હાલમાં ૨૦૨૪ના વર્ષના તાપમાન અંગેના તથા બીજા કેટલાક અહેવાલ બહાર આવ્યા છે તે એક ભયંકર ચિત્ર રજૂ કરે છે. વૈશ્વિક સરેરાશ તાપમાનમાં ઔદ્યોગિકરણ પહેલાના સમયના સરેરાશ તાપમાન કરતા ૧.પ ડીગ્રી સેલ્સિયસનો વધારો પ્રથમ વખત ૨૦૨૪માં નોંધાયો છે. આ ૧.૫ ડીગ્રીની તાપમાન વૃદ્ધિની ટોચ મર્યાદા પેરિસ હવામાન સંધિ દરમ્યાન નક્કી કરવામાં આવી હતી અને તમામ દેશોને આ મર્યાદાથી તાપમાન ઉંચે નહીં જવા દેવાની તાકીદ કરવામાં આવી હતી પરંતુ આ મર્યાદા પ્રથમ વખત તૂટી ગઇ છે.
યુરોપની કોપરનિક્સ ક્લાઇમેટ ચેન્જ સર્વિસના જણાવ્યા પ્રમાણે વર્ષ ૧૮પ૦માં વૈશ્વિક તાપમાનની નોંધ રાખવાનું શરૂ કરવામાં આવ્યું ત્યારથી લઇને અત્યાર સુધીમાં ૨૦૨૪નું વર્ષ સૌથી ગરમ વર્ષ રહ્યું છે. હાલ દસ દિવસ પહેલા પુરા થયેલા આ વર્ષ દરમ્યાન, જાન્યુઆરીથી જૂન સુધીના તમામ મહિના અત્યાર સુધીમાં નોંધાયેલા તે મહિનાઓ કરતા ગરમ રહ્યા હતા જ્યારે જુલાઇથી ડિસેમ્બર સુધીના મહિનાઓમાં એક ઓગસ્ટને બાદ કરતા બાકીના તમામ મહિનાઓ બીજા ક્રમના સૌથી ગરમ મહિનાઓ હતા, જેઓ ૨૦૨૩ના તેમના સમકક્ષ મહિનાઓથી પાછળ હતા.
ભારતનું ભાત અને ઘઉંનું ઉત્પાદન હવામાન પરિવર્તનને કારણે ૬થી ૧૦ ટકા ઘટવાનો અંદાજ છે, જે લાખો લોકો માટે પોસાય તેવા ભાવે અનાજ મેળવવા પર અસર કરી શકે છે એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે. ૨૦૨૩-૨૪ પાક વર્ષમાં ભારતમાં ઘઉંનું ઉત્પાદન ૧૧૩.૨૯ મિલિયન ટનને સ્પર્શ્યું હતું, જે વૈશ્વિક ઉત્પાદનના લગભગ ૧૪ ટકા હતું, જ્યારે ચોખાનો પાક ૧૩૭ મિલિયન ટનથી વધુ હતો. દેશની ૧.૪ અબજ વસ્તી માટે ચોખા અને ઘઉં મુખ્ય ખોરાક છે, જેમાંથી ૮૦ ટકા લોકો વિવિધ સરકારી યોજનાઓ દ્વારા પૂરા પાડવામાં આવતા સબસિડીવાળા ખાદ્ય અનાજ પર આધાર રાખે છે. ભારતીય હવામાન વિભાગ ના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, હવામાન પરિવર્તન ઘઉં અને ચોખા બંનેના ઉત્પાદનમાં ૬ થી ૧૦ ટકાનો ઘટાડો કરશે, જેનાથી ખેડૂતો અને દેશના ખાદ્ય સુરક્ષા પર નોંધપાત્ર અસર પડશે.
