Gujarat

કચ્છ-સૌરાષ્ટ્ર વિસ્તારની રિજનલ કોન્ફરન્સ રાજકોટમાં યોજાશે

ગાંધીનગર : રિજનલ બેલેન્સ્ડ ડેવલપમેન્ટ અને ઇન્ક્લુઝિવ ગ્રોથ માટેની દિશા દર્શક આ વી.જી.આર.સી.ની ચાર એડિશન રાજ્યમાં યોજવાના આયોજન રૂપે આગામી ૧૦ થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશની વી.જી.આર.સી. રાજકોટમાં યોજાવાની છે.

આ વી.જી.આર.સી.માં દેશ-વિદેશના રોકાણકારોને આકર્ષિત કરવા માટે તેમની સમક્ષ વી.જી.આર.સી.ની વિશેષતાઓની પ્રસ્તુતિ અને વિકાસ સંભાવના ધરાવતા સેક્ટર્સ અંગે ચર્ચા મંથન માટે રાજ્ય સરકાર દ્વારા નવી દિલ્હીમાં ચર્ચા સંવાદ સત્રનું શુક્રવાર ૧૨મી ડિસેમ્બરે આયોજન કરવામાં આવ્યું હતું

પ્રાદેશિક આકાંક્ષાઓ, વૈશ્વિક મહત્વાકાંક્ષાઓ સાથે અનુરૂપ અને ઇન્ક્લુઝિવ, ઇનોવેટિવ અને સસ્ટેનેબલ ઇકોનોમીઝ માટે ગુજરાતની વિશેષતાઓ આ સંવાદ સત્રમાં પ્રસ્તુત કરવામાં આવી હતી.

ખાસ કરીને ફિશરીઝ, પોર્ટ્સ, ધોલેરા એસ.અઈ.આર., ટૂરિઝમ જેવા ક્ષેત્રોમાં સહયોગ માટેની તકો પર અર્થપૂર્ણ સંવાદ અને બી ટુ બી માટેની સંભાવનાઓ અંગે વિસ્તૃત ચર્ચા પરામર્શ થયા હતા. તેમજ વી.જી.આર.સી.માં પાર્ટનર કન્ટ્રી બનવાના ફાયદાઓ, નેટવર્કિંગ, લોજિસ્ટિક સપોર્ટ વિષયક વાર્તાલાપ કરવામાં આવ્યો હતો.

મહેસાણામાં ઉત્તર ગુજરાત પ્રદેશની પ્રથમ વી.જી.આર.સી.ને મળેલી સફળતા અને ૩.૨૪ લાખ કરોડના રોકાણ એમ.ઓ.યુ.ની વિગતો આ ચર્ચા સત્રમાં ઉદ્યોગ કમિશનર પી.સ્વરૂપે આપી હતી.

આ સંવાદમાં રશિયા, ઇઝરાયલ, સિંગાપોર, યુ.એ.ઈ., ઇન્ડોનેશિયા, ન્યુઝીલેન્ડ, ફિનલેન્ડ, કેનેડા, શ્રીલંકા, ઓમાન, આઇસલેન્ડ, ગુયાના, રવાન્ડા, સાઉથ આફ્રિકા, કતાર, તાંઝાનિયા, યુગાન્ડા, ઉઝબેકિસ્તાન સહિત ૨૦થી વધુ દેશોના વિદેશી મિશન અને દૂતાવાસોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

Most Popular

To Top