Columns

ઇઝરાયલની ક્રૂરતાને કારણે ગાઝાનાં લોકોને રાહતસામગ્રી પહોંચાડી શકાતી નથી

ગાઝાપટ્ટીમાં ક્રૂરતાપૂર્વક નરસંહાર કરી રહેલા ઇઝરાયલે હવે યુદ્ધગ્રસ્ત નાગરિકો માટે પહોંચાડવામાં આવતી રાહતસામગ્રીને પણ પોતાનું નિશાન બનાવી છે. ઇઝરાયેલી સૈન્યે વિવિધ દેશોના રાહત પુરવઠાનું વહન કરતાં જહાજ ગ્લોબલ સુમુદ ફ્લોટિલાને સમુદ્રની મધ્યમાં અટકાવી દીધું છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ગાઝામાં માનવતાવાદી કટોકટી સતત વધી રહી છે.

આ બોટમાં સ્વીડિશ પર્યાવરણીય કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ સહિત વિવિધ દેશોનાં કાર્યકરો સવાર હતાં. ઇઝરાયલે તેમને અને અન્ય કાર્યકરોને અટકાયતમાં લીધાં હતાં.આ ઘટના એવા સમયે બની છે જ્યારે ગાઝામાં પરિસ્થિતિ અત્યંત ભયાનક છે. સંયુક્ત રાષ્ટ્રે પણ ચેતવણી આપી છે કે ગાઝામાં ભૂખમરો અને કુપોષણ ઝડપથી વધી રહ્યાં છે.ફ્લોટિલાનો હેતુ ગાઝા પર ઇઝરાયલી નૌકાદળની નાકાબંધીને પડકારવાનો અને ખોરાક, પાણી અને દવા સહિત સહાય પહોંચાડવાનો હતો.

ગ્લોબલ સુમુદ ફ્લોટિલા એ અત્યાર સુધીનું સૌથી મોટું દરિયાઈ માનવતાવાદી ઓપરેશન છે. તે ૩૧ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ સ્પેનથી રવાના થયું હતું, જે રસ્તામાં ઇટાલી, ગ્રીસ અને ટ્યુનિશિયાનાં બંદરો પર રોકાયું હતું. શરૂઆતમાં આ મિશનમાં ૫૦ થી વધુ બોટ અને ૪૪ દેશોનાં કાર્યકરો, સંસદસભ્યો અને સામાજિક કાર્યકરોનો સમાવેશ થતો હતો.વહાણોમાં ૫૦૦ થી વધુ લોકો હતાં, જેમાં ગ્રેટા થનબર્ગ, નેલ્સન મંડેલાના પૌત્ર અને ઘણા ઇટાલિયન સંસદસભ્યોનો સમાવેશ થાય છે. અમેરિકાનાં ચોવીસ કાર્યકરો અને લશ્કરી નિવૃત્ત સૈનિકો પણ ફ્લોટિલામાં હતાં.

મુસાફરી દરમિયાન બોટોને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. કાર્યકરોએ માલ્ટા અને ક્રેટ નજીક કેટલાંક જહાજો પર ડ્રોન હુમલાઓનો આરોપ લગાવ્યો હતો, જેના કારણે ઘણાને નુકસાન થયું હતું અને તેમને પાછા ફરવાની ફરજ પડી હતી. આ છતાં, લગભગ ૪૪ જહાજો પૂર્વીય ભૂમધ્ય સમુદ્ર સુધી પહોંચવામાં સફળ રહ્યાં હતાં. સ્પેન અને ઇટાલીએ ફ્લોટિલા પર નજર રાખવા માટે યુદ્ધજહાજો તૈનાત કર્યાં હતાં.બુધવારે સાંજે ઇઝરાયલી નૌકાદળે ફ્લોટિલાને લગભગ ૧૩૦ કિલોમીટર દૂર દરિયાકિનારે ઘેરી લીધો હતો. ઇઝરાયલી જહાજોએ ફ્લેશલાઇટ અને પાણીની તોપોનો ઉપયોગ કર્યો હતો અને પછી જહાજો પર ચઢીને રાહતસામગ્રીનો કબજો લીધો હતો.

ગાઝા પર ઇઝરાયલી નાકાબંધી ૨૦૦૭ થી ચાલુ છે, જ્યારે હમાસે ત્યાં સત્તા સંભાળી હતી. ઓક્ટોબર ૨૦૨૩ માં હમાસના હુમલા અને ત્યાર બાદના યુદ્ધ પછી આ નાકાબંધી વધુ કડક કરવામાં આવી હતી. ઇઝરાયલ દાવો કરે છે કે ફ્લોટિલા હમાસ સાથે જોડાયેલું છે અને ઇઝરાયલની સુરક્ષા માટે ખતરો છે. જો કે, ફ્લોટિલાના આયોજકોનું કહેવું છે કે તે એક સંપૂર્ણ માનવતાવાદી પહેલ છે, જેનો હેતુ ફક્ત ગાઝાનાં લોકોને રાહત પુરવઠો પહોંચાડવાનો છે.ગાઝામાં ઇઝરાયલી હુમલાઓમાં ૬૬,૦૦૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેઓ જીવતાં છે તેઓ અનાજના દાણા માટે ટળવળી રહ્યાં છે અને ભૂખમરાનો શિકાર બન્યાં છે. દરમિયાન, દુષ્કાળ અને રોગચાળા જેવી પરિસ્થિતિએ આ પ્રદેશમાં માનવતાવાદી કટોકટી ઊભી કરી છે. વિશ્વભરમાંથી સહાય લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ ઇઝરાયલ તેને અવરોધી રહ્યું છે.

સમુદ્રમાં ઇઝરાયલી નૌકાદળની કાર્યવાહીનું ઇન્ટરનેટ મિડિયા દ્વારા વિશ્વભરમાં જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. ઇઝરાયલી સૈનિકો હેલ્મેટ અને નાઇટ-વિઝન ગોગલ્સ પહેરીને ખાદ્ય પુરવઠો વહન કરતાં જહાજોનો રસ્તો રોકતા જોવા મળે છે.ઇઝરાયલી વિદેશ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા એક વિડિયોમાં ૨૨ વર્ષીય ગ્રેટા થનબર્ગને જહાજના ડેક પર ઇઝરાયલી સૈનિકો દ્વારા ઘેરાયેલી બતાવવામાં આવી છે. અટકાયતના ડરથી ગ્રેટાએ તૈયાર કરેલા વિડિયો નિવેદનમાં કહ્યું કે ઇઝરાયલી દળો દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેની ઇચ્છા વિરુદ્ધ તેને અજાણ્યા સ્થળે લઈ જવામાં આવી રહી હતી.

ગાઝા જનારાં જહાજોને ઇઝરાયેલી યુદ્ધજહાજો દ્વારા ઘેરી લેવામાં આવ્યાં હતાં અને તેમને ઇઝરાયેલી બંદર અશ્દોદ લઈ જવામાં આવ્યાં છે. બુધવારની રાત્રે ફ્લોટિલા જૂથ પર ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલાને પગલે વિશ્વભરમાં ભારે વિરોધ પ્રદર્શનો શરૂ થયાં છે. ગ્લોબલ સુમુદ ફ્લોટિલા પર હુમલો અને કબજે કરવાના સમાચાર આવતાંની સાથે જ હજારો લોકો તુર્કીના રસ્તાઓ પર ઊતરી આવ્યાં અને તેમણે ઇઝરાયલ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તુર્કીને પગલે બેલ્જિયમના રસ્તાઓ પર પણ લોકોએ દેખાવો કર્યા હતા. પ્રદર્શનકારીઓએ પેલેસ્ટાઇન અને ગ્લોબલ સુમુદ ફ્લોટિલાના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા અને ગ્લોબલ સુમુદ ફ્લોટિલાના ઇઝરાયલી હુમલાનો વિરોધ કર્યો હતો.

ટ્યુનિશિયામાં પણ ઇઝરાયલ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થયાં હતાં. ઇઝરાયલી સૈન્ય દ્વારા ગ્લોબલ સુમુદ ફ્લોટિલાના કબજા પર ટ્યુનિશિયનોએ ગુસ્સો વ્યક્ત કર્યો. તાજેતરમાં ટ્યુનિશિયામાં ગ્લોબલ સુમુદ ફ્લોટિલા જૂથની એક બોટ પર પણ ઇઝરાયલી ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.દરમિયાન, ગ્લોબલ સુમુદ ફ્લોટિલા સામે ઇઝરાયલી સૈન્યની કાર્યવાહીથી ગુસ્સે ભરાયેલાં ફ્રેન્ચ લોકોએ પણ વિરોધ કર્યો. ફ્રાન્સ હંમેશા ઇઝરાયલની સાથે ઊભું રહ્યું છે. જો કે, છેલ્લાં બે વર્ષમાં ગાઝામાં ઇઝરાયલી નરસંહાર બાદ ફ્રેન્ચ લોકો ઇઝરાયલની વિરુદ્ધ થઈ ગયાં છે.

ગાઝા પર મધ્ય પૂર્વમાં ચાલી રહેલાં વિરોધ પ્રદર્શનોએ ઇટાલીનાં વડાં પ્રધાન જ્યોર્જિયા મેલોનીના તણાવમાં વધારો કર્યો છે.ઇટાલિયન સંગઠનોએ ગાઝા તરફ જનારાં માનવતાવાદી જહાજોને રોકવાના ઇઝરાયલના નિર્ણયની નિંદા કરી છે અને દેશભરમાં હડતાળ અને વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે.આ ફ્લોટિલામાં ૧૫-૨૦ ઇટાલિયન સામાજિક કાર્યકરો પણ હતા. ઇટાલીએ શરૂઆતમાં આ કાર્યકરોની સુરક્ષા માટે એક જહાજ મોકલવાનું નક્કી કર્યું હતું, પરંતુ છેલ્લી ક્ષણે, જ્યોર્જિયો મેલોનીની સરકારે જહાજને પાછું બોલાવી લીધું.

ઇટાલિયન સામાજિક સંગઠનોનું કહેવું છે કે સરકાર તેના કાર્યકરોની સલામતીની ચિંતા કરતી નથી.ઇટાલીમાં ડાબેરી રાજકારણ પ્રબળ છે. મોટા ભાગના ડાબેરીઓ ઇઝરાયલ વિરુદ્ધ પેલેસ્ટાઇન સંઘર્ષમાં પેલેસ્ટાઇનને ટેકો આપે છે. તેઓ ગાઝા પર ઇઝરાયલી હુમલાને અમાનવીય ગણાવીને તેની નિંદા કરે છે. પરિણામે, ફ્લોટિલાને જે રીતે અવરોધિત કરવામાં આવ્યો છે તેનાથી ડાબેરી સંગઠનો ગુસ્સે ભરાયાં છે.ઇટાલિયન સરકારે ગાઝા મુદ્દા પર કોઈ વલણ અપનાવ્યું નથી.ઇટાલીએ પણ બે-રાજ્ય ઉકેલ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી. જ્યોર્જિયા મેલોની સમગ્ર મુદ્દા પર અમેરિકા તરફ જોઈ રહી છે, જેની ડાબેરી વલણ ધરાવતા ઇટાલિયનો દ્વારા ટીકા કરવામાં આવી રહી છે.

ઇઝરાયલી દળોએ બુધવારે રાત્રે અને ગુરુવારે ગાઝાપટ્ટીમાં અનેક હવાઈ હુમલા કર્યા હતા, જેમાં ઓછામાં ઓછા ૪૧ પેલેસ્ટિનિયનોનાં મોત થયાં હતાં. હોસ્પિટલોએ દક્ષિણ ગાઝામાં ૨૭, મધ્ય ગાઝામાં ૧૩ અને ગાઝા શહેરમાં એકના મોતની જાણ કરી છે. દરમિયાન, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધનો અંત લાવવા માટે શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે હમાસે તેનાં બાકીનાં બંધકોને મુક્ત કરવાં જોઈએ, તેનાં શસ્ત્રો સોંપવાં જોઈએ અને સત્તા છોડી દેવી જોઈએ. બદલામાં, ઇઝરાયલ યુદ્ધ બંધ કરશે અને પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. હમાસે કહ્યું છે કે કેટલાક મુદ્દા અસ્વીકાર્ય છે અને તેના પર ચર્ચાની જરૂર છે.

ગાઝા તરફ જઈ રહેલા ગ્લોબલ સુમુદ કાફલાએ એક નવો વિવાદ ઊભો કર્યો છે. ઇઝરાયલે કહ્યું છે કે તેના સૈનિકોએ ગાઝામાં એવા દસ્તાવેજો મેળવ્યા છે જે પહેલી વાર સાબિત કરે છે કે હમાસે વિશાળ કાફલાના આયોજન અને ભંડોળમાં સીધી ભૂમિકા ભજવી હતી. ઇઝરાયલી વિદેશ મંત્રાલયે દાવો કર્યો છે કે ગાઝામાંથી મળી આવેલા દસ્તાવેજો હમાસના પેલેસ્ટિનિયન કોન્ફરન્સ ફોર પેલેસ્ટિનિયન્સ (PCPA) સાથે સીધા સંબંધો દર્શાવે છે. PCPA ની સ્થાપના ૨૦૧૮ માં કરવામાં આવી હતી અને ૨૦૨૧ માં ઇઝરાયલ દ્વારા પ્રતિબંધિત સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું. ફ્લોટિલાના આયોજકોએ આ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. તેઓ માને છે કે સમગ્ર કામગીરી માનવતાવાદી હતી, જેમાં જહાજો ફક્ત ખોરાક અને દવા લઈ જતાં હતાં.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top