Charchapatra

સ્મરણાર્થે

 ‘લખી લીધું એ આરસની તકતી પર’ ફલાણા ભાઈ કે બહેનના સ્મરણાર્થે  માતબર દાન આપ્યું છે. આ બધું વાંચીને વિચાર આવે છે કે વ્યકિત જીવંત હતી ત્યારે તેમનું વ્યાજબી આકલન થયું હતું ખરું?  વર્ષમાં એક વખત પણ રૂબરૂ મુલાકાત ન થઇ હોય તેના બેસણાના પ્રસંગે પાથરણાની શોભા વધારવાનો અર્થ ખરો? જેમની છબી દિલમાં કંડારાયેલી ન હોય તેમની છબી દિવાલ પર ટીંગાડવાનો અર્થ ખરો? આવી સત્યથી વેગળી કેટલીય વાતો ઔપચારિક રીતે આપણા જીવનમાં વણાયેલી છે.

સામેની વ્યક્તિની વાત સાચી છે કે નહીં તે સમજયા વિના તેને અઢળક બોલવું અને પછી પસ્તાવો કરવાનો અર્થ ખરો? સામેની વ્યક્તિ માટે ખૂબ ઇર્ષ્યા છે,  છતાં સોશિયલ મીડિયા પર મીઠી કોમેન્ટ  પાસ કરી અંગૂઠા બતાવવાનો અર્થ ખરો? એક રસમ પૃથ્વી પર અનોખી ઉજવાય છે કે જીવતાંને ધિકકાર અને મડદાં પૂજાય છે. જિંદગી એક તરફી મુસાફરી જેવી હોય છે. જેમાં એક સ્ટેશન એક જ વખત આવે છે અને ગયેલાં સ્ટેશનો તેમાં જોડાતાં જાય છે. વ્યકિત અને વસ્તુ સમયની સાથે છૂટી જાય છે. માટે યોગ્ય સમયે યોગ્ય વ્યકિતને સમજીએ તેમાં શાણપણ છે.

મુશ્કેલીમાં મિત્રોને  ‘call you later’ નો મેસેજ કરી નિરાશ તો કરતાં નથી ને? જે  તમારા માટે બધું છોડી શકે છે તેમને તમે છોડી દેતા નથી ને? જેમણે તમારી જિંદગી બનાવી છે તેમને તમારા પગ પકડવા મજબૂર તો કરતાં નથી ને? આ બધું વિચારી જુઓ કારણકે કદર હંમેશા સાચા સમયની થતી હોય છે. જીવનના અંતે  સ્મરણાર્થે કરવાનો કોઈ મતલબ નથી.

સુરત     – નીરુબેન બી.  શાહ        -આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top