગ્યા ફાળવવામાં આવી હતી. જો કે આ નકશામાં ચેડા કરી પાર્કિંગની જગ્યા જ ન બતાવી તેને બારોબાર એક રણછોડ રાહાભાઈ ભરવાડ નામના શખ્સને વેચી મારવામાં આવી છે. આ ભરવાડ દ્વારા આ જગ્યા ઉપર ગોડાઉન બનાવવાનું કામ શરુ કરી દેવાયું હતું. આ અંગેની જાણ સોસાયટીના સભાસદોને થતા તેઓએ તેનો વિરોધ નોંધાવ્યો હતો અને જિલ્લા કલેક્ટર,મ્યુ. કમિશ્નર, ટીડીઓ ઓફિસ, સીટી સર્વે આમ તમામ લાગતી વળગતી કચેરીઓમાં ફરિયાદ કરી છે. સ્થાનિક રહીશોની રજૂઆત બાદ આ સ્થળે હાલ જે ગોડાઉન બનાવવામાં આવી રહ્યું છે તેનું બાંધકામ પાલિકા દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. આ સમગ્ર મુદ્દે સ્થાનિકો દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ પણ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
સોસાયટીના નકશા સાથે ચેડાં
પાર્કિંગની જગ્યા વેચવા માટે ભેજાબાજોએ ઓરીજીનલ નકશા સાથે ચેડા કર્યા હોવાનું બહાર આવ્યું છે. સ્થાનિકોએ જયારે ઓરીજીનલ નકશા માટે આર.ટી. આઈ હેઠળ માહિતી માંગી ત્યારે જાણવા મળ્યું કે ઓરીજીનલ નકશામાં જે પાર્કિંગની જગ્યા બતાવવામાં આવી હતી તેના ઉપર કાગળ મૂકી તેની સાથે ચેડા કરવામાં આવ્યા છે અને પાર્કિંગની જગ્યામાં બ્લેક માર્કિંગ કરવામાં આવ્યું છે. અને નવો નકશો બનાવી આ સ્થળે કઈ જ નથી તેમ દર્શાવવામાં આવ્યું છે.
સોસાયટીના પ્રમુખનું મકાન નથી છતાં શેર સર્ટિ.માં નામ ચઢાવી મિલકત વેચી?
આ મુદ્દે અરજદારના પિતાએ જણાવ્યું હતું કે શિખર એન્કલેવ, નીલ ટેરેસ કો.ઓ. હા.સો. લી એક કો. ઓ. સોસાયટી તરીકે નોંધાયેલ છે. સામાન્ય રીતે આ હાઉસિંગ સો. સા. માં શેર સર્ટિફિકેટના આધારે મિલકતોની લે વેચ થતી હોય છે. સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો હતો કે આ સોસાયટીના પ્રમુખ તરીકે 1997થી હાલ સુધી એક જ વ્યક્તિ છે જેઓનું નામ હર્ષિત પટેલ છે. તેઓએ આજદિન સુધી ન તો ચૂંટણી યોજી છે ના તો કોઈ અન્ય પ્રક્રિયા ઉપરાંત આ સોસાયટીની બોડીમાં એકેય સ્થાનિક રહીશ નથી. પ્રમુખનું આ સોસાયટીમાં મકાન કે મિલકત નથી તેમ છતાં તેઓએ આ સોસાયટીના શેર સર્ટિફિકેટમાં પોતાનું નામ ચઢાવી દીધું છે અને ગેરકાયદેસર રીતે પાર્કિંગની જગ્યા વેચી મારી છે.
9 ફેબ્રુ.એ નોમિની કોર્ટમાં ફરિયાદ દાખલ થઇ
પાર્કિંગની જગ્યા બારોબાર વેચી મારવાના મુદ્દે સ્થાનિકોએ ગુરુવાર તા. 9 ફેબ્રુઆરીના રોજ નોમિની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં બનાવટી દસ્તાવેજો, ગેરકાયદેસર બાંધકામ, પ્રમુખ દ્વારા શેર સર્ટિફિકેટમાં નામ અને આ પાર્કિંગની જગ્યા માટે એલોટમેન્ટ લેટર આપી દીધો છે કે જેના ઉપર મંત્રીની પણ સહી નથી આ તમામ મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે. આ ફરિયાદ બાદ શુક્રવારે નોટિસ પાઠવવામાં આવી છે અને ત્યાર બાદ શનિવારે પંચકેસ કરવામાં આવ્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
અનેક સરકારી કચેરીઓના કર્મચારીઓની સંડોવણી બહાર આવી શકે તેમ છે
વડોદરા વિસ્તારની કેટલીય જમીનો બિલ્ડરો પોતાની જાગીર સમજીને સરકારી બાબુઓ સાથેના મેળાપીપણામાં ગેરકાયદેસર રીતે બાંધકામો ઉભા કરી દે છે. અગાઉ બહુચર્ચિત વ્હાઇટ હાઉસના મુદ્દામાં 3 સરકારી કર્મચારીઓની અટકાયત કરવામાં આવી છે અને તેમાં તેઓની સંડોવણી બહાર આવી છે. જયારે આ મામલામાં સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે આ મામલામાં પણ કેટલીક સરકારી કચેરીઓ સામેલ છે. જેમાં સીટી સર્વે ઓફિસ,નાયબ કલેક્ટર ઓફિસ, બાંધકામ પરવાનગી શાખા,ટીડીઓ ઓફિસ, નોટરી કરનાર આ તમામ ઓફિસોનો સમાવેશ થાય છે. અને આ આ કચેરીઓના અનેક કર્મચારીઓની સંડોવણી બહાર આવી શકે તેમ છે. ત્યારે આ મામલામાં હજુ વધુ વિગતો આવનાર સમયમાં ફરિયાદ અને તેની તપાસ બાદ બહાર આવી શકે તેમ છે.