SURAT

હોટલ સંચાલકોને રાહત, સરકારે લાયસન્સ રિન્યુઅલના નિયમમાં કર્યો આવો ફેરફાર

સુરત(Surat) : સરકારે હોટલ રેસ્ટોરન્ટના માલિકોને દિવાળીની ભેંટ આપી છે. સરકારે હોટલ રેસ્ટોરન્ટના લાયસન્સના રિન્યુઅલના નિયમમાં ફરી એકવાર ફેરફાર કર્યો છે. જેના પગલે હોટલ સંચાલકો પરથી બિનજરૂરી ભારણ દૂર થયું છે.

હોટલ(Hotel) , રેસ્ટોરન્ટ (Restaurant) અને ફૂડ બિઝનેસ (Food Business) સાથે સંકળાયેલ વેપારીઓને ફૂડ સેફ્ટી લાયસન્સ (FSSAI) લેવું પડતું હોય છે. આ લાયસન્સ અગાઉ 1 થી 5 વર્ષ માટેની ફી ભરી રિન્યુ કરાવી શકાતું હતું પરંતુ 1 જાન્યુઆરી 2023 થી સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું કે હવે આ લાયસન્સ દર વર્ષે રિન્યુ કરાવવું પડશે અને આ લાયસન્સની રિન્યુ તારીખના પહેલા 6 મહિનાથી એની પ્રોસેસ કરી શકાય.

સરકારની આ જાહેરાતથી હોટલ, રેસ્ટોરન્ટ અને ફૂડ બિઝનેસ સાથે સંકળાયેલ વેપારીઓને માટે આ વસ્તુ ઘણી જ અઘરી અને કંટાળાજનક બની ગઈ હતી. કારણકે ફૂડ સેફટી લાયસન્સની પ્રોસેસ થોડી લાંબી અને અટપટી હોય છે અને વેપારીએ દર 6 મહિના પછી રિન્યુ કરવા દોડધામ કરવી પડે છે.

આ બાબતે સઘર્ન ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન દ્વારા ગુજરાત રાજ્ય હોટલ ફેડરેશન, વેસ્ટર્ન ઈન્ડીયા હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન અને ગુજરાતના અન્ય એસોસિયેશન સાથે સંયુકત રજુઆત કરવામાં આવી હતી એના ફળ સ્વરૂપે સરકાર દ્વારા દિવાળીની ભેટ રૂપે ફરીથી ફૂડ સેફટી લાયસન્સની રિન્યુ માટે પાંચ વર્ષની મુદત કરવામાં આવી છે.

હોટલ, રેસ્ટોરન્ટ અને ફૂડ બિઝનેસ સાથે સંકળાયેલ વેપારીઓને માટે દિવાળીના તહેવાર સમયે જ એક મોટી રાહતના સમાચાર છે. સઘર્ન ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશનના પ્રેસિન્ટ અરૂણ શેટ્ટી અને વાઈસ પ્રેસિડન્ટ સનત રેલિયા દ્વારા સરકારના આ પગલાંને ખુશીથી વધાવી લેવામાં આવ્યો છે.

Most Popular

To Top