સુરત : 2022માં બંધ થયેલી એમેન્ડેડ ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ (એ – ટફ ) સ્કીમ ફરી શરૂ કરવા અને છેલ્લા ત્રણ વર્ષથી બંધ યાર્ન બેંક સ્કીમ ફરી શરૂ કરવા ફેડરેશન ઑફ ગુજરાત વિવર્સ વેલ્ડર એસોસિએશન (ફોગવા) એ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારામન અને ટેકસટાઈલ મંત્રી ગિરિરાજસિંહને રજૂઆત કરી છે.
- વિવિંગ ઉદ્યોગને બચાવવા એ -ટફ અને યાર્ન બેંક સ્કીમ ફરી શરૂ કરવા નિર્મલા સિતારામનને રજૂઆત
- ફોગવાએ કેન્દ્રીય નાણાંમંત્રી અને ટેકસટાઈલ મંત્રીને પત્ર લખી બજેટમાં ફંડ ફાળવવા માંગ કરી
- ચાઇના, ઇન્ડોનેશિયા, વિયેતનામ, બાંગ્લાદેશ, શ્રીલંકા વગેરે દેશમાંથી મિસ ડેકલેરેશનથી ડમ્પ થતાં ફેબ્રિક પર પ્રતિબંધ મૂકવા માંગ
સુરતની વિવિંગ ઈન્ડસ્ટ્રીને બચાવવા માટે વિદેશથી ગેરકાયદે માર્ગથી આવતા કપડાં પર રોક લગાવવી અતિ આવશ્યક છે. હાલમાં ચાઇના, ઇન્ડોનેશિયા, વિયેતનામ, બાંગ્લાદેશ, શ્રીલંકા વગેરે દેશમાંથી મિસ ડેકલેરેશન કરી મોટી માત્રામાં કપડું આયાત થાય છે જેના કારણે દેશનો કપડાં ઉદ્યોગ મૂર્તપાય પરિસ્થિતિમાં ચાલી રહ્યો છે. આ આયાતી કપડાં પર નિયંત્રણ લગાવવા અતિ આવશ્યક છે.
આ ઉપરાંત MSME ટેક્સટાઇલ વિવર્સને સ્પર્ધાત્મક કિંમતે કાચો માલ મળી શકે તે માટે ભૂતકાળમાં ચાલતી YARN BANK યોજના સુધારા સાથે ફરીથી ચાલુ કરી રૂપિયા 5 કરોડનું ભંડોળ પ્રત્યેક બેન્કને ફાળવવું જોઈએ. MSME ઉદ્યોગ માટે Income Tax Act ની કલમ 43B(H)માં કોઈ ફેરફાર કરવામાં ના આવે એવી અરજ છે. આ કલમમાં મીડિયમ સ્કેલના ઉધોગોને પણ આવરી લેવા જોઈએ એવી માંગણી ઉઠી છે.
સચિન જીઆઈડીસી એસોસિએશન સેક્રેટરી મયુર ગોળવાલાએ કહ્યું હતું કે, યાર્નના વધતા ભાવ વચ્ચે નાના વિવર્સોને યાર્નનો જથ્થો લેવો હોય તો તેવા સંજોગોમાં ખરીદીમાં તકલીફ પડે છે અને તેઓને આગળથી કાપડના ઓર્ડર લેવામાં પણ સમસ્યા નડે છે કારણ કે, યાર્નના રોજે રોજ વધતા ભાવ વચ્ચે તેઓ પોતાના બનાવેલ કપડાંની એક સમાન કોસ્ટિંગ કાઢી શકતા નથી. તે માટે આ સમસ્યાને પહોંચી વળવા સરકાર દ્વારા યાર્ન બેન્ક શરૂ કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.
ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ રજૂઆતમાં કહ્યું છે કે, છેલ્લા ઘણા સમયથી વિવિંગ ઉદ્યોગની સ્થિતિ ખરાબ છે, એ સ્થિતિમાં સરકારે કોઈ પ્રોત્સાહક યોજના આપવી જોઈએ. જો ટેક્સટાઇલ ઉદ્યોગનાં આધુનિકરણને વેગ આપી એક્સપોર્ટ વધારવું હશે તો ATUF ની સ્કીમ ચાલુ કરવી જરૂરી છે.