તાજેતરમાં ચૌટાબજારમાં દબાણખાતાવાળાઓએ દબાણ દૂર કરવા માટે સપાટો બોલાવી દીધો. પરંતુ દુ:ખ સાથે કહેવું પડે, માત્ર 24 કલાકમાં ‘ફરી રાબેતા મુજબની પરિસ્થિતિ થઇ ગઇ. ખેર, આ નાટક વર્ષોથી ચાલી રહ્યું છે, જેનો કોઇ અંત દેખાતો નથી. એમાં મીલીભગતની ગંધ આવે છે. વિશેષ અહીં ખપાટીયા ચકલા પરના પડેલા પાથરેલા રહેતા માથાફરેલ રિક્ષાવાળાઓની વાત કરવી છે. અહીં રહેતા આ વિસ્તારના લોકોની આ ગંભીર ફરિયાદ છે. હજુ સુધી એ બાબતે કોઇ પગલાં ભરાતાં નથી. જતાં આવતાં રાહદારીઓ સહિત ટુ વ્હીલર ફોર વ્હીલર અહીંના રોડ પરના દુકાનદારો પણ ત્રાસી ગયા છે. અહીંથી પસાર થતાં નાકે દમ આવી જાય છે.
અવારનવાર અહીં અફરાતફરીનો માહોલ જોવા મળે છે. છતાં સત્તાવાળાઓનું કે રિક્ષાવાળાઓના પેટનું પાણી પણ હાલતું નથી. બધું લોલેલોલ ચાલી રહ્યું છે. રિક્ષાવાળાઓ મજબૂરીવશ મુસાફરી કરનારાં લોકો સાથે બેફામ ભાડું વસૂલ કરે છે. કોઇ વ્યાજબી ભાવની વાત કરે તો ગ્રાહકની સાથે તોછડાઈભર્યું બેહૂદું વર્તન કરે છે. નવરા નવરા રિક્ષાવાળાઓ બેસીને ચા-પાણી કરે છે, ગપ્પાં મારી સમય પસાર કરે છે. આ વિસ્તારની આ રામકહાણી છે. તાકીદે ચાંપતાં પગલાં ભરાય એવી આ વિસ્તારનાં લોકોની માંગ છે. ટ્રાફિક પોલીસ તાકીદે આ ન્યૂસન્સ દૂર કરે એવી લાગણી અને માંગણી છે.
સુરત – જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
જીવનસરિતાને તીરે દારૂ સરિતા
‘જીવન જેનું ઝેર સમું પણ ખુમારી એવી કે નામ અમૃતલાલ રાખે’ છ દાયકાના વાણા વાયા પછી પણ ગુજરાતમાંથી દારૂ છૂટતો ન હોય તો મોતીલાલ નહેરૂને ખુદ ગાંધીએ દારૂનો પ્યાલો હોઠે લગાડયાની વાત વાંચી ઘાયલ અમૃતની વાત યાદ આવી. તેઓ દેશી દારૂથી એવા ઘાયલ હતા કે મુશાયરાના શાયર માટે પ્રોહિબીશન એકટના પરમીટ પ્રથા શરૂ કરવી પડી હતી તે મહા ગુજરાતમાં મહા ભ્રષ્ટાચારનો સાગર બની ગયા પછી પણ દારૂબંધીનો વેપાર જુગાર એકરૂપ થતાં દારૂ માત્ર પકડાય છે, છૂટતો નથી.
ધરમપુર – ધીરુ મેરાઈ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.