આ વાતનો પ્રારંભ લગભગ સો વર્ષ પહેલાં થયો. હજી ભારતમાં ગોરા બ્રિટિશરોનું રાજ હતું. સો વર્ષ પહેલાંનું અમદાવાદ આટલું મોટું નહોતું પણ સમૃદ્ધ હતું. અમદાવાદની પ્રજા માત્ર પૈસાથી જ નહીં પણ મનથી પણ ધનિક હતી. કદાચ એટલે પેટની ભૂખ ભાંગવા માટે અમદાવાદમાં આવી ચઢેલા મગનને કોઈ પણ પ્રકારની ઓળખાણ વગર કાલુપુર ટાવર પાસે આવેલી ખિસકોલા પોળમાં રહેતા શેઠ મોહંમદ હબીબ દારૂવાળાએ નોકરીએ રાખી લીધો હતો. મગન હિન્દુ હતો પણ શેઠ મોહંમદ હબીબે તેનો ધર્મ પૂછ્યો નહોતો કારણ કે મગનની ભૂખનો કોઈ ધર્મ નહોતો. મગન ખૂબ નાનો હતો. કદાચ ત્યારે તેની ઉંમર માંડ દસ વર્ષની હતી.
નાનકડા મગનને ખાસ કંઈ મોટું કામ કરવાનું નહોતું. તેની જવાબદારી શેઠની ઘોડાગાડીની સંભાળ રાખવાની. તે જમાનામાં ઘોડાગાડી મોટા શેઠ લોકો જ રાખી શકતા હતા. શેઠ મોહંમદ હબીબ અને તેમની પત્ની સલમાબીબીને મગન આપા કહીને બોલાવતો હતો. થોડા દિવસમાં મગન શેઠના ઘરમાં એવો ભળી ગયો કે કોઈ બહારની વ્યક્તિને ખબર જ ના પડે કે મગન આ ઘરનો સભ્ય નથી. શેઠનાં બાળકોની પણ તે સંભાળ રાખતો હતો. શેઠનાં બાળકોમાં ચાર દીકરીઓ ઉપરાંત એક પુત્ર હતો. તેનું નામ શકીલ. તેના ઉપર મગનને વિશેષ લગાવ હતો. શેઠની પુત્રીઓને પણ જાણે સગો મોટો ભાઈ હોય તેમ ભાતૃભાવે તેમની પણ સંભાળ રાખતો હતો.
મગન કોણ છે, તે જાતે કેવો છે, તેનું વતન કયું છે વગેરે અનેક પ્રશ્નો અનુત્તર હતા. તે અંગે મગનને પૂછો તો તે પણ માત્ર હસતો હતો અને વધારે પૂછો તો સામે સવાલ કરતો કે, “મગન છું એટલું પૂરતું નથી? આમ તેણે ક્યારેય પોતાના વિશે કોઈ વાત કરી જ નહીં. સમયના ચક્રની ગતિ એકસરખી હોય છે અને ખરાબ સમયની ગતિ ધીમી હોય છે. અચાનક શેઠ મોહંમદ હબીબના ધંધામાં મંદી આવી. શેઠ માટે પોતાના પરિવારના ગુજરાનની વ્યવસ્થા કરવી મુશ્કેલ હતી ત્યારે મગન સહિત તેમને ત્યાં નોકરી કરતા નોકરોને પગાર કેવી રીતે ચૂકવવો તે એક સમસ્યા હતી. જેના કારણે મગનને બાદ કરતાં બાકીના નોકરો નોકરી છોડી જતા રહ્યા પણ મગન ના ગયો કારણ કે તેને મન શેઠ અને તેના પરિવારનું કામ કરવું તે નોકરી નહોતી. કદાચ તેને મન તે કામ પૂજા કરતાં પણ મોટું હતું.
