Charchapatra

ધાર્મિકતા અને માનવતા

માનવસમાજમાં ફેલાયેલા દુ:ખદાયક અંધકારને સાચા જનસેવકો, આધ્યાત્મિક મહાપુરુષો, સાચા જ્ઞાની વિદ્વાનો, દાનેશ્વરીઓ દ્વારા સમયાંતરે યથાશક્ય દૂર થતો જોવાય છે. બિલીમોરામાં હાલમાં યોજાઈ ગયેલી જૈનસંઘ સત્સંગ સભામાં જૈન મુનિ પદ્મદર્શનજીએ ખૂબ જ જીવનોપયોગી, વિશ્વ કલ્યાણકારી વિચારો વ્યકત કર્યા છે, જે કાંઈક અંશે નફરતી રાજકારણીઓ, સ્વાર્થી ધાર્મિકતાના પ્રચારકોને ખૂંચે તેવા છે. તેમણે સત્યોચ્ચાર કરતાં જણાવ્યું છે કે માનવતાવિહોણી ધાર્મિકતા હાસ્યાસ્પદ લાગે છે. માનવતા વિનાનું જીવન પશુ સમાન છે. ધાર્મિકતા પણ દિલમાં માનવતાના દીવડા પ્રગટે ત્યારે જ શોભે છે. શ્રીમંતો સંપત્તિના ઢેરની વચ્ચે જલસા કરી રહ્યા છે.

એમના ઘરનાં ફલેટસના આલીશાન રીનોવેશન થતાં રહે છે. દિવાળીના દિવસોમાં માનવતાના દીવડા ઘેરઘેર પ્રગટાવવા જોઈએ. ભૂ્ખ્યાંને ભોજન, વસ્ત્રહીનોને વસ્ત્રદાન અને ફૂટપાથ ઉપર રૈનબસેરા કરનારાંઓને ઝૂંપડું બનાવી આપવું જોઈએ તે માનવતાનો ધર્મ છે. ધાર્મિકતા પણ ત્યારે શોભે છે, જ્યારે દિલમાં માનવતાના દીવડા પ્રગટે, જેના મકાનના કે ઝૂંપડાંનાં ઠેકાણાં નથી તેમનું શું થાય? એમનાં રોટી, કપડાં, મકાનનું શું? એ વિચારણામાં માનવતા મહેકે છે. જૈન મુનિના આવા ઉમદા વિચાર પર ચિંતન, મનન જરૂરી છે. ભારત જેવા દેશમાં આજે બ્યાંસી કરોડ ભારતીય જનોને પાંચ પાંચ કિલો અનાજનું મફત વિતરણ સરકાર દ્વારા થઈ રહ્યું છે ત્યારે સાચો દીપોત્સવ ત્યારે જ શક્ય છે કે જ્યારે માનવતાનો પ્રકાશ સર્વત્ર પથરાય.
ઝાંપાબજાર, સુરત         – યુસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top