સુરત વેસુમાં વૃધ્ધ વ્યક્તિને ડિજિટલ અરેસ્ટનો શિકાર બનાવીને ઠગ ટોળકીએ ૧.૭૧ કરોડની રકમ પડાવી હતી. આવા બેન્ક ખાતાં ભાડે આપવાના ગુનામાં સાયબર ક્રાઇમે બનાસકાંઠાના વેટરનરી ડોક્ટર સહિત ૩ આરોપીની ધરપકડ કરી હતી. ડોક્ટર આરોપીઓ પાસેથી કરંટ ખાતાંઓ લઇને તેના ઉપર બેઠેલા મુખ્ય સૂત્રધાર પાસેથી ૫૦ હજારનું કમિશન લઇને બેન્ક ખાતાંઓ ભાડે આપતો. આવાં કમિશન લોભી ભાડે આપનાર બેન્ક ખાતેદારો સાથે નોંધાયેલી ફરિયાદોને આધારે જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં બેન્ક ખાતાંઓ ભાડે લેવા અંગેની ગુપ્ત ગુનાખોર માનસ ધરાવતી ટોળકી કાર્ય કરી રહી છે. આ માટે બેન્ક ખાતેદારોને સારું કમિશન આપવાનું પ્રલોભન પણ આપવામાં આવે છે. શહેરના તમામ બેન્ક ખાતેદારોએ આવી ગુનાખોરી માનસિકતા ધરાવતી વ્યક્તિઓથી સાવધાન, જાગૃત અને સચેત રહેવાની જરૂર છે.
સુરત – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
દેખાદેખી શા માટે?
મોંઘવારીની જોરશોરથી વાતો કરનારને મારે પૂછવું છે કે ક્યાં છે મોંઘવારી? દેખાય છે? હવે તો ઘણાં લોકો ઘરમાં રસોઇવાળી બાઇ રાખે છે. અમે તો નાનપણમાં કામવાળી બાઇ ઘરમાં કામ કરવા આવતી તે જોઇ છે પણ આ તો રસોઇવાળી બાઇની વાત છે. હા, ઘરમાં એવા સંજોગો હોય ને આપણે રસોઇવાળાં બાઇ રાખીએ તે વ્યાજબી છે. ગૃહિણી જોબ કરતી હોય, સવારની જાય સાંજે થાકીને ઘરે આવે ને પછી જો એણે ઘરની જવાબદારી ઉપાડવાની હોય તો તે રસોઇવાળાં બાઇ રાખે એ ખોટું નથી પણ આ તો એવા કોઇ સંજોગો ન હોય છતાં રસોઇવાળાં બેનને રાખે છે.
પાછા એટલા વટથી બોલે કે અમારે ત્યાં તો રસોઇવાળાં બેન આવે છે અને હમણાં તો ‘કુક’ શબ્દ ઘણો પ્રચલિત થતો જાય છે. મારે ત્યાં તો કુક આવે છે. આ તો થઇ કુકની વાત, પણ જો ઘરમાં નાની પાર્ટી હોય કે ગેટ ટુ ગેધર રાખ્યું હોય તો બહારથી તૈયાર રસોઇ પણ મંગાવી લેવાય છે. પહેલાં તો આવી સગવડ નહોતી ત્યારે ઘરની સ્ત્રીઓ જ રસોઇ બનાવી દેતી હતી. આ તો હવે આપણને પણ તૈયાર મંગાવવાની ટેવ પડી ગઇ છે એમાંથી તો આપણે પણ બાકાત નથી. જમાના સાથે ચાલવું જરૂરી છે.
સુરત – શીલા ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.