મને લાગે છે કે હજી પણ આપણા દેશમાં, કેટલાક સમુદાયો અને પરિવારોમાં, મહિલાઓ સાથે સારો વ્યવહાર કરવામાં આવતો નથી. સમાજમાં પોતાની વ્યક્તિગત ઓળખ બનાવવા માટે તેમને ઘણીવાર મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. સ્ત્રી ખરેખર એક શક્તિ જે માતા, બહેન, પત્ની, પુત્રીના રૂપમાં તમામ પરિવારોનો આધાર છે. જ્યારે ઘરમાં સ્ત્રી સારા નૈતિક મૂલ્યો સાથે હોય છે અને સશક્ત હોય છે, ત્યારે સંપૂર્ણ પરિવાર સુખી અને સમૃદ્ધ બને છે. જો સશક્ત સ્ત્રી સ્વાર્થી કે ઈર્ષાળુ કે ચારિત્ર્યહીન કે અહંકારી હોય તો લાંબા ગાળે સંપૂર્ણ કુટુંબ ભાંગી પડે છે.
તેથી, હું સૂચવું છું કે શિક્ષણ ક્ષેત્રે ખાસ કરીને, સારા શિક્ષણ અને સારા નૈતિક મૂલ્યોવાળા આપણા દેશોની સ્ત્રીઓને રાષ્ટ્રીય શિક્ષણ વિભાગોમાં શિક્ષકો/અધ્યાપકો જેવા વિવિધ હોદ્દાઓ માટે નૈતિકતાને પ્રાધાન્ય આપવું જોઈએ. આવા શિક્ષકોને માનવીય મૂલ્યો, સોફ્ટ સ્કિલ્સ, નૈતિક જીવન, ફાળો આપનાર વ્યક્તિત્વનો વિકાસ તેમજ સામાન્ય રીતે આધ્યાત્મિકતાના કેટલાક જ્ઞાન જેવા કે વાર્તાઓ અથવા વાસ્તવિક વિશ્વના ઉદાહરણો દ્વારા અથવા તેમના પોતાના અનુભવો શેર કરીને કેટલાક ફરજિયાત વિષયો શીખવવાની તક આપવી જોઈએ. દરેક કુટુંબમાં નૈતિક મૂલ્યો સાથે સમજવાની અને જીવવાની સંસ્કૃતિ કેળવાય, તે માટે નારી શક્તિ સશક્ત બનાવવી જોઈએ અને બાળકોના આદર્શ શિક્ષક તરીકે રજૂ કરવી જોઈએ.
સુરત – પ્રા.સ્નેહલ જે.ગાંધી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
કચકડાની ઢીંગલી
ચાઈલ્ડ સાયકોલોજી કહે છે કે બાળકોના ‘‘માનસિક વિકાસમાં રમકડું ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. યોગ્ય સમયાંતરે બાળકને જુદી જુદી જાતનાં રમકડાં વગેરે સાધનો અપાવતાં રહેવાથી એમાં કરેલું રોકાણ વર્ષો પછી ઊગી નીકળે છે. 80 વર્ષ પહેલાં કચકડાની ઢીંગલી તેમજ મણકાવાળી ચાલણગાડી ખૂબ પ્રચલિત હતાં. લીલા, પીળા, ગુલાબી કલરમાં એવી ઢીંગલી ઘેર ઘેર જોવા મળતી. નાનું બાળક એને કચડી-મચડી નાંખીને આનંદ મેળવતું હોવાથી એને ‘‘કચકડું’’ કહેવાતું હશે!? મેળામાં એ ખાસ જોવા મળતી. ઈટાલીના મેડમ મારિયા મોન્ટેસોરીએ તેમજ વઢવાણ શહેરના વકીલ ગિજુભાઈએ નાના બાળકોના માનસિક વિકાસ માટે જુદી જુદી જાતના અને ભાતના વિશેષ રંગોવાળા સાધનોની શોધ કર્યા પછી એ દિશામાં ક્રાંતિકારી પરિવર્તન આવેલું છે. એમણે મોન્ટેસોરી પધ્ધતિને લગતાં અનેક પુસ્તકો પણ લખેલાં છે.
લગ્નોત્સૂક કપલોએ અચૂક વાંચવા જોઈએ. જિંદગી સુધરી જશે. (ખાસ કરીને બાળકની.) મેડમ મારિયાના પ્રયાસોને સમગ્ર વિશ્વે વધાવી લીધો હતો. તેમજ ભાવનગરનું ‘‘શીશુવિહાર’’ (બાળકોની કલ્પના નગરી) શ્રી ગિજુભાઈના હૃદયનું સ્પન્દન બની રહ્યું. નાના બાળકોના સ્વસ્થ માનસિક વિકાસ થવાથી છેવટે તો દેશ દુનિયાને જ લાભ થશે ને? સમય જતાં કચકડાની જગ્યાએ પછી તો જુદા-જુદા પ્રકારના અનેક યાંત્રિક રમકડાંનો પ્રવાહ વહેતો થયો, પરંતુ પેલી કચકડાની ઢીંગલી આજે પણ સ્મૃતિ પટલમાંથી અદૃશ્ય થતી નથી.
નવસારી – રમેશ એમ. મોદી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે