એક લાઈફટાઇમ અચીવમેંટ એવોર્ડ વિજેતા કલાકારને પત્રકારે સવાલ પૂછ્યો કે, ‘તમે ચાર ચાર દાયકાથી સફળ કલાકાર રહ્યા છો તો તેનું રહસ્ય શું છે?’ કલાકારે પોતાનું ચિરપરિચિત સ્માઈલ આપતાં કહ્યું, ‘મારી સફળતાનું આમ તો કોઈ રહસ્ય નથી. જે કામ મળ્યું હું પૂરી મહેનતથી કરતો ગયો અને હજી પણ કરી રહ્યો છું, પણ જીવનમાં આટલાં વર્ષોના અનુભવથી મેં ચાર વાતો શીખી છે અને તે હું હંમેશા યાદ રાખું છું.’ પત્રકારે પૂછ્યું, ‘કઈ ચાર વાત, સર અમે જાણવા આતુર છીએ.’ક્લાકાર બોલ્યા, ‘સૌથી પહેલી વાત છે હસો અને હસાવતા રહો, ખુશ રહો અને ખુશી વહેંચતા રહો, સ્મિત આપો કારણ કે સ્મિત ચેપી છે.એક સ્મિત અચૂક બીજું સ્મિત જન્માવે છે.હું હંમેશા અજાણ્યા સામે પણ હસું છું અને કોઈ ઉદાસ ચહેરા પર સ્મિત લાવવા નાનાં નાનાં કામ કરતો રહું છું.’
પત્રકારે કહ્યું, ‘એટલે જ તમારા એક સ્મિતના લાખો ચાહકો છે. કલાકારે હસીને પોતાની વાત આગળ ચલાવી, ‘બીજી વાત યાદ રાખો કે તમે દુનિયાને જે આપશો, સારું કે ખરાબ, તે બધું જ ફરીને તમારી પાસે આવશે, તમને મળશે. આ કુદરતનો નિયમ છે. પ્રેમ આપો, પ્રેમ મળશે.ખુશી આપો, ખુશી મળશે.કલા આપો.પ્રશંસા મળશે અને મહેનત કરો, ફળ મળશે.’ પત્રકારે પૂછ્યું, ‘ત્રીજી વાત કઈ છે?’કલાકાર બોલ્યા, ‘હા ,ત્રીજી વાત તો ખાસ જાણવા જેવી છે કે લોકો તમારા માટે શું વિચારે છે અને શું કહે છે તે બિલકુલ મહત્ત્વનું નથી, કારણકે લોકોનો મત અને તમારા માટેના વિચારો તમારી સચ્ચાઈ નથી.તમે કોણ છો અને કેવા છો તે તમારું કાર્ય અને વર્તન નક્કી કરે છે.
લોકોના અભિપ્રાયો નહિ, માટે લોકો શું બોલે છે અને શું કહેશે તેની પર ધ્યાન આપ્યા વિના તમે તમારું કામ કરતા રહો, તો સફળતા મળશે જ.’ કલાકારે આગળ કહ્યું, ‘હવે ચોથી અને છેલ્લી વાત કે અહીં દુનિયામાં દરેક જણ અલગ છે, દરેક વ્યક્તિની જીવનસફર અલગ છે, માટે યાદ રાખો, તમે ખાસ અને અલગ છો.માટે કોઈ બીજા જેવા બનવા માટે તમારો સમય અને શક્તિ વેડફો નહિ.તમે જે છો તેવા જ બની રહો.તમે વિશેષ છો અને તમારી પોતાની વિશેષતા કોઈના જેવા બનવામાં, કોઈની જેમ વર્તવામાં ગુમાવો નહિ.’ કલાકારે પોતાના જીવનના અનુભવના નિચોડમાંથી સુંદર ચાર વાતો સમજાવી.