એક દિવસ આશ્રમમાં કોઈ વાતે શિષ્યો વચ્ચે ઝઘડો થયો અને વાત એટલી વધી ગઈ કે મોટા ભાગના શિષ્યો બે જૂથમાં વહેંચાઇ ગયાં અને એક બીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા.વાત હજી વધારે વધી અને એક બે શિષ્યો મારામારી કરવા લાગ્યા.ઝઘડાનો અવાજ સાંભળી ગુરુજી ત્યાં આવ્યા અને જોયું તો મોટા ભાગના શિષ્યો બે જૂથમાં વહેંચાઇ જઇને એક બીજા સાથે તું તું મેં મેં અને હાથાપાઈ કરી રહ્યા છે.પહેલાં તો કોઈનું ગુરુજી પર ધ્યાન ન પડ્યું અને ઝઘડો ચાલુ જ રહ્યો.પણ જેમ જેમ શિષ્યોનું એક પછી એક ગુરુજી પર ધ્યાન પડવા લાગ્યું, તેઓ ચૂપ થઈ બાજુ પર હટતાં ગયા અને થોડી વારમાં બધા ચૂપ થઇ ગયા.
ગુરુજી બોલ્યા, ‘આ શું આજે તો તમે બધાએ મળીને મને સજા આપી.શું મેં તમને આ રીતે ઝઘડો કરવાનું અને આવી રીતે મારામારી કરવાનું શીખવ્યું છે?’ બધા શિષ્યો શરમથી માથું નીચે ઝુકાવીને ઊભા હતા. ગુરુજી બોલ્યા, ‘તમારા બધાના આવા વર્તનથી મને બહુ દુઃખ થયું છે.હવે મારી આ બે વાત ખાસ યાદ રાખજો.પહેલી વાત જીવનમાં જયારે પણ કંઈ ન ગમતું થાય, કોઈ કંઈ અણગમતું બોલે, કોઈ તમારો સાથ ન આપે, કોઈ તમારો વિરોધ કરે, કોઈ તમારું અપમાન કરે, કોઈ તમારી વાત સાથે સંમત ન થાય…..જયારે જયારે ઝઘડો થવાના સંજોગો ઊભા થાય ત્યારે ખાસ યાદ રાખજો કે ઘણું બધું સંભળાવી દેવાનું મન થાય ત્યારે ચૂપ રહેવું.એક શબ્દ પણ બોલવો નહિ.મૌન રહેવાથી ઘણા ઝઘડા ટાળી શકાય છે અને પોતાની મનની શાંતિ અને સંબંધોમાં સુમેળ જળવાઈ રહે છે.’
એક શિષ્ય ચૂપ ન રહી શક્યો. તેણે પૂછ્યું, ‘ગુરુજી આપણે ચૂપ રહીએ, છતાં સામેવાળા આપણું અપમાન કરતાં જ રહે અને ચૂપ ન થાય તો શું કરવાનું…’ ગુરુજી બોલ્યા, ‘વત્સ, આપણે ચૂપ જ રહેવાનું, કારણ કે ચૂપ રહેવા જેવો ઉત્તમ કોઈ જવાબ નથી અને આપના ચૂપ રહ્યા બાદ પણ સામેવાળી વ્યક્તિ અપમાન કરતો જ રહે તો તેને માફ કરી ત્યાં એક મિનીટ પણ ઊભા રહ્યા વિના ચાલ્યા જવું.આપણું કોઈ અપમાન કરે કે ખરાબ કરે તો તેને માફ કરી દેવો.માફી આપવાથી ઉત્તમ કોઈ સજા જ નથી.જો તમે દરેક સંજોગોમાં ચૂપ રહેતાં શીખશો અને તમારી સાથે ખોટું કરનારને માફ કરી દેતાં શીખશો તો ક્યારેય ઝઘડા નહિ થાય અને તમારા મનની શાંતિ અકબંધ રહેશે.’ગુરુજીએ બે મહત્ત્વની વાત શીખવી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.