શેઠના ખરાબ દિવસોમાં પણ મગન તેમની સાથે પહેલાંની જેમ જ રહ્યો. આમ પણ તે જ્યારે નોકરી માટે આવ્યો ત્યારે શેઠના ઘરે જ રહેતો અને જમતો હતો. પોતાના દિવસો સારા નહોતા પણ મગન જે રીતે પોતાનાં બાળકો સાથે હળીમળી ગયો હતો તે જોઈ શેઠ પણ તેને જવાનું કહી શક્યા નહીં. મગન ભલે નોકર બની આવ્યો હતો પણ તેની પાસે એક સમજ હતી. તેણે ખિસકોલા પોળની સામે આવેલી ઉષા મશીનની દુકાનમાં નોકરી શરૂ કરી. સવારે શેઠના ઘરનું કામ પતાવી તે સિલાઈ મશીનો પહોંચાડવાનું કામ કરતો હતો. આખો દિવસ કાળી મજૂરી કરી કમાયેલા પૈસા જ્યારે તેના હાથમાં આવતા ત્યારે તે ખૂબ ખુશ થતો કારણ કે તે સવારે જ નક્કી કરી લેતો કે તેની આજની આવકમાંથી તે શું કરશે.
સાંજે તેના હાથમાં પૈસા આવે એટલે શેઠનાં બાળકો માટે રોજ અલગ અલગ ખાવાની વસ્તુ લઈ આવતો હતો. શેઠનાં બાળકો પણ તેની આતુરતાપૂર્વક રાહ જોતાં હતાં. જો કે શેઠ અને આપા તેને સમજાવતાં કે મગન પોતે કમાયેલા પૈસા બચાવ. પણ તે કહેતો, “આ મારાં જ બાળકો છે ને. શેઠ અને આપા પણ તેની સામે કોઈ દલીલ કરી શકતાં નહીં પણ તેની એટલી જ સંભાળ રાખતાં હતાં. સવારે નોકરીએ જતો મગન દિવસે તો બહાર જમી લેતો પણ સાંજે આપાના હાથે બનાવેલું જ ભોજન જમતો હતો અને રાત્રે તેમના ઘરે સૂઈ જતો હતો.
મગન ભૂલી ગયો હતો કે તે હિન્દુ છે અને શેઠને પણ યાદ નહોતું કે તે પોતે મુસ્લિમ છે. તેના કારણે જ દિવાળીના દિવસોમાં મગન મીઠાઈ લાવે ત્યારે બધાં ખુશીથી મીઠાઈ ખાતાં અને ઈદ હોય ત્યારે મગન પણ નવાં કપડાં પહેરી તૈયાર થઈ જતો હતો. શેઠની દીકરીઓના નિકાહમાં પણ મગન ઉત્સાહભેર કામ કરતો હતો, જાણે તે પોતાની દીકરીને-બહેનને પરણાવી રહ્યો હોય. સાસરે ગયેલી પુત્રીના ઘરે જ્યારે ઘોડિયાં બંધાયાં ત્યારે પણ મગન એટલો ખુશ હતો અને તેમના ઘરે જન્મેલાં બાળકોને પણ તેડી ફરતો હતો. મગને પોતાની જિંદગીનો મોટો હિસ્સો ખિસકોલા પોળમાં પસાર કર્યો તેને પોળમાં પણ બધા સારી પેઠે ઓળખતા હતા. શહેરમાં અનેક કોમી તોફાનો થયાં પણ મુસ્લિમ બહુમતી ધરાવતી પોળમાં પણ તે બિન્દાસ ફરતો હતો કારણ કે જે પોતાને ઓળખે છે તેને બીજાનો ડર લાગતો નથી.
દસ વર્ષની ઉંમરે મોહંમદ હબીબના ઘરે આવી ગયેલો મગન કયારેય તેમને છોડી ગયો નહીં. પોતાના ઘરે પણ નહીં કારણ કે શેઠ-આપા અને તેમનાં બાળકો જ તેની દુનિયા હતાં. તેમની વચ્ચે લોહીનો કોઈ સંબંધ નહોતો છતાં કોઈ અજાણ્યા સંબંધે તેમને જકડી રાખ્યાં હતાં. કદાચ આટલું તો કોઈ પોતાના માટે પણ કરે નહીં. મગનની એકમાત્ર ઈચ્છા હતી – શેઠના પુત્ર શકીલના લગ્ન થાય તે જોવાની. જયારે એજાઝબાનુ સાથે શકીલના લગ્ન લેવાનું નક્કી થયું ત્યારે મગન એટલો ઉત્સાહિત થયો હતો કે કોઈની પણ જાણ બહાર શકીલની થનાર પત્ની એજાઝબાનુના ઘરે મીઠાઈ આપી આવ્યો હતો. શકીલના લગ્નની વાત ચાલતી હતી ત્યારે જાણે પોતાના દીકરાના લગ્ન લેવાના હોય તેટલો ખુશ હતો.
