Charchapatra

માતૃભૂમિ સાથેનો સંબંધ

આપણે જાણીએ છીએ કે હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે. છાપામાં આવે છે કે આશરે 20,000 જેટલાં ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાઈ ગયાં છે. તેઓ ત્યાં રહી શકે તે પરિસ્થિતિમાં તો નથી જ, પણ તેઓને ભારત પોતાના વતનમાં આવવાનું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. સરકાર તેમને મદદ કરી રહી છે અને આશરે ૨૦૦ વિદ્યાર્થીઓ પરત પણ આવી ગયાં છે. સારું છે કે સરકાર તેમને મદદ કરે છે, તે સરકાર માટે પ્રશંસનીય કામગીરી કહેવાય. કારણ કે આ વિદ્યાર્થીઓ ભણવા માટે, પૈસા કમાવા માટે ગયા છે અને ગયા ત્યારે તો કંઈક જૂદી જ પરિસ્થિતિ હતી. તેઓ અને તેમનાં સ્વજનો તેમના જવાથી ખુશખુશાલ હતાં. ગૌરવ અનુભવતાં હતાં.  કેટલાકે તો પાર્ટીઓ આપી હશે, શેરીઓમાં પેંડા વહેંચ્યા હશે. તેઓ ખૂબ કમાશે, પૈસા વસુલ થઇ જશે અને દિવસો સુધરશે. પણ હાલમાં તો કંઈક  જુદી જ  પરિસ્થિતિ છે. જે વતનને  છોડી ભણીને પૈસા કમાવા ગયા હતા, તે જ વતન પાસે આજે જીવ બચાવવા માટે વિનંતી કરી રહ્યા છે અને સરકાર એટલે કે  આપણા વડા પ્રધાન તેમને બચાવવા તેમને વતન લઈ આવવા ખર્ચની પરવા કર્યા વગર ખૂબ પ્રયત્નો કરી રહ્યા છે. જો કે તે માતૃભૂમિની એટલે કે પોતાનાં સંતાનો માટે  ‘મા ભોમ’ની ફરજ છે.  પરંતુ લખનારનું માનવું છે કે આ પ્રશંસનીય કાર્ય માટે આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ભણીને પાછા આવે કે  પરદેશ રહે, તેમના જ્ઞાનનો ઉપયોગ માતૃભૂમિ માટે કરે  અને માતૃભૂમિનું નામ વિદેશોમાં રોશન કરી ગૌરવ અનુભવે. ‘મેરા ભારત મહાન’  ન ભૂલે.
સુરત     – નીરુબેન બી. શાહ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top