સુરત: કેન્દ્રીય બજેટ 2023-24થી (Central Budget 2023-24) સૌથી વધુ ખુશી શેરડીના ખેડૂતોને (Sugar Farmers) થઈ છે. શેરડી પકવતા ખેડૂતો અને સુગર ફેક્ટરીઓના (Sugar Factory) માથા પરથી દસ વર્ષ જૂનો જવાબદારીનો બોજો આજે દૂર થયો છે. સુગર ફેક્ટરીઓ પર ઉભી કરવામાં આવેલી ઈન્કમટેક્સની (Income Tax) જવાબદારીને નાણામંત્રીએ (Finance Minister) સંપૂર્ણપણે નાબૂદ કરી છે. જેના લીધે દક્ષિણ ગુજરાતની (South Gujarat) 9 સહિત ગુજરાતની 13 સુગર ફેક્ટરીના સંખ્યાબંધ ખેડૂતોના માથા પરથી અઢી હજાર કરોડનો બોજો દૂર થયો છે. નાણામંત્રીએ એક ઝાટકે દેશભરની સુગર ફેક્ટરીઓ સામે ઈન્કમટેક્સ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહેલાં 10 હજાર કરોડના લીટીગેશનના કેસોને નાબૂદ કરી મોટી ભેંટ આપી છે.
- ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ચલાવવામાં આવી રહેલાં લીટીગેશનના કેસો નાબૂદ કરાયા
- સુગર ફેક્ટરી દ્વારા ખેડૂતોને ચૂકવાતા ટેકા કરતા વધુ ભાવો હવે નફાની કેટેગરીમાં નહીં ગણાય
- કેન્દ્રીય ગૃહમંત્રીની મધ્યસ્થીના પગલે શેરડીના ખેડૂતોને મોટો લાભ થયો
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિતીષ મોદીએ કહ્યું કે, ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા 2010-11ના વર્ષ માટે 2014માં સુગર ફેક્ટરીઓ પર ગેરવ્યાજબીપણે ઈન્કમટેક્સની જવાબદારી ઉભી કરવામાં આવી હતી. સુગર ફેક્ટરીઓ દ્વારા શેરડીના ખેડૂતોને ચૂકવવામાં આવતા ટેકાના ભાવ શેરડીના ટેકાના ભાવ કરતાં વધુ ચૂકવેલા શેરડીના અંતિમ ભાવ વચ્ચેનાં તફાવતની રકમને નફો ગણી ઈન્કમટેક્સ વિભાગ દ્વારા ટેક્સ ડિમાન્ડ ઉભી કરવામાં આવી હતી. દર વર્ષે આ કેસમાં સ્ક્રુટીની અને ટેક્સ ડિમાન્ડની નોટીસો બજાવવામાં આવતી હતી, જેથી ખેડૂતો તાણમાં રહેતા હતા.
એક દાયકાથી અનઆવશ્યક કરજવાબદારીનો ભાર વેંઢારી રહેલાં ખેડૂતો અને સુગર ફેક્ટરીઓને આખરે ન્યાય મળ્યો છે. મિતીષ મોદીએ કહ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ડિસેમ્બર મહિનામાં રજૂઆત કરાઈ ત્યાર બાદ તેમની મધ્યસ્થીના લીધે આ ગૂંચનો ઉકેલ આવ્યો છે.
ચોક્કસપણે આ જાહેરાતને પગલે સુગર ફેક્ટરીઓ તથા ખેડૂત ખાતેદારોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. દક્ષિણ ગુજરાત અને ગુજરાતના ખેડૂતો એક દાયકાથી આ ભાર વેંઢારી રહ્યાં હતાં, જ્યારે મહારાષ્ટ્રમાં તો 1991-92 એટલે કે 30 વર્ષથી લીટીગેશનના કેસો ચાલી આવી રહ્યાં હતાં. જે તમામનો એક ઝાટકે નિકાલ થયો છે.
સહકારી ક્ષેત્ર માટે અમૃત સમાન મહત્ત્વની જાહેરાતો
- ઈન્કમટેક્સની કાયદાની કલમ 194-એનની જોગવાઈમાં સુધારો કરાયો, જેના લીધે બેન્ક ખાતામાંથી વર્ષ દરમિયાન 3 કરોડથી વધુનો રોકડ ઉપાડ કરતી સહકારી મંડળીઓ પર ટીડીએસ લાગુ પડશે નહીં. આ મર્યાદા અગાઉ 1 કરોડ હતી. આમ, ટીડીએસની માયાજાળમાંથી સહકારી મંડળીઓને મુક્તિ મળી.
- પ્રાયમરી એગ્રીકલ્ચરલ ક્રેડીટ સોસા. કે પ્રાયમરી કો.ઓ. એગ્રીકલ્ચરલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેન્ક સભ્યો પાસેથી 2 લાખથી ઓછી રકમની રોકડ ડિપોઝીટ સ્વીકારે અથવા રોકડ લોન ધીરે તો પેનલ્ટી લાગશે નહીં. ઈન્કમટેક્સની કાયદાની કલમ 269 એસએસ અને 269 ટી હેઠળ સહકારી મંડળીઓને મહદઅંશે રાહત અપાઈ છે.
- ઉત્પાદન ક્ષેત્રે રોકાયેલી નવી સહકારી મંડળીઓને પ્રોત્સાહીત કરવા ઈન્કમટેક્સના કાયદામાં 115-બીએઈ દાખલ કરાઈ. તે મુજબ 1-4-2023 બાદની મંડળીઓ 15 ટકાના કન્સેશનલ ઈન્કમટેક્સના દરથી આવક પર ટેક્સ ભરી શકશે.