ભારતીય સંસ્કૃતિ પરંપરાની આગવી ઓળખ જાળવી રાખવામાં ધર્મસ્થાનો, દેવસ્થાનો, મંદિરો આગવું સ્થાન ધરાવે છે. ભણેલ હોય કે અભણ, ગરીબ હોય કે મધ્યમ વર્ગીય હોય કે ધનવાન, લગભગ બધા જ હિન્દુ – ભારતીય નાગરિક ધાર્મિક સ્થાનોને અહોભાવથી પૂજનીય સમજી દેવદર્શન કરી યથાશક્તિ દાન-પુણ્ય કરવાની ખેવના રાખતા હોય છે. સામાન્યત: એવું જોવા મળે છે કે ભણેલા કરતાં અભણ અને ધનવાનો કરતાં ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો ધર્મ પ્રત્યે વધુ આસ્થા, શ્રદ્ધા ધરાવતાં હોય છે, જે કેટલીક વાર અંધશ્રદ્ધાનું સ્વરૂપ પણ ધારણ કરે છે. આવાં લોકોના દાન-ભેટ (એમની ધાર્મિકતા, શ્રદ્ધાને વંદન !) થી આપણા દેશનાં લગભગ મોટા ભાગનાં મંદિરો અઢળક ધન – સંપત્તિ અને સમૃદ્ધિ ધરાવે છે.
ઘણાં ધર્મસ્થાનો, દેવસ્થાનો, મંદિરો સમાજસેવા – માનવસેવાની અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે. જો કે ગણ્યાગાંઠયાં ધર્મસ્થાનકો નિઃશુલ્ક વિદ્યાદાન, આરોગ્યદાન, અન્ન – આહાર (પ્રસાદ) દાનને સંલગ્ન વિવિધ પ્રવૃત્તિઓ કરતાં જોવા મળે છે. જો અઢળક સંપત્તિ ધરાવતાં આવાં સ્થાનકો બિનશરતી અને નિઃસ્વાર્થપણે સરકાર દ્વારા મફત શિક્ષણ, આરોગ્ય અને દેશનાં ૮૦ કરોડ લોકોને મફત અનાજ પૂરું પાડવાના કાર્યમાં ૫૦ % પણ સહયોગ આપે તો સરકારનો વહીવટી, આર્થિક, સામાજિક જવાબદારીઓનો બોજો ઘટી શકે, સરકારનું દેવું થોડું ઓછું થાય ને આર્થિક રીતે સધ્ધર બને. આનાથી સરકારના જે સમય, શક્તિ અને નાણાંની બચત થાય એનો સદુપયોગ દેશના અન્ય પાયાનાં વિકાસકાર્યોમાં થઈ શકે. એટલું જ નહીં, ધર્મસ્થાનો અને એના સંચાલકોને પણ માનવ ધર્મ બજાવવાની તક મળી શકે.
સુરત – મિતેશ પારેખ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
શિયાળામાં શાકભાજી લાવો, કઠોળ બંધ રાખો
હાલમાં શિયાળાની સિઝન ચાલે છે. લીલા તથા તાજો શાકભાજી સારા સસ્તા મળે છે. એક વસ્તુ ધ્યાન રાખજો કે દક્ષિણ ગુજરાતમાં તેમાં પણ તાપી કિનારાના શાકભાજીનોસ્વાદ અનેરો હોય છે. જેવા કે પાપડી-વેંગણ, તુવેરની સીંગ, ભીંડા, ફલાવર, કોબીજ, લીલા વટાણા, ભાજી પાલાથી વાત કરીએ તો પાલક, ફુદીનો, લીલુ લસણ, કોથમીર વગેરે અનેક વેરાયટી મળે છે. હાલ પૂરતુ કઠોળ ખાવાનું બંધ રાખો. કારણ કે હાલમાં કઠોળના ભાવ આસમાને છે. તુવેરની દાળ કિલોના 170, બાસમતી ચોખા કિલોના 175, તેવી રીતે મગ, વાલ, અડદની દાળ, મગની દાળ વિગેરે કઠોળના ભાવો આસમાને છે. કેટલાક લોકો લીલા વટાણા, તુવેરની સીંગને છોલીને કોથળીમાં રાખી ફ્રીઝમાં મુકી દે છે અને આખુ વર્ષ ઉપયોગ કરે છે. ફ્રોઝન વસ્તુ ખાવુ કે નહીં ખાવુ એ તમારા પર છોડી દઉં છું.
સુરત – મહેશ આઇ. ડોકટર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.