છેલ્લી સદીની સૌથી મહાન શોધોમાં રીમોટ કન્ટ્રોલનો સમાવેશ થવો જોઈએ. TVનો અવાજ ઓછો-વત્તો કરવા માટે કે ACમાં તાપમાન વધુ-ઓછું કરવા માટે જેમણે કારમી ઉઠબેસ કરી હશે તે સૌ આ વાત સાથે સહમત થશે. ક્યારેક હળવા રોષ સાથે એવો પણ વિચાર આવે કે રીમોટ કન્ટ્રોલ થોડોક વહેલો શોધતા સંશોધકોનું શું જતું હતું? એક જણ ધાબે એન્ટેનાની દિશા ફેરવવા ચડ્યો હોય, બીજો ઘરની અંદર TV પર આવતું દૃશ્ય જોતો હોય અને ત્રીજો જણ બહાર ઊભો રહીને પહેલા બંને વચ્ચે સંદેશાવાહકનું કામ કરતો હોય – આવાં દૃશ્યો 80ના દાયકામાં ગ્રામ્ય વિસ્તારોમાં ટીવી જોનારા ભૂલ્યા નહીં હોય. એ વખતે બીજું બધું ભલે એમનું એમ હોય પણ ફક્ત એન્ટેના માટે રીમોટ કન્ટ્રોલ આવી ગયું હોત તો પણ કેટલી નિરાંત થઈ જાત? નીચે ઊભા ઊભા ફક્ત રીમોટ કન્ટ્રોલ દબાવીને એન્ટેનાની દિશા ફેરવી શકાત.
રીમોટ કન્ટ્રોલ આવ્યું અને સામાન્ય બન્યું ત્યારે એન્ટેના ફેરવવાની જરૂર રહી ન હતી. પછી તો TV માટેનું રીમોટ કન્ટ્રોલ એટલું સામાન્ય થઈ ગયું કે તેનો મહિમા મનમાંથી ઓસરી ગયો. જીવનમાંથી અગવડ ઘટાડીને આરામ આપનારી સુવિધા તરીકે તેના માનપાન કરવાને બદલે તેની સાથે એવો ઓરમાયો વ્યવહાર રાખવામાં આવ્યો કે રીમોટ કન્ટ્રોલ ઘરમાં ક્યાંનો ક્યાં પડ્યો હોય અને કોઈને તેની પરવા ન હોય. પછી બરાબર TV શરૂ કરવાનો સમય આવે ત્યારે જ રીમોટ કન્ટ્રોલ દેખાય નહીં અને તોફાન મચે. દરેક બાબતમાં આધ્યાત્મિક દૃષ્ટિકોણથી વિચારતા લોકોને કર્મના સિદ્ધાંત પ્રમાણે એવો પણ વિચાર આવે કે રીમોટ કન્ટ્રોલ સાથે થયેલા ઓરમાયા વર્તનનો બદલો ઘરના લોકોને અહીંનો અહીં, આ જન્મે જ મળી રહ્યો છે.
TVની મેઇન સ્વિચ ચાલુ થઈ ચૂકી હોય અને ટાંકણે જ રીમોટ ન દેખાતા, પોલીસની અદાથી સૌથી પહેલાં શકમંદોની ખબર લેવામાં આવે. કેટલીક વાર પહેલો ઘા ગૃહસ્વામીની તરફથી થાય છે. ‘નક્કી, એમનું જ કામ હશે. રીમોટ કન્ટ્રોલ તે કંઈ ખંજવાળવા માટે છે? ને ખંજવાળ્યા પછી પણ તેને ઠેકાણે તો મૂકવો જોઈએ ને. પણ આ ઘરમાં આપણને ગણે છે જ કોણ? પછી કહીએ ત્યારે ચટકા લાગે છે.’ પહેલા ઘાની તક ગુમાવી બેસવા છતાં નાસીપાસ થાય તો ગૃહસ્વામી શાના? તે કહે છે, ‘એ તો છે જ એવી. સત્તર વાર એને કહ્યું કે રીમોટ કન્ટ્રોલ લઈને રસોડામાં ન જા, પણ સાંભળે ત્યારે ને? પછી કહીએ ત્યારે ટપ ટપ આંસુડાં સારવા બેસે. એટલે પતી ગયું. આપણો કેસ ફાઇલ.’ આ પ્રકારના સંવાદોથી રીમોટ કન્ટ્રોલ નિમિત્તે ગૃહયુદ્ધના વધુ એક રાઉન્ડના ભણકારા વાગતાં જણાય છે. એવામાં કોઈ કબાટમાંથી કે છાપા નીચેથી કે ફ્રીજ ઉપરથી કે ટીવીની પાછળથી રીમોટ કન્ટ્રોલ મળી આવે છે એટલે આક્ષેપબાજીનો આનંદ જતો કરીને TV ચાલુ કરવામાં આવે છે.
