ધર્મને નામે ફેલાતો ઉન્માદ ખરેખર રોકવા જેવો છે કારણ કે ખરા અર્થમાં ધર્મ એ વ્યક્તિની આંતરિક બાબત હોવી જોઈએ જ્યારે જ્યારે ધર્મને શેરી વચ્ચે કે બજારમાં લાવી મુકાય છે ત્યારે ત્યારે ધર્મના ધજાગરા ઉડતા દેખાય છે. કુંભમેળો, અમરનાથ યાત્રા કે હજ માટે સરકારી સુવિધા અપાઈ રહી છે. પરંતુ ધર્મનાં નામે સામાન્ય નાગરિકોનું જનજીવન ખોરંભે પાડે એવી પ્રવૃતિને સત્તાતંત્ર દ્વારા છાવરવામાં આવે તે ખરેખર ચિંતાજનક છે. ગણેશોત્સવમાં જાહેર રસ્તા પર ઊભા કરાતા પંડાલ હોય કે જાહેર રસ્તા પર ચણાયેલા મંદિર કે દેરી-દરગાહ હોય સામાન્ય જનજીવનને નડતર બનતા આવા બાંધકામો દૂર થવા જ જોઈએ.
પદયાત્રાનો વિશેષ મહિમા છે પરંતુ પદયાત્રાને નામે જાહેર માર્ગો પર હોબાળા કરવા અને ઉન્માદમય બની તોડફોડ કરવી એ ધર્મનું અવમૂલ્યન છે. અત્યારે પવિત્ર શ્રાવણ માસમાં કાવડયાત્રાનું મહાત્મ્ય છે પરંતુ આ કાવડધારીઓ આતંક મચાવે તે યોગ્ય નથી. પોલીસ પ્રસાશન દ્વારા કાવડધારીની પગચંપી કરાતી હોય એવા વીડિયો વાયરલ થઈ રહ્યાં છે, વળી એક વીડિયોમાં તો કાવડધારીઓ એક આર્મીમેનની ધોલધપાટ કરી રહ્યાં છે. આવા વીડિયો દ્વારા સમાજમાં કેવો સંદેશ પહોંચશે? એક બાજુ છાંગુરબાબા જેવાં કટ્ટર ધર્મસમર્થકો છે. વળી આ જ છાંગુરબાબા સત્તાધારી પક્ષના ચિહ્નોનો પોતાના લેટરપેડ પર ઉપયોગ કરતા હોય આ વિશે શું સમજવું? ખરેખર તો ભારત દેશને વિશ્વગુરુ બનાવવાની દિશામાં આ બધા અવરોધો છે.
કીમ, સુરત – પ્રકાશ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.