વડોદરા : વડોદરાની એમ.એસ.યુનિવર્સીટીના જીયોગ્રાફી ફેકલ્ટીમાં રીનોવેશનની કામગીરી દરમિયાન દીવાલ પડતા નાસભાગ મચી ગઈ હતી.જોકે કામગીરી કરી રહેલા શ્રમિકનો આબાદ બચાવ થયો હતો. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની જીઓગ્રાફી ફેકલ્ટી સહિત તમામ ફેકલ્ટીઓમાં હાલ રીનોવેશનની કામગીરી માટેનો ઈજારો યુનિવર્સીટીના ગાંધીનગરમાં રહેતા લાગતા વળગતાને સોંપવામાં આવ્યો છે.જે કામગીરી સ્વીકારનાર ગાંધીનગરના મહાશય આ કામગીરી શહેરના પેટા કોન્ટ્રાકટરને સોંપી હતી.
જે કામગીરીમાં બેજવાબદારી પણ જોવા મળી હતી.યુનિવર્સીટીના જીઓગ્રાફી ફેકલ્ટીના રીનોવેશનની કામગીરી શહેરના પેટા કોન્ટ્રાકટરને સોંપવામાં આવી છે.તેઓએ જીઓગ્રાફી ફેકલ્ટીની દીવાલની કામગીરી હાથધરી હતી.જ્યાં શ્રમિકો ફેકલ્ટીની દીવાલની કામગીરી કરવા માટે દીવાલ પર વાંસના બાંબુના સહારે પાલખ બાંધીને કામગીરી કરી રહ્યા હતા.ત્યારે એક શ્રમિક પાલખ પર કામગીરી કરતો હતો.ત્યારે એકાએક પાલખની સાથે સાથે દીવાલનો એક ભાગ તૂટી પડતા નાસભાગ મચી ગઈ હતી.
જ્યારે પાલખ પર કામગીરી કરી રહેલ શ્રમિક સમય સુચકતા વાપરીને દીવાલ પર લટકી જતા તેનો આબાદ બચાવ થયો હતો. ચાલી રહેલ કામગીરી દરમિયાન પેટા કોન્ટ્રાકટર કે કોઈ એન્જીનીયર હાજર જોવા મળ્યા ન હતા. ઉપરથી કોન્ટ્રાક્ટરની બેજવાબદારી સામે આવી હતી. જો આ કામગીરીમાં કોઈ અઘટિત ઘટના બની હોત તો તેનો જવાબદાર કોણ યુનિવર્સીટી કે કોન્ટ્રાકટર તેવા સવાલો ઉઠ્યા હતા.મહત્વની બાબત એ છે કે યુનિવર્સીટીમાં ચાલી રહેલ કામગીરીમાં શ્રમિકો જીવન જોખમે જોવા મળી રહ્યા છે.જો કોઈ મોટી દુર્ઘટના બની હોત તો તેનો બેલી કોણ તેવો પ્રશ્ન શ્રમિકોને સતાવી રહ્યો છે.