National

શિમલામાં ભૂસ્ખલનથી શિવ મંદિરની નીચે 50 લોકો દટાયા હોવાની આશંકા, 9નાં મૃતદેહ બહાર કઢાયા

ઉત્તરાખંડ: હિમાચલ પ્રદેશના શિમલા શહેરનાં શિવ બૌડી મંદિરમાં મોટો ભૂસ્ખલન થયો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ભૂસ્ખલનને કારણે 50 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. આ ઘટના સિમલાના સમરહિલ પાસે 7 વાગ્યાની આસપાસ બની હતી. લોકો સાવન નિમિત્તે પૂજા કરવા મંદિર પહોંચ્યા હતા. આ દરમિયાન ભૂસ્ખલન થયું અને લોકો કાટમાળ નીચે દબાઈ ગયા. હાલ રેસ્કયુની કામગીરી ચાલી રહી છે જેમાં 9 લોકોનાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં છે.

સોલન સ્થિત મામલીકના ધાયવાલા ગામમાં વાદળ ફાટ્યું
હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) ફરી એકવાર વાદળ ફાટવાને કારણે તબાહી મચી છે. રાજ્યના સોલન સ્થિત મામલીકના ધાયવાલા ગામમાં આ વખતે વાદળ ફાટ્યું છે. સોલનના ડીસી મનમોહન શર્માના જણાવ્યા અનુસાર વાદળ ફાટવાના કારણે 7 લોકોના મોત (Death) થયા છે જ્યારે 6 લોકોને બચાવી (Rescue) લેવામાં આવ્યા છે. વાદળ ફાટવાની આ ઘટના રવિવારની મોડી રાત્રે બની હતી. વાદળ ફાટવાથી આખું ગામ કાટમાળથી ઢંકાય ગયેલું છે અને સર્વત્ર તબાહીનું દ્રશ્ય જોવા મળી રહ્યાં છે. વાદળ ફાટવાની આ ઘટનામાં બે મકાનો અને એક ગૌશાળા પણ ધોવાઈ ગઈ છે.

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. ઘણી જગ્યાએ રસ્તાઓ બંધ છે. લોકો અલગ-અલગ જગ્યાએ અટવાયા છે. હિમાચલના પહાડો પર સતત ભૂસ્ખલન થઈ રહ્યું છે. દરમિયાન સરકારે 14 ઓગસ્ટે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે. હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીએ આજે ​​એટલે કે 14મી ઓગસ્ટના રોજ પ્રસ્તાવિત પરીક્ષાઓ મુલતવી રાખી છે.

ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલના કારણે ભારે તરાજી સર્જાઈ છે. ભૂસ્ખલનને કારણે અનેક જગ્યાએ વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. ત્યારે હવે ઉત્તરકાશીમાં ભારત-ચીન સરહદ પર નેલોંગ ખીણમાં ચોરગઢ નદી પરનો લોખંડનો પુલ વરસાદી પાણીમાં ધોવાઈ ગયો છે. ભારે વરસાદમાં ભૂસ્ખલનને કારણે કુલ્લી મનાલી તરફ જતા રસ્તાઓ બંધ છે. ચંડીગઢ-મનાલી નેશનલ હાઈવેથી પંડોહ વચ્ચે ઘણી જગ્યાએ રસ્તાઓ પણ બંધ છે. ડીજીપી સંજય કુંડુએ પ્રવાસીઓ અને સ્થાનિક લોકો માટે એડવાઈઝરી જારી કરી છે. તેમજ નદી-નાળા અને ભૂસ્ખલન ગ્રસ્ત વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

આ ઉપરાંત હમીરપુરમાં બિયાસ નદીમાં છેલ્લા 48 કલાકથી સતત વરસાદના કારણે હમીરપુર જિલ્લાના તમામ ભાગોમાં ફરી હાહાકાર મચી ગયો છે. બિયાસ અને તેની ઉપનદીઓ વરસાદના કારણે ઉભરી રહી છે. જિલ્લા પ્રશાસને લોકોને સલાહ આપી છે કે તેઓ કોઈ પણ સંજોગોમાં બહાર ન નીકળે અને બિયાસ નદી અને નાળાઓના કિનારે જવાનું ટાળે.

Most Popular

To Top