Charchapatra

વો દિન યાદ કરો

3 જૂન વિશ્વ સાયકલ દિવસ’ની વહેલી સવારે અમારી બચપનની ઈલેવન ટીમના એક મિત્રે ‘મિત્ર’ અખબારની એક રંગીન તસ્વીર નિહાળી મારી સાથે બચપનની પુરાણી યાદ તાજી કરી હસતાં હસતાં ફોન પર કહ્યું એ કેવા સુંદર મજાના દિવસો હતા. સાયકલ પર હસી મજાકમાં હાઈ વે પર થઈને નવસારી પહોંચી ગયા હતા. શેરડીનો મીઠો મધુરો રસ પીને ઘરે આવ્યા ત્યારે મોડી રાત્રે આપણા ઘરમાં કેવી ધોલાઈ થઈ હતી તે યાદ છે? ભલા એ દિવસો કેમ ભુલાય મેં કહ્યું સાથે દર્દભર્યા સ્વરમાં મારે કહેવું પડયું કે ઈલેવન ટીમના સભ્યોમાંથી આપણે ચાર મિત્રો હવે રહી ગયા.

બાકીના મિત્રો પરમધામ પહોંચી ગયા. ખેર એ સાથે આ શહેરમાં કિલ્લાના મેદાનમાં વર્ષમાં એકાદ વાર કોઈ સાયકલવીર 72 કલાકના પ્રયોગ કરતા. સાયકલ પર નિત્યક્રમ મુજબની દૈનિક પ્રવૃત્તિ કરતા હતા. એની સાથે એના બે ચાર સાથીદાર એના પર પૂરતું ધ્યાન આપતા. બીજી બાજુ લાઉડ સ્પીકર પર જુનાં  ગીતો વાગતાં. સાથે પેલા સાયકલવીરની જીવન કહાણી જાણવા મળતી. ખાસ્સી ભીડ જામતી. લોકો પ્રેમથી મર્યાદામાં રહીને એની કદર કરી સહાય કરતા. બીજી બાજુ મોટી ટોકીઝ પાસે ‘સેન્ડો દત્ત મંજનમાં એક પહેલવાન ટાઈપના સાયકલવીરની પણ યાદ આવે છે.

સાંજના સમય પર દત્ત મંજનના માલ સામાન સાથે વેચાણ કરવા એની પાસે એક જુની  વિશિષ્ટ સાયકલીંગ કરતા. પછી એના દંત્તમંજનનું ખાસ્સું એવું વેચાણ કરતા. એ સાથે કેટલાંક લોકોના દાંતનાં દર્દ દૂર કરવાનું કામ મફતમાં કરતા. આ બધી યાદો પચાસ સાંઠના દાયકાની છે. એ જમાનામાં ટુ વ્હીલરનું નામોનિશાન નહોતું. લોકો સાયકલનો વિશેષ રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા. સ્કૂલ કોલેજ જીવનમાં સાયકલ પર જવાનું ચલણ હતું. શનિ-રવિની રજામાં ડુમ્મસ હરવા ફરવા માટે પણ સાયકલ પર જતા ત્યારે કોઈ ટ્રાફિક  સમસ્યા નહોતી. એ જમાનાની હિન્દી ફિલ્મોમાં દેવઆનંદ, રાજકપુર, દિલીપકુમાર, રાજેન્દ્રકુમાર પરદા પર પોતાની પ્રેમિકાને લઈને સાયકલ પર ગીત ગાતા જોવા મળતા. મન પ્રસન્ન થઈ જતું. ફરી પાછો સાયકલ યુગ જીવંત થઈ રહ્યો છે. સારા સ્વાસ્થ્ય માટે સાયકલિંગ કરતા રહો. યઝદીભાઈ કરંજીયાની માફક સાયકલ ચલાવતા રહો. હસતા રહો, હસાવતા રહો. આ જીવનમંત્ર યાદ રાખો.
સુરત     -જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top