Columns

કોણ શબ્દ કાઢી નાખો

ભાગવત સપ્તાહમાં કથાકાર આજે હળવી વાતો કરતા કરતા સુંદર ઉપદેશ આપી રહ્યા હતા.તેમણે કહ્યું, ‘આજે હું તમને જીવનમાં સાચી રીતે સુખી થવાનો અને સાચી શાંતિ મેળવવાનો રસ્તો બતાવવાનો છું ??’ બધાને થયું કથાકાર ભગવાનની ભક્તિ અને વ્રત તપ જપની વાતો કરશે. કથાકાર આજે એકદમ હળવી રીતે જીવનની રીત સમજાવી રહ્યા હતા એટલે મજાક કરતા બોલ્યા, ‘જીવનમાં સુખી થવા અને મનની શાંતિ  મેળવવા માટે  હું તમને કોઈ વ્રત, તપ, ઉપવાસના અને ભક્તિ પૂજા અર્ચનાના ઉપાય નથી બતાવવાનો એ બધું બધાએ પોતાની શક્તિ ,ભક્તિ અને શ્રધ્ધા મુજબ કરવાનું હોય છે.હું તો એવો રસ્તો આજે બતાવીશ કે તમે આ બધામાંથી કઈ નહિ કરતા હો તો પણ સુખ અને મનની શાંતિ અનુભવશો.’

ક્થાવારની વાત સાંભળીએ બધા આ સુખી થવાનો ઉપાય જાણવા આતુર બન્યા.કથાકારે કહ્યું, ‘જો તમને બધાને જીવનમાં શાંતિ અને સુખ જોઈતું હોય તો એક જ કામ કરો જીવનમાંથી ‘કોણ’ શબ્ધ સદાને માટે કાઢી નાખો…તમારા મન અને મગજના શબ્દકોશમાંથી આ ‘કોણ’ શબ્દની બાદબાકી કરી નાખો પછી શાંતિ જ શાંતિ મળશે.’ કથાકારની વાત સાંભળી બધાને કઈ બરાબર સમજાયું નહિ કે માત્ર ‘કોણ’ શબ્દને ભૂંસી નાખવાથી સુખ શાંતિ કઈ રીતે મળે?? કથાકાર પોતાની મોજમાં આગળ સમજાવતા બોલ્યા, ‘જો તમે જીવનમાંથી આ મનને ઉચાટ આપતો અને મનમાં પ્રશ્નો સર્જતો ‘કોણ’ શબ્દને કાઢી નાખો. કોણ શું કરે છે ? કોણ શું બોલે છે ? કોણ કોની સાથે સબંધ રાખે છે ? કોણ કોના ઘરે આવે છે ? કોણ કોની સાથે ઝઘડે છે ? કોણ આવ્યું ? કોણ ગયું? કોણ કેટલું કમાય છે? કોણ મારા માટે કામ કરે છે? કોણે મને શું આપ્યું ? કોણે મારા માટે શું કર્યું ?

આવા અનેક પ્રશ્નો અને સૌથી મોટો પ્રશ્ન આ દુનિયામાં મારું કોણ છે ? જો જીવનમાંથી કોણ શબ્દને કાઢી નાખશો તો આવા બધા જ પ્રશ્નોનું મન અને મગજમાં કોઈ અસ્તિત્વ જ નહિ રહે અને એથી મનની શાંતિ બની રહેશે.મન અને મગજ આવા કોણ ..કોણ થી ઉભરાતા પ્રશ્નોથી ઉભરાશે નહિ તો અને આલ્હાદક શાંતિનો અનુભવ થશે અને મન શાંત અને જીવન સરળ અને સુખમય થઈ જશે.’ કથાકારે અનેરો અને સચોટ રસ્તો દેખાડ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top