શકીલ પણ મગનને સમજી શકતો હતો કારણ કે શકીલને ખબર હતી કે મગન તેને પ્રેમ કરે છે. જિંદગીના સાત દસકા વટાવી ચૂકેલો મગન શરીરે વૃદ્ધ થઈ ગયો હતો. ચામડી ઉપર કરચલીઓ પડી ગઈ હતી. હૃદયના ધબકારા પણ સાથ આપતા નહોતા. પહેલી વખત મગન કુદરત પાસે કંઈક માંગી રહ્યો હતો અને તે હતો સમય કારણ કે તેને શકીલના લગ્ન જોવા હતા. મગનને શ્વાસ ચડી જતો હતો એટલે શકીલ ખુદ મગનને ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટરે વિવિધ ટેસ્ટ કરાવવાની સૂચના આપી એટલે એકસ-રે સહિત ટેસ્ટ કરાવી શકીલ મગનને લઈ ઘરે આવ્યો પણ જયારે ટેસ્ટના રિપોર્ટ આવ્યા ત્યારે ડૉક્ટરે મગનને હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપતાં મગને સ્પષ્ટ ના પાડી દીધી હતી.
તે દિવસ તા.14મી માર્ચ 1977નો હતો. શકીલના આગ્રહ સામે મગનનું કંઈ ચાલ્યું નહીં. આખરે મગન હોસ્પિટલમાં જવા તૈયાર તો થયો પણ જતાં પહેલાં તેણે શકીલ પાસે પીવા માટે પાણી માગ્યું હતું. શકીલ પાણીનો પ્યાલો લઈ આવ્યો અને પથારીમાં આડા પડેલા મગનની પીઠને પોતાના હાથનો ટેકો આપી અડધો બેઠો કર્યો અને મગનના મોઢે પાણીનો પ્યાલો માંડયો. મગને બે-ત્રણ ઘૂંટડા પાણી પીધું અને મગનની ડોક શકીલના ખભા ઉપર ઢળી પડી. મગનને મન શકીલના હાથે પીધેલું પાણી ગંગા કરતાં વધુ પવિત્ર હશે, કદાચ એટલે મગને શકીલના હાથમાં પોતાના પ્રાણનો ત્યાગ કર્યો.
શકીલ સહિત ઘરના તમામ સભ્યો ચોધાર આંસુએ રડતા હતા. જે તેમને ત્યાંથી જઈ રહ્યો હતો તેની સાથે તેમનો કોઈ સંબંધ નહોતો છતાં તેમને મન સર્વસ્વ હતો. આખી જિંદગી હિન્દુ તરીકે જીવનાર મગન હિન્દુ તરીકે જ વિદાય લેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો એટલે મગનને શકીલે પોતાના હાથે સ્નાન કરાવ્યું. તેના મોઢામાં તુલસી મૂકી, તમામ હિન્દુવિધિ પ્રમાણે મગનની અંતિમયાત્રા ખિસકોલા પોળમાંથી નીકળી અને સપ્તઋષિના આરે ખુદ શકીલે મગનને અગ્નિદાહ આપ્યો હતો તેમ જ ત્યાર પછીની તમામ વિધિઓ કરી હતી. મગન આજે આ દુનિયામાં નથી પરંતુ ઘણા લોકો પોતાના મૃત્યુ પછી પણ જીવી જતા હોય છે. મગન આજે પણ શકીલ અહેમદના પરિવારમાં જીવે છે કારણ કે ફરિસ્તાઓનું ક્યારેય મૃત્યુ થતું નથી.