તાજેતરમાં શાળામાં નિયમિત અખબારોનું વાચન ફરજિયાત કરવાનો યુપી સરકારે નિર્ણય કર્યો છે. જેથી બાળકો મોબાઇલ ફોનથી દૂર રહેશે અને બાળકોને વાચન પ્રત્યે રસ રુચિ વધશે અને લેખનમાં મૌલિકતા આવશે, જેથી બાળકો અને યુવાનોનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બનશે. શાળા સમય પહેલાં, રિશેસમાં કે સારા સમય બાદ શાળાની લાઈબ્રેરીમાં, અખબારો અને જ્ઞાનવર્ધક સાહિત્ય અને મેગેઝીનના નિયમિત વાંચવાથી વિદ્યાર્થીના જ્ઞાનમાં વધારો થશે. નવી શિક્ષણપદ્ધતિમાં વાચનથી બાળકોનો સર્વાંગી વિકાસ થશે.
લખાણમાં મૌલિકતા આવશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તે ખૂબ ઉપયોગી નીવડશે.ભાષાશુદ્ધિ પર પ્રભુત્વ આવવાથી યુવાનો જાહેર ચર્ચાઓમાં પણ નિપુણ બનશે. અવલોકનશક્તિ ખીલશે. અખબારોમાં પ્રકાશિત થતા સમાચારો દેશ અને દુનિયામાં બનતી ઘટનાઓના સમાચારો વર્તમાન પ્રવાહો જ્ઞાન વિજ્ઞાનની જાણી અને અજાણી વાતો,પ્રેરણાત્મક લેખો, કોયડાઓ, વિદ્યાર્થીઓની તર્કશક્તિ,જે ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સાંપ્રત વિષયમાં ખૂબ ઉપયોગી નીવડશે.
બાળકો મોબાઇલના વધુ પડતા વપરાશથી અભ્યાસથી દૂર થતાં જાય છે તેવા સંજોગોમાં વિદ્યાર્થીનું નિબંધલેખન પણ નબળું પડ્યું છે. અખબારો અને પુસ્તકો નિયમિત વાચન વધશે તો મૌલિકતા આવશે અને કોઈ પણ વિષય ઉપર લખી શકશે જેથી ગુજરાતમાં દરેક શાળાઓમાં લાઇબ્રેરીની અંદર અખબારોનું વાચન ફરજિયાત કરવાનો નિયમ સરકારના શિક્ષણ વિભાગે તાત્કાલિક લાગુ કરવો જોઈએ. આથી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અખબારવાચન દરેક શાળામાં થવું જોઈએ.
મોટા વરાછા, સુરત – યોગેન્દ્ર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.