ગાંધીનગર(Gandhinagar): આવતીકાલે તા.૨૬મી જાન્યુ. પ્રજાસત્તાક દિનને લઈ ગુજરાત – રાજસ્થાનની ભારત – પાક સીમા પર એલર્ટ (Alert) જારી કરાયું છે. અહીં સશસ્ત્ર દળો એલર્ટ પર રહેતા હોય છે.
ગુજરાત બીએસએફના (BSF) આઈજી (IG) જી.એસ મલિકે કહ્યું હતું કે, બીએસએફ દ્વારા ગુજરાત-રાજસ્થાનની ભૂમિ સીમા પર પાક રેન્જર્સ સાથે વિશ્વાસ વધે તેવા મહત્વના પગલા લીધા છે. ખાસ કરીને એપ્રિલ ૨૦૨૧, જુન-૨૦૨૧ તથા જાન્યુ. ૨૦૨૨માં ત્રણ ધુસણખોરોને પકડ્યા હતા. અલબત્ત, તેઓને પકડીને પાક રેન્જર્સને પરત સોંપી દેવામાં આવ્યા હતા આ ઉપરાંત ઈદ, દિવાળી તથા સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમ્યાન બીએસએફ દ્વારા પાક રેન્જર્સ સાથે મીઠાઈની પણ આપ-લે કરાઈ હતી.
મલિકે કહ્યું હતું કે બીએસએફ દ્વારા કચ્છના હરામી નાળા વિસ્તારમાં સતત પેટ્રોલીંગ કરાઈ રહ્યુ છે. અહીં બીએસએફ દ્વારા ફલોટિગ આઉટ પોસ્ટ પણ ઊભી કરાઈ છે. આ ઉપરાંત બીએસએફ દ્વારા સધન પેટ્રોલીંગ માટે બોટ પણ વસાવવામાં આવી છે. જેના પગલે છેલ્લા ૧૦ વર્ષમાં પહેલી વખત ૨૦૨૧માં ક્રીકના હરામી નાળા વિસ્તારમાં કોઈ ઘૂસણખોરીનો પ્રયાસ થયો નથી. જુન -૨૦૨૦માં બીએસએફ દ્વારા જખો દરિયાકાંઠા પાસેથી બિનવારસી ચરસના ૧૪૨૮ પેકેટસ મળી આવતા તે જપ્ત કરી લેવામાં આવ્યા છે. આ ચરસ પાકિસ્તાની દાણચોરો દ્વારા દરિયામાં ફેંકી દેવામાં આવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. હરામી નાળાની સુરક્ષાને ધ્યાને લઈને ભારતીય લશ્કર, નેવી, એરફોર્સ, કોસ્ટ ગાર્ડ, બીએસએફ, પોલીસ, મરીન ફોર્સ, ઈન્ટેલીજન્સ એજન્સીઓના સંકલનમાં રહીને સાગર શક્તિ કવાયત પણ હાથ ધરાઈ હતી. જેમાં બીએસએફ દ્વારા આ કવાયત દરમ્યાન હરામી નાળામાં એક પ્રકારની ઘૂસણખોરી તથા હુમલાનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો.
આઈજી મલિક તથા ડીઆઈજી એમ. એલ ગર્ગે કહ્યું હતું કે વર્ષ ૨૦૨૧ દરમ્યાન ગુજરાત તથા રાજસ્થાનની બોર્ડર પરથી ૨૪ ભારતીય, ૨ બાંગ્લાદેશી તથા ૨ પાક ઘૂસણખોરની ધરપકડ કરી લેવાઈ છે. ૨૪ ભારતીય ઘૂસણખોર પૈકી ૨ પંજાબના દાણચોરો પણ પકડાયા હતા. તેઓ રાજસ્થાનના બાડમેર સેકટરમાં આવ્યા હતા એટલું જ પાક દાણચોરો દ્વારા મોકલવામાં ૧૫ કિલો હેરોઈન સાથે ઝડપાઈ ગયા હતા. મલિકે કહ્યું હતું કે પાકિસ્તાન સાથેની ગુજરાત – રાજસ્થાનની ભૂમિ સીમા પર લગભગ બોર્ડ ફેન્સિંગની કામગીરી પૂર્ણ કરાઈ છે.