સુરત: સુરતની સુરભી ડેરી દ્વારા વેચવામાં આવતું પનીર શંકાસ્પદ હોવાની બાતમીના આધારે પોલીસ અને મનપા દ્વારા સંયુકત દરોડા પાડીને પનીર જપ્ત કરવામાં આવ્યું હતું. આ પનીરના નમુના પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં. જેના રિપોર્ટમાં તે ‘સબ-સ્ટાન્ડર્ડ’ જાહેર થતા હડકંપ મચી ગયો છે. સુરત મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી દ્વારા પાડવામાં આવેલા રિપોર્ટમાં પનીરમાં દૂધના કોઈ આધારો નહીં મળતા ભેળસેળનો ઘટસ્ફોટ થયો છે.
- દૂધની જગ્યાએ સ્ટાર્ચ–વેજીટેબલ ફેટની ભેળસેળ કરી પનીર તૈયાર કરાતુ હતું
વિસ્તૃત વિગતો મુજબ આ ડેરી દ્વારા રોડ 1000 કીલો જેટલુ પનીર બનાવાતુ હતુ, જો કે સુરતીઓ જે મોજથી આ પનીર ઝાપટતા હતા તે પનીરનું પરીક્ષણ થતા મનપાની પબ્લિક હેલ્થ લેબોરેટરીના રિપોર્ટ અનુસાર પનીરમાં ફેટનું પ્રમાણ 50 ટકા હોવું જોઈએ, પરંતુ લેવામાં આવેલા નમૂનામાં તે માત્ર 35 ટકા જ નોંધાયું હતું. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, રિપોર્ટમાં Bita-sitosterol મળી આવ્યું છે, જે પનીરમાં ન હોવું જોઈએ અને વેજીટેબલ ફેટની ભેળસેળનો સ્પષ્ટ પુરાવો માનવામાં આવે છે. સાથે જ પનીરમાં દૂધના બદલે સ્ટાર્ચનું પ્રમાણ મળ્યું છે.
ત્રણ દિવસમાં ત્રણ રેડ – કુલ 771 કિલો પનીર જપ્ત કરાયુ હતું
ઉલ્લખનીય છે કે,7 નવેમ્બરના રોજ ખટોદરાના સોરઠિયા કંમ્પાઉન્ડ સ્થિત સુરભી ડેરીના ગોડાઉનમાં ફૂડ સેફ્ટી ઓફિસરોએ તપાસ ચલાવી હતી. માલિક શૈલેષભાઈ પટેલ ગેરહાજર હોવાથી સેલ્સમેન ઓમપ્રકાશ માહોર પાસેથી પનીરના નમૂના સીલ કરાયા હતા. તે બાદ 10 નવેમ્બરના રોજ SOGની ટીમે એ જ સ્થળે રેડ ચલાવી 754 કિલો શંકાસ્પદ પનીર જપ્ત કર્યું હતું. ત્યારબાદ 12 નવેમ્બરના રોજ હનીપાર્ક રોડ પર આવેલી સુરભી ડેરીમાંથી 17 કિલો પનીર વધારામાં જપ્ત કરાયું હતું. આ રીતે ત્રણ કાર્યવાહી દરમિયાન કુલ 771 કિલો જેટલો પનીરનો જથ્થો કબ્જે લેવામાં આવ્યો હતો.
કાયદેસરની કાર્યવાહી શરૂ – એડજુડિકેટિંગ અધિકારી સમક્ષ કેસ
પનીર સબ-સ્ટાન્ડર્ડ જાહેર થતાં હવે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ–2006 હેઠળ કડક પગલાં લેવાશે. મનપાના આરોગ્ય વિભાગે એડજુડિકેટિંગ ઓફિસર સમક્ષ પ્રાથમિક ફરિયાદ પ્રક્રિયા શરૂ કરી છે. સ્વાદ રસિયા લાખો સુરતવાસીઓના આરોગ્ય સાથે ચેડા કરનાર સામે દંડાત્મક અને કાયદેસરની કાર્યવાહી થવાની શક્યતા છે.
નકલી પનીર કેવી રીતે તૈયાર થતું હતું?
દૂધના બદલે સ્ટાર્ચ પાઉડર વાપરવામાં આવતો હતો જેમાં ઘનતા જળવાઈ રહે તે માટે વેજીટેબલ ફેટ ઉમેરાતું હતુ ત્યાર બાદ રંગ અને ટેક્સ્ચર માટે રસાયણિક એડિટિવ્સ, ઠંડુ કરી બ્લોક બનાવવામાં આવતુ મિશ્રણ તૈયાર થતુ હતુ જે પનીર તરીકે વેચાતુ હતું. જેમાં દૂધ–પ્રોટીનનો અભાવ અને માત્ર કૃત્રિમ પદાર્થોનું મિશ્રણ થાય છે.
નકલી પનીર ખાવાથી આરોગ્ય જોખમ
- પેટમાં ગેસ, એસિડિટી અને પાચન તકલીફ
- આંતરડાના માઇક્રોબ્સને નુકસાન
- પ્રોટીન–કેલ્શિયમની ઉણપ
- રોગપ્રતિકારક શક્તિ નબળી
- લાંબા ગાળે હૃદયરોગ અને પાચન સંબંધિત બીમારીઓનો ખતરો