Comments

અનામતની મથામણ

કોઈ પણ ધંધાની સફળતા માટે જેટલો નાણાંકીય મૂડી અને માનવમૂડીનો ફાળો છે એટલો જ અગત્યનો ફાળો સામાજિક મૂડીનો છે. જેમ શિક્ષણ થકી એક વ્યક્તિની ઉત્પાદનક્ષમતા સુધારી શકાય અને વધુ વળતર મેળવી શકાય એટલે શિક્ષણ એક પ્રકારનું મૂડીરોકાણ થયું. એ જ રીતે સામાજિક વર્તુળો, સંબંધો અને ઓળખાણ ધંધાની સફળતા માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સંબંધો થકી ઊભો થતો વિશ્વાસ, વિચારોનું આદાનપ્રદાન, બંધુત્વની ભાવના મૂડીની ભૂમિકા ભજવે છે.

એનું સ્વરૂપ ભલે નાણાંકીય નથી અને સામાજિક છે પણ તેના થકી  નોકરી માટે માર્ગદર્શન મળી શકે, ભલામણ થઈ શકે, ધંધા – રોજગાર માટે ઓછા વ્યાજે લોન મળી શકે, સંપર્કો ઊભા થઈ શકે. સરવાળે બજારમાં એક ઓળખ ઊભી થઈ જાય. જેમ જેમ કામ કરતાં જાઓ અને શાખ ઊભી થતી જાય એમ ઓળખાણોનું વર્તુળ વિસ્તરતું જાય. જેનો ફાયદો આવનારી  પેઢીઓને પણ મળતો રહે. સ્વાભાવિક છે કે સામાજિક વર્તુળ જેટલું વગદાર એટલો ફાયદો વધુ.

ભારત જેવા અનેક જ્ઞાતિના ઉચ્ચ-નીચમાં વહેંચાયેલા સમાજમાં સામાજિક મૂડી ઊભી કરવાની શક્યતાનો આધાર સામાજિક દરજ્જા પર રહેલો છે, જે નક્કી કરવામાં જ્ઞાતિ અગત્યનું પરિબળ ગણાય. એટલે જ દલિત અને આદિવાસી સમુદાયોનો મુખ્ય ધારાના વિકાસમાં સમાવેશ થઈ શકે એ માટે અનામત જેવી જોગવાઈની જરૂર પડે છે, જેથી જે સમુદાયની સામાજિક મૂડી શૂન્યની આસપાસ ફરે છે તેમને ટકી જવાનો મોકો મળે. સ્પર્ધામાં દોડવા માટે સમથળ મેદાન મળે.

આઝાદ ભારતમાં જ્યારે અનામત પ્રથા દાખલ થઈ ત્યારે એક એવી વ્યવસ્થા ગોઠવવાનો વિચાર હતો કે સમય જતાં સામાજિક સમાનતા એ સ્તરે પહોંચે કે અનામત અપ્રસ્તુત બની જાય. પણ એ માટે અનામતની સાથે સાથે બીજું ઘણું બધું કરવાની જરૂર હતી, જે આઝાદીનાં પંચોતેર વર્ષમાં આપણે કરી શક્યાં નથી. સૌને સમાન અને ગુણવત્તાસભર શિક્ષણ મળે એટલી પ્રાથમિક કક્ષાની ખાતરી પણ આપી શક્યા નથી! એનાથી વિપરીત, વર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં કાંઇ કેટલા સ્તરો ઊભા  થયા છે તેમાં સમાન શિક્ષણનો ઉદ્દેશ તો વધુ દૂર ફેંકાઇ ગયો.

કદાચ એ લક્ષ્ય જ નથી, એટલે એ માટે માંગ ઊભી જ થતી નથી. સૌને પોતાના બાળક માટે વિશિષ્ટ શિક્ષણ જોઈએ છે, જેથી તે પોતાનું આગવું સ્થાન સ્થાપિત કરી શકે. જો સૌને સમાન શિક્ષણ મળે તો એમના વિશેષાધિકારનો  લાભ જતો રહે! આ જ કારણે  શિક્ષણનો મુદ્દો કદી  રાજકીય મુદ્દો બન્યો જ નહીં. પણ અનામત હંમેશા ગરમાગરમ રાજકીય મુદ્દો બની રહ્યો, કારણકે એનાથી વોટ બેન્કને સીધી અસર પડે છે! લાભાર્થીઓને પણ એમ જ લાગ્યું કે આટલું તો મળે છે અને સીધું મળે છે એટલે એનાથી સંતોષ માન્યો.

