ડાકોર: યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના મેળા પૂર્વે પાલિકાતંત્ર દ્વારા મુખ્ય માર્ગ પરના નડતરરૂપ દબાણો હટાવી રસ્તો ખુલ્લો કર્યો છે. પરંતુ, પાલિકાએ દબાણ હટાવવાની આ કામગીરીમાં વ્હાલાદવાલાની નિતી અપનાવી હોવાની બુમો ઉઠી છે.
યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના મેળાને આડે હવે માંડ ત્રણ દિવસ બાકી રહ્યાં છે. આ મેળા દરમિયાન રાજાધિરાજ શ્રી રણછોડરાયજી ભગવાનના દર્શનાર્થે આવનાર લાખો શ્રધ્ધાળુઓને નગરના રાજમાર્ગો પર અવરજવર કરવામાં હાલાકી ન પડે તે માટે પાલિકા દ્વારા દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી છે. પાલિકાની ટીમે મુખ્ય માર્ગ પરની દુકાનોની બહાર કરાયેલાં દબાણો ઉપરાંત રસ્તાની સાઈડમાં બેસતાં નડતરરૂપ લારીઓ તેમજ પાથરણાંવાળાને હટાવીને રસ્તાં ખુલ્લાં કર્યાં છે.
દબાણ હટાવવાની આ કામગીરીમાં પાલિકા દ્વારા વ્હાલાદવાલાની નિતી અપનાવવામાં આવી હોવાની બુમો પણ ઉઠી છે. આ મામલે કેટલાક જાગૃત નાગરીકો તેમજ લારીઓ અને પાથરણાંવાળાઓ રોષપૂર્વક જણાવે છે કે, પાલિકાતંત્ર નગરમાં ઠેર-ઠેર ઉભા કરાયેલાં પાકા દબાણો હટાવવાની હિંમત કરતું નથી, કેટલીક જાહેર જગ્યાઓ પર ગેરકાયદેસર અડીંગો જમાવી બેઠેલાં લારી-ગલ્લાં પણ પાલિકાતંત્રને દેખાતાં નથી. પરંતુ, દર વખતે દબાણના નામે માત્ર ગરીબ લારીઓ અને પાથરણાંઓવાળાને જ હટાવી હેરાન કરે છે. અગાઉ પાલિકાતંત્ર દ્વારા 150 જેટલાં કાચા-પાકા દબાણો હટાવાયાં હતાં, જે દબાણ પુનઃ ખડકાઈ ગયાં છે. ત્યારે, પાલિકાતંત્ર દ્વારા આવા ગરીબ લારીઓ તેમજ પાથરણાંઓ વાળાને મેળા દરમિયાન ધંધો કરવા માટે વૈકલ્પિક જગ્યા આપવામાં આવે, તેમજ સાથે સાથે રહેમનજર હેઠળ છોડી દેવામાં આવેલાં અન્ય દબાણો ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
આજથી વિકેન્ડમાં માર્ગો ઉભરાશે
મંગળવારે ફાગણી પૂનમ છે, તે પહેલા આજે શનિવાર અને આવતીકાલે રવિવાર એમ બે દિવસ વિકેન્ડ છે. સપ્તાહના અંતિમ દિવસો અને રવિવારની રજાના કારણે હવે આ બે દિવસ દરમિયાન ડાકોર તરફ જતા તમામ માર્ગો પદયાત્રીઓથી ઉભરાશે. તો વળી, આ માર્ગો પર ઠેર-ઠેર ઉભા કરાયેલા સેવાકીય કાર્યોના તંબુઓમાં પણ ટોળા ઉમટશે. આજે શુક્રવારે ડાકોર તરફ જતા માર્ગો પર પ્રમાણમાં ઓછા પદયાત્રીઓ દેખાયા હતા. જો કે, આગામી બે દિવસ રસ્તાઓ જય રણછોડ માખણચોરના નાદથી ગૂંજી ઉઠશે.