ઉત્તર પ્રદેશના મદરેસાઓમાં ભણતા લાખો વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના એ નિર્ણયને રદ્દ કરી દીધો છે, જેમાં કોર્ટે મદરેસા એક્ટને બંધારણ વિરુદ્ધ જાહેર કર્યો હતો. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે તમામ મદરેસાઓ ધોરણ 12 સુધી પ્રમાણપત્રો આપી શકશે પરંતુ મદરેસાઓ પાસે તે સિવાયના શિક્ષણ માટે પ્રમાણપત્રો આપવાની સત્તા નથી.
આનો અર્થ એ થયો કે યુપી મદ્રેસા બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત મદરેસા વિદ્યાર્થીઓને કામિલ અને ફાઝિલ ડિગ્રી આપી શકશે નહીં કારણ કે તે યુજીસી એક્ટની વિરુદ્ધ હશે. તેનો મતલબ એ કે ઉત્તર પ્રદેશમાં મદરેસાઓ ચાલુ રહેશે અને રાજ્ય સરકાર શિક્ષણના ધોરણોનું નિયમન કરશે.
મદરેસા બોર્ડ ‘કામિલ’ નામથી અંડરગ્રેજ્યુએટ ડિગ્રી અને ‘ફાઝિલ’ નામથી અનુસ્નાતકની ડિગ્રી આપે છે. આ અંતર્ગત ડિપ્લોમા પણ કરવામાં આવે છે, જેને ‘કારી’ કહેવામાં આવે છે. બોર્ડ દર વર્ષે મુનશી, મૌલવી (10મા વર્ગ) અને આલીમ (12મા ધોરણ)ની પરીક્ષાઓ પણ આયોજિત કરે છે.
16 હજાર મદરેસાઓને રાહત
મદરેસા એક્ટ પર આ નિર્ણય ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે આપ્યો છે. બેન્ચે કહ્યું કે હાઈકોર્ટનો નિર્ણય યોગ્ય નથી. આ સાથે સુપ્રીમ કોર્ટની બેન્ચે મદરસા એક્ટને પણ યોગ્ય ઠેરવ્યો છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી ઉત્તર પ્રદેશની 16 હજાર મદરેસાઓને રાહત મળી છે.
મતલબ કે હવે ઉત્તર પ્રદેશની અંદર મદરેસાઓ ચાલુ રહેશે. રાજ્યમાં કુલ મદરેસાઓની સંખ્યા 23,500 આસપાસ છે. તેમાંથી 16,513 મદરેસાઓ માન્ય છે. તેનો અર્થ એ કે તે બધા નોંધાયેલા છે. આ સિવાય લગભગ 8000 મદરેસાઓ માન્યતા વગરની છે. આવા 560 માન્ય મદરેસા છે જે સહાયિત છે. એટલે કે 560 મદરેસા સરકારી પૈસાથી ચાલે છે.
તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે 22 ઓક્ટોબરે સુનાવણી પૂર્ણ કર્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. જો કે, સુનાવણી દરમિયાન સીજેઆઈ એ કહ્યું કે ફાઝિલ અને કામિલ હેઠળ ડિગ્રી આપવી એ રાજ્યના દાયરામાં નથી. આ યુજીસી એક્ટની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે.
હાઈકોર્ટે કાયદો કેમ રદ કર્યો હતો?
અંશુમાન સિંહ રાઠોડ નામના વ્યક્તિએ મદરેસા બોર્ડ એક્ટ વિરુદ્ધ અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી. રાઠોડે આ કાયદાની બંધારણીય માન્યતાને પડકારી હતી. હાઇકોર્ટે 22 માર્ચે આ અંગે પોતાનો ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે, ‘યુપી બોર્ડ ઓફ મદરેસા એજ્યુકેશન એક્ટ 2004 ગેરબંધારણીય છે અને ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે.’ આ સાથે રાજ્ય સરકારને મદરેસામાં ભણતા બાળકોને સામાન્ય શાળાકીય પ્રણાલીમાં સામેલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું હતું કે, ‘મદ્રેસા એક્ટ 2004 એ ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતનું ઉલ્લંઘન છે, જે ભારતના બંધારણના મૂળભૂત માળખાનો એક ભાગ છે.’ કોર્ટે એમ પણ કહ્યું હતું કે સરકાર પાસે ધાર્મિક શિક્ષણ માટે બોર્ડ બનાવવાની અથવા કોઈ વિશેષ ધર્મ માટે શાળા શિક્ષણ માટે બોર્ડ બનાવવાની સત્તા નથી.