હવામાન પરિવર્તનની વધુ એક અસર એ છે કે દરિયાનું પાણી કાંઠાની નજીક વધુ ગરમ થઇ રહ્યું છે જે માછલીઓને ઉંડા સમુદ્રના ઠંડા પાણી તરફ જવાની ફરજ પાડે છે, જેની અસર માછીમાર સમુદાય પર પણ થઇ રહી છે એ મુજબ અધિકારીએ જણાવ્યું હતું. હવામાન વિભાગના વડાએ એમ પણ જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગ વેસ્ટર્ન ડિસટર્બન્સની ઘટનાઓની સંખ્યાને પણ અસર કરી રહ્યું છે, જે હવામાન સિસ્ટમો ભૂમધ્ય પ્રદેશમાંથી ઉદભવે છે જે ઉત્તર પશ્ચિમી ભારતમાં વરસાદ અને બરફ લાવે છે. આ બાબત હિમાલયન વિસ્તારો અને મેદાની વિસ્તારોમાં વસતા અબજો લોકો માટે નજીકના ભવિષ્યમાં પાણીની તીવ્ર તંગી સર્જી શકે છે એ મુજબ એમ. રવિચંદ્રને કહ્યું હતું જેઓ ભૂવિજ્ઞાન મંત્રાલયના સચિવ છે.
નેશનલ ઇનોવેશન્સ ઇન ક્લાઇમેટ રેસિલિયન્ટ એગ્રીકલ્ચર (NICRA) અનુસાર, ભારતમાં ઘઉંના ઉત્પાદનમાં 2100 સુધીમાં ૬થી ૨૫ ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે. સિંચાઈવાળા વિસ્તારોના ચોખાના ઉત્પાદનમાં ૨૦પ૦ સુધીમાં ૭ ટકા અને ૨૦૮૦ સુધીમાં ૧૦ ટકાનો ઘટાડો થવાની ધારણા છે. ભારતમાં લગભગ અડધા લોકો ખેતી પર નિર્ભર છે. સરકારી આંકડા દર્શાવે છે કે ૮૦ ટકાથી વધુ ખેડૂતો નાના અને સીમાંત ખેડૂતો છે, જેમની પાસે બે હેક્ટરથી ઓછી જમીન છે. રવિચંદ્રને જણાવ્યું હતું કે દરિયાના વધતા તાપમાનને કારણે દરિયાકાંઠાની નજીક માછલી પકડવાનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે. ભારતમાં હવામાન પરિવર્તનની અસર ખોરાકી ચીજવસ્તુઓના ઉત્પાદન પર કેવી થઇ શકે તેના આ આંકડા બિહામણા છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે ૨૦૨૪માં સરેરાશ તાપમાન ૧૮પ૦-૧૯૦૦ના ગાળાની બેઝલાઇન કરતા ૧.૬૦ ડીગ્રી સેલ્સિયસ વધુ હતું. માણસજાતે ખનિજ તેલ, ખનિજ કોલસા જેવા ઇંધણો વધુ પ્રમાણમાં બાળવાનું શરૂ કર્યું તેના પહેલાના પૃથ્વીના સરેરાશ તાપમાન કરતા આ તાપમાન ઘણુ વધી ગયું છે. આ હવામાન પરિવર્તન કેવી ભયંકર અસરો કરી શકે છે તે આપણે જોયું જ છે. ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશોમાં પાકના ઉત્પાદન પર અને પાણીના જથ્થા પર તેની મોટી અસર થાય તો કેવી ભયંકર અસર સર્જાઇ શકે તેની કલ્પના કરતા પણ કમકમા આવી જાય તેમ છે.
આ હવામાન પરિવર્તનની જુદી જુદી અસર જુદા જુદા પ્રદેશો પર થાય છે. કેટલાક પ્રદેશોમાં હવામાન પરિવર્તનને કારણે તાપમાન, વરસાદનું પ્રમાણ વગેરે બાબતોમાં એેવા ફેરફારો તરતના તબક્કે થાય કે જે ત્યાંની ખેતીને લાભદાયક પણ પુરવાર થઇ શકે છે. અમુક પ્રદેશોમાં રોપણી માટેના દિવસો લંબાઇ શકે અને તેનો લાભ પણ મળી શકે. પરંતુ લાંબા ગાળે અને કુલ એકંદર તો ગ્લોબલ વૉર્મિંગની અસરો નુકસાનકારક જ હોઇ શકે છે આથી માણસજાતે ગ્લોબલ વૉર્મિગને રોકવા માટેના પ્રયાસો હાથ ધરવા જ જોઇએ.