દલિત વર્ગમાં પણ પેટા જ્ઞાતિ છે અને એમાં પણ ઉચ્ચ-નીચના ભેદ છે. જે પેટા જ્ઞાતિમાં અંગ્રેજ શાસન દરમ્યાન થોડી ઘણી જાગૃતિ આવી હતી અને જેઓ ઉદ્યોગોમાં રોજગાર મેળવવા ગામડામાંથી શહેરમાં આવીને વસ્યા તેમણે શિક્ષણ લેવાનું શરૂ કર્યું. અનામતનો પણ લાભ લીધો અને પોતાનું અને એમના પછીની પેઢીનું જીવન સુધાર્યું. તોયે, થોડાક અપવાદને બાદ કરતાં, શિક્ષણ અને નોકરી પામ્યા પછી પણ તેઓ એટલી સામાજિક મૂડી તો ઊભી નથી કરી શક્યા કે સમાજમાં મોભાભેર જીવી શકે. આજે પણ ભણેલાં-ગણેલાં અને ઉચ્ચ પદ પર નોકરી કરતાં દલિતને સવર્ણોની પાડોશમાં ઘર નથી જ મળી શકતું!

અધિકારી કક્ષાની વ્યક્તિને પોતાના લગ્નમાં ઘોડા પર બેસીને જાન કાઢવી હોય તો પોલીસ પ્રોટેક્શનની જરૂર પડે છે. આ લોકો પ્રમાણમાં આગળ આવ્યા પણ એમને ‘ક્રીમી  લેયર’ કહી શકાય એટલી સામાજિક મૂડી એમની પાસે છે? જો કે સામે એ પણ પ્રશ્ન છે કે, દલિતોમાં પણ જે વધુ દલિત છે, જે હજુ સુધી સરકારી  લાભથી વંચિત રહ્યા છે એમનું શું? આ સંદર્ભે તાજેતરમાં આવેલો સુપ્રીમ કોર્ટનો ચુકાદો અગત્યનો છે. સાત ન્યાયાધીશોની બેન્ચમાં છ વિરુધ્ધ એકના ચુકાદામાં કોર્ટે રાજ્ય સરકારોને અનુસૂચિત જાતિ અને જનજાતિઓ અનામતના લાભ માટે પેટા જ્ઞાતિમાં વહેંચી એમનો ક્વોટા નક્કી કરવાની છૂટ આપી, જેથી એમને મુખ્ય ધારાના લાભો મળી શકે. ક્વોટાની અંદર ક્વોટા.

જો કે, સામાજિક સમાનતાના ધ્યેયને હાંસલ કરવા અનામત પર બહુ આધાર રાખવા જેવો નથી. અનામત માત્ર સરકારી નોકરીઓમાં જ મળે છે. 1991થી શરૂ થયેલા ખાનગીકરણના દોરમાં સરકારી નોકરીઓમાં સતત ઘટાડો થયો છે. આજની તારીખે સરકારી નોકરીનું પ્રમાણ કુલ રોજગારના દસ ટકા પણ નથી. એટલે જેમ જેમ ખાનગી નોકરીઓનું પ્રમાણ વધ્યું છે તેમ તેમ અનામતનો વ્યાપ આપોઆપ ઘટતો ગયો છે. એ જ પરિસ્થિતિ શિક્ષણમાં છે. ખાનગી કોલેજોમાં અનામત વ્યવસ્થા લાગુ પડે છે ખરી, પણ એના અમલમાં અનેક છટકબારીઓ છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાનું અમલ ક્ષેત્ર પણ આટલું મર્યાદિત જ છે, જેમાંથી અતિ વંચિત વર્ગે તક શોધવાની છે. આ નીતિનો અમલમાં શું તોડજોડ થશે એ પ્રશ્ન તો હંમેશની માફક ઊભો જ છે.
નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top