સુરત: કોરોના(Corona)ની ત્રીજી લહેર પુર્ણ થયા બાદ, કોરોનાએ જાણે શહેરમાંથી વિદાય લઈ લીધી હતી. છેલ્લા 24 દિવસથી શહેરમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો. તેમજ એક્ટિવ કેસ(Active Case) પણ શુન્ય થઈ જતા શહેરમાંથી જાણે કોરોનાએ વિદાય લઈ લીધી હતી. પરંતુ 24 દિવસ બાદ શહેરમાં કોરોનાનો ફરી એક કેસ નોંધાયો છે. દેશમાં પણ ધીમી ગતિએ કોરોનાના કેસ વધી રહ્યા છે તેમજ વિશ્વના અન્ય દેશોમાં કોરોનાએ માથુ ઉચક્યુ છે. જેથી લોકોએ હજી પણ સાવચેતી રાખવી જરૂરી છે.
- સુરતમાં ફરી કોરોના દેખાયો, હોંગકોંગથી આવેલા યુવાનનો રિપોર્ટ પોઝિટિવ
- એક તબક્કે સુરતમાં કોરોનાના કેસ ઝીરો થઈ ગયા હતા અને એક્ટિવ કેસ પણ ઝીરો થઈ ગયા હતા
- છેલ્લે 12મી એપ્રિલે કોરોનાનો કેસ નોંધાયો હતો, બાદમાં કોઈ કેસ નોંધાયો નહોતો
- નવસારીની સોસાયટીમાં કોરોનાના વધુ 2 કેસ નોંધાતા આંકડો 11,929 થયો
છેલ્લે શહેરમાં તા. 12 એપ્રિલે કોરોનાનો એક કેસ નોંધાયો હતો અને ત્યારબાદ સતત કોરોનાના એક પણ કેસ નોંધાયા ન હતા. ત્યારે શુક્રવારે અઠવા ઝોનમાં 29 વર્ષના યુવકનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ યુવક સુરતનો રહેવાસી નથી. તે 2 માસ અગાઉ હોંગકોંગથી મુંબઈ એક મિત્રના લગ્નમાં આવ્યો હતો. અને સુરતમાં 4થી મેના દિવસે આવ્યો હતો. તેમના મુંબઈના મિત્રને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આ યુવકે પણ સુરતમાં ટેસ્ટ કરાવ્યો હતો અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
કેનેડાથી નવસારી આવેલા એક જ પરિવારના 2 સભ્ય કોરોના સંક્રમિત
નવસારી : નવસારી જિલ્લામાં કેનેડાથી નવસારી આવેલા એક જ પરિવારના 2 સભ્યો કોરોના સંક્રમિત થતા જિલ્લામાં કોરોના પોઝિટિવના વધુ 2 કેસ નોંધાયા છે. નવસારી જિલ્લામાં દોઢ મહિના બાદ ગત 24મી એપ્રિલે નવસારી જિલ્લામાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જોકે ત્યારબાદથી જિલ્લામાં એકપણ કેસ નોંધાયો ન હતો. પરંતુ 10 દિવસ બાદ ફરી જિલ્લામાં 2 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. જેમાં કેનેડાથી નવસારી આવેલા અને નવસારી પુષ્પક સોસાયટીમાં રહેતા એક જ પરિવારના 2 સભ્યો કોરોના સંક્રમિત થયા છે. જેથી નવસારી જિલ્લામાં કોરોનાના કુલ 11,929 કેસો નોંધાયા છે. જયારે જિલ્લામાં હમણાં સુધીમાં કુલ 11,716 દર્દીઓ સાજા થયા છે. પરંતુ નવસારી જિલ્લામાં હમણાં સુધી 210 દર્દીઓના મૃત્યુ થયા છે. હાલ જિલ્લામાં એક્ટિવ કેસોમાં વધારો થતા 3 દર્દી સારવાર લઈ રહ્યા છે.