સાઉથની કઇ અભિનેત્રી હિન્દી ફિલ્મોની ‘રેખા’, ‘શ્રીદેવી’ કે ‘જયાપ્રદા’ બનશે તે સમજાતું નથી, પણ એ દોડમાં રશ્મિકાથી માંડી શ્રીલીલા સુધીની ઘણી છે. આ અભિનેત્રીઓ સાઉથનાં જ હીરો સાથે હિન્દી ફિલ્મોમાં ચમકે તો લોકો તેને ખાસ ગણતા નથી. સાઉથના નિર્માતા-દિગ્દર્શકોની ફિલ્મમાં હોય તો પણ મામાનું ઘરને મા પીરસનારી જેવું લોકોને લાગે છે. જો પેલી અભિનેત્રીએ હિન્દી ફિલ્મોનાં થવું હોય તો હિન્દી ફિલ્મોમાં મુંબઇગરા નિર્માતા-દિગ્દર્શક અને હિન્દી ફિલ્મના સ્ટાર્સ સાથે જ જોડી બનાવવી પડે અને પોતાના અવાજમાં હિન્દી ડાયલોગ્સ બોલવા પડે. ડબીંગ ન ચાલે. આ બધી શરતો છે ને તે બધી અભિનેત્રીઓ પાળી નથી શકતી, જે પાળવા તૈયાર હોય તે હિન્દી વેબસિરીઝમાં પણ કામ કરે છે ને પછી ફિલ્મોમાં જગ્યા માંગે છે.
રેજિના કાસાન્દ્રા નામની ખૂબસૂરત એકટ્રેસ ઘણા વખતથી તમિલ, તેલુગુ ફિલ્મોનાં વાડામાંથી હિન્દીના અખાડામાં કુદકા મારી રહી છે. મદ્રાસ (હા ભૈ, ચેન્નઇ)માં જન્મેલી રેજિના મનોવિજ્ઞાનમાં બી.એસ.સી થયેલી છે. 2005થી ફિલ્મના કેમેરાનો સામનો કરતી આવી છે અને ‘રુટીન લવસ્ટોરી’, ‘કેદી બિલ્લા કિલાડી રંગા’, ‘પાવર’, ‘પિલ્લા નુવ્વુ લેની જિવીથમ’ જેવી સફળ ફિલ્મો વડે પોતાને સાબિત પણ કરી ચુકી છે. ‘સુબ્રમણ્યમ ફોર સેલ’માં તે ટ્રેડીશનલ છોકરી બનેલી ત્યારે બધાને બહુ ગમેલી તો ‘અવે’માં ડ્રગ એડિક્ટ તો ‘એવારુ’માં બિઝનેસ વુમન હતી. યાને – હર રોલમેં ફીટ સાબિત થયેલી રેજિના હિન્દી ફિલ્મોમાં પણ ચહલકદમી કરવા માંગે છે. ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’માં તેની કુહુ તરીકે મોટી ભૂમિકા નહોતી પણ શરૂઆત તો નાની ભૂમિકાથી કરવી વધારે યોગ્ય કહેવાય. ત્યાર પછી તે ‘રોકેટ બોયઝ’ ‘ટીવી શ્રેણી’માં મૃણાલિની સારાભાઇની ભૂમિકામાં આવી હતી. વેબસિરીઝમાં જરા મોટી તક હોય છે એટલે કામ કરતાં વધારે કમ્ફર્ટ સુધી પહોંચી શકાય છે. એ સિરીઝ પછી તે ‘જાંબાઝ હિન્દુસ્તાન કે’ નામની સિરીઝમાં આઇપીએસ કાવ્યા ઐયરની મુખ્ય ભૂમિકામાં આવી હતી. હિન્દીમાં આ તેથી પહેલી મોટી ભૂમિકા હતી.
રેજિના અત્યારે સલામત રમત રમી રહી છે કારણ કે, તમિલ, તેલુગુમાં જે નામ કમાયેલી છે તેને તો છોડી ન દેવાય અને અત્યારે સાઉથનો ફિલ્મોદ્યોગ આમ પણ હિન્દીને ટક્કર મારે છે તો તે શું કામ છોડવો? પણ હિન્દીમાં વધારે કામ તો થઇ જ શકે એટલે ‘થલાઇવી’માં તે બી. સરોજાદેવી નામની એકટ્રેસની ભૂમિકામાં આવી હતી અને હવે સની દેઓલ સાથે ‘જાટ’ અને તે ઉપરાંત ‘સેક્શન 108’માં શીખા સકસેના તરીકે આવશે. ‘જાટ’માં તો સની દેઓલ છે એટલે આ ફિલ્મ જોર કરશે જ. ફિલ્મનું શૂટિંગ હૈદ્રાબાદ, વિશાખાપટ્ટનમમાં થયું છે એટલે રેજિનાને વધારે હોમલી લાગતું હતું. ‘સેક્શન 108’માં રેજિનાનું પાત્ર કેન્દ્રમાં છે અને તેને ખાત્રી છે કે નવાઝુદ્દીન સિદ્દિકી સાથેની આ ફિલ્મ તેને એક ખાસ સ્થાન અપાવશે. રેજિના પાસે સાઉથની પાંચેક ફિલ્મોની વ્યસ્તતા તો છે જ, પણ હિન્દી પર તે વધુ ધ્યાન આપી રહી છે. એસ.એસ. રાજામૌલી કે મણીરત્નમ કે એટલી વગેરેની મોટી ફિલ્મો વિના પણ મોટા થવાનું તે શીખી રહી છે અને તેમાં જ પડકાર છે. રેજિના પોતાની રેન્જ શોધી રહી છે. •