પડદાની આગળનું દૃશ્ય જ જોઈ – વિચારી શકતા લોકો રીમોટ કન્ટ્રોલને સર્વશક્તિમાન ગણી લે છે. પણ કોઈ વાર એવું બને છે કે ખોવાયેલું રીમોટ મળી આવ્યા પછી તેનાં બટન દબાવવા છતાં તે કામ ન કરતું હોય. એટલે કે સાધન તેના કહ્યામાં ન હોય. તે વખતે ઇલેક્ટ્રોનિક્સની દુનિયાનો મહાન નિયમ યાદ કરીને રીમોટ કન્ટ્રોલને બે – ચાર વાર ઠપકારવામાં આવે છે. ત્યાર પછી પણ રીમોટ કન્ટ્રોલ વરદાનની અસર ગુમાવી બેઠેલા યોદ્ધા જેવું શક્તિહીન લાગે ત્યારે અચાનક રીમોટધારકને વિચાર આવે છે – ‘’તેમાં પાવર(સેલ) તો છે ને?’’
ઘણી વાર એ આશંકા સાચી પડે અને બીજા ગૃહયુદ્ધના ભણકારા વાગવા લાગે. ‘નાનકાને પાંચસો વાર કહ્યું છે કે પેન્સિલ સેલનું કામ હોય તો તારે મને કહેવાનું. બારોબાર રીમોટમાંથી સેલ કાઢી લેવાના નહીં…પણ આ ઘરમાં આપણું સાંભળે છે કોણ?’ વળતી દલીલ આવે છે, ‘ હું જ એને ઉપર રહીને બગાડું છું ને પછી આવું થાય ત્યારે ડાહી થાઉં છું. હવે જો વાત છે…’ ત્યાર પછી વિવાદ. ‘વાત છે… એટલે શું? કોની વાત છે?’ – એ દિશામાં ન ફંટાય અને ગણગણાટી સાથે રીમોટ કન્ટ્રોલમાંથી ગુમ થયેલા સેલ શોધવાનું કામ શરૂ થાય, ત્યારે થોડી દાઝ રીમોટ કન્ટ્રોલ પર પણ ચડે છે અને થાય છે કે આને અમથેઅમથો સર્વશક્તિમાન ગણી લીધો. સેલ ન હોય તો એ માત્ર શોભાનું રમકડું બની જાય છે.
રાજકારણમાં પણ કેટલાક લોકો ‘રીમોટ કન્ટ્રોલ’ તરીકે ઓળખાતા હોય છે. સત્તાસ્થાને બેસનાર કોઈક હોય પણ તેમાં સત્તા ‘પૂરનાર’ રીમોટ કન્ટ્રોલની ભૂમિકા બીજા પાસે હોય. એક જમાનામાં બાલાસાહેબ ઠાકરે, સોનિયા ગાંધી વગેરે રીમોટ કન્ટ્રોલ સમકક્ષ નેતાઓ ગણાતાં હતાં અને તેમની એ રીતે ટીકા થતી હતી. અત્યારે ‘વન નેશન, વન રીમોટ કન્ટ્રોલ’નો જમાનો છે. પરંતુ રીમોટ કન્ટ્રોલની ટીકા કરતી વખતે આગળ અંકે કરેલું સત્ય ભૂલવા જેવું નથી : ‘રીમોટ કન્ટ્રોલમાં સેલ ન હોય તો એ શોભાનું રમકડું બની રહે.’ અને સેલ આવે છે ક્યાંથી? રીમોટ કન્ટ્રોલસ્વરૂપ નેતાઓને મળતું લોકોનું સમર્થન સેલનું કામ કરે છે. એટલે રીમોટ કન્ટ્રોલની ટીકા કરતી વખતે યાદ રાખવું કે તેના પાવર માટે આપણે, સામાન્ય માણસો પણ જવાબદાર હોઈએ છીએ.