અમદાવાદમાં આગામી 1 જુલાઈ-22ના રોજ નીકળનારી ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાને લઇ મંગળવારે ગૃહ વિભાગ-અમદાવાદ શહેર પોલીસ દ્વારા તેની સમીક્ષા કરાઈ હતી, અને રથયાત્રાના રૂટ ઉપર રિહર્સલ કરવામાં આવ્યું હતું. એક સાથે 25,000 પોલીસકર્મીઓએ રથયાત્રાના બંદોબસ્તનું રિહર્સલ કર્યું હતું. બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરી જમાલપુર દરવાજાથી ખમાસા મનપા કચેરી સુધી પગપાળા ચાલતા નીકળ્યા હતા અને કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
રથયાત્રાને પગલે આજે શહેર પોલીસ કમિશ્નર સહિત ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને રિહર્સલ યોજવામાં આવ્યું હતું. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સમીક્ષા કરી હતી અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી જમાલપુર દરવાજાથી અમદાવાદ કોર્પોરેશન કચેરી સુધી ચાલતા નીકળ્યા હતા. આ દરમિયાન મુસ્લિમ સમુદાયના લોકો તથા સ્થાનિક લોકો દ્વારા પુષ્પવર્ષા કરી તેમને હાર પહેરાવી સ્વાગત કર્યું હતું.
રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થામાં 9 આઈ.જી. કક્ષાના અધિકારીઓ, 36 ડીસીપી, 86 એસીપી, 230 પોલીસ ઇન્સ્પેક્ટર, 650 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 12000 પોલીસ કોન્સ્ટેબલો, 19 એસઆરપી કંપની, 22 આરએએફ- સીએપીએફની કંપનીઓ, 5725 હોમગાર્ડ, 9 બોમ્બ સ્કવોર્ડ, ૧૩ ડોગ સ્કવોર્ડ, 70 માઉન્ટેડ પોલીસ, 4 નેત્ર ડ્રોન કેમેરા, 25 ટ્રેસર ગન, સહિત 25 હજારથી વધુ સુરક્ષા કર્મીઓ રથયાત્રાની સુરક્ષામાં જોડાશે.