Health

રાહતના સમાચાર: કોરોનાની દવા લોન્ચ થઈ, 5 દિવસનો કોર્સ હશે, જાણો કેટલાં રૂપિયામાં અને ક્યાંથી ખરીદી શકશો?

નવી દિલ્હી: દેશમાં ફરી એકવાર કોરોના (corona) સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. પાછલા એક મહિનામાં ઓમિક્રોનના (Omicron) 1700 થી વધુ દર્દીઓ (Patient) દેશમાં મળી આવ્યા છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકોના મનમાં ફરી એકવાર ડર ઉભો થયો છે. ત્યારે એક રાહતના સમાચાર આવ્યા છે. કોરોનાની દવા બનાવી દેવાઈ છે. સોમવારે ભારતમાં કોરોનાની આ દવા લોન્ચ કરવામાં આવી છે. તેનું નામ મોલનુપીરાવીર છે. તેને ઈમરજન્સી મંજૂરી મળી છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) દ્વારા મોલનુપીરાવીર ઉપરાંત કોવોવેક્સ અને કોર્બેવેક્સને પણ મંજૂરી આપવામાં આવી છે.

મોલનુપીરાવીર ગોળીનો ઉપયોગ કોવિડ-19થી સંક્રમિત દર્દીઓની સારવારમાં કરવામાં આવે છે. દર્દીઓ તેને સરળતાથી લઈ શકે છે. આ ગોળી શરીરમાં વાયરસને (Virus) ફેલાતો અટકાવે છે અને ઝડપથી સાજા થવામાં મદદ કરે છે. જે વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો હોય તે દર્દીએ 12 કલાકની અંદર મોલનુપીરાવરની (Molnupiravar) 4 ગોળીઓ લેવાની રહે છે. મોલનુપીરાવીર ગોળીઓનો 5 દિવસનો કોર્સ છે. 5 દિવસના કોર્સ સાથે મોલનુપીરાવીરની ગોળીઓ કુલ રૂ.1399 મળે છે.

મેનકાઇન્ડ ફાર્માના (Mankind Pharma) ચેરમેન આરસી જુનેજાએ કહ્યું કે આ દવા અત્યાર સુધીની સૌથી સસ્તી એન્ટિવાયરલ દવા છે, જેની એક ટેબ્લેટ 35 રૂપિયામાં અને 5 દિવસનો કોર્સ 1399 રૂપિયામાં મળે છે. એવું માનવામાં આવે છે કે, મોલનુપીરાવીરની ગોળીઓ બજારમાં સરળતાથી ઉપલબ્ધ થશે. વાસ્તવમાં, તેને મેડિકલ સ્ટોર્સ પર વેચવાની ભલામણ કરવામાં આવી છે. જોકે, દુકાનદારોને કેટલીક સૂચનાઓ પણ આપી શકાય છે. આ દવાનો ઉપયોગ એવા દર્દીઓ માટે કરવામાં આવશે જે ગંભીર કોરોનાનો શિકાર છે અને હોસ્પિટલમાં દાખલ છે. મેડિકલ સ્ટોર પર મળતી મોલનુપીરાવીરને ખરીદવા માટે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જરૂરી છે. કારણ કે, કેન્દ્ર સરકારે મોલનુપીરાવીરના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે, જેનો સ્પષ્ટ અર્થ છે કે તેને વેચાણ માટે નિયંત્રિત કરી શકાય છે.

નિષ્ણાતો કહે છે કે, આરએનએ મિકેનિઝમ દ્વારા કોરોના વાયરસ આપણા શરીરમાં પ્રવેશે છે અને ચેપ ફેલાવે છે. મોલનુપીરાવીર ગોળીઓ RNA મિકેનિઝમની સારવાર કરે છે અને તેની ગોળીઓ શરીરમાં વાયરસને ફેલાતા અટકાવે છે. જ્યારે દવાની અસર શરૂ થાય છે અને વાયરસ નબળો પડે છે, ત્યારે દર્દીની સ્થિતિ સામાન્ય થઈ જાય છે. તે ગંભીર ચેપથી બચી જાય છે.

તમને જણાવી દઈએ કે, મોલનુપીરાવીરને ઈન્ફલ્યુએન્ઝાની સારવાર માટે એમોરી યુનિવર્સિટી, જ્યોર્જિયા, યુએસએ ખાતે વિકસાવવામાં આવી હતી. જેને નવેમ્બર 2021માં યુનાઇટેડ કિંગ્ડમ દ્વારા અને ડિસેમ્બર 2021માં યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા માન્યતા આપવામાં આવી હતી. ભારતમાં 28 ડિસેમ્બરે, ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DGCI) એ કટોકટીના ઉપયોગ માટે માન્યતા આપી હતી. તેને સોમવારે ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાના જણાવ્યા અનુસાર, ભારતમાં લગભગ 13 ફાર્માસ્યુટિકલ કંપનીઓ મોલનુપીરાવીર બનાવશે. આ કંપનીઓમાં Dr Reddy’s Laboratories, Natco Pharma, Cipla, Strides, Hetero અને Optimus Pharma Pvt Ltdનો સમાવેશ થાય છે. મોલાનુપીરાવીરનો સૌપ્રથમ ઉપયોગ ઈન્ફલ્યુએન્ઝાની સારવાર માટે કરવામાં આવ્યો હતો. ભારતમાં દવાનું ઉત્પાદન કરતી 13 ફાર્મા કંપનીઓમાંથી એક મેનકાઇન્ડ દ્વારા કહેવામાં આવ્યું છે કે મોલનુપીરાવીર કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટ સામે પણ અસરકારક છે.

Most Popular

